ખ્યાતિ હોસ્પિટલ મામલે રાજ્ય આરોગ્ય વિભાગે આપ્યા તપાસના આદેશ, આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે
Khyati Hospital Controversy: ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખી દેવાના વિવાદાસ્પદ પ્રકરણની તપાસ કરવા રાજ્ય આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. યુ. એન. મહેતા અને સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની એક ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. દર્દીઓને ખરેખર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર હતી તેની તપાસ કરવામાં આવશે. તમામ પ્રકરણની તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં આવશે.
તપાસ કરી આરોગ્ય કમિશનરને સોંપાશે રિપોર્ટ
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે.
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ પર રાજકીય આકાઓના આશીર્વાદ, આરોગ્યમંત્રી ઋષિકેશના હસ્તે મળ્યો હતો એવોર્ડ
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.
આરોગ્ય કેમ્પ ન થાય તે માટેની કાર્યવાહી
આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને પીએમજેવાયએ યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે. જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. નોંધનીય છે કે, આરોગ્ય કેમ્પ કરી હોસ્પિટલ સંચાલકોને એકપણ રૂપિયાનો ખર્ચો થશે નહીં, લાવવા લઈ-જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તેમ કહી દર્દી સાથે લોભામણી વાતો કરે છે.
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને બારોબાર સ્ટેન્ટ નાંખી સારવારના નામે કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ હવે શંકાના ઘેરામાં આવી ગઇ છે. હવે એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. બે દર્દીઓના મોત પછી ખ્યાતિ ગ્રુપના સંચાલકો તો ભૂગર્ભમાં ઉતરી પડ્યાં છે. એવુ જાણવા મળ્યુ છે કે, હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. બે દર્દીના મોત છતાં હોસ્પિટલ સંચાલકોના પેટનું પાણી હલ્યું નથી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક. જે. પટેલ ક્યારે આવશે બહાર? ખ્યાતિ હોસ્પિટલનું તમામ સંચાલન ચિરાગ રાજપૂત કરે છે. ખ્યાતિ હોસ્પિટલમાં ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
કમિટી દ્વારા ઓપરેશનની સીડી ચકાસાઈ
આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન્ટ મૂકાયા તેમની સીડી અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઇ રહ્યો છે. આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રીપોર્ટ આરોગ્ય વિભાગને આપશે.