'અંધાપાકાંડની જેમ આરોપીઓને છાવરતા નહીં', ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે વિપક્ષી નેતાઓ ભડક્યાં
Opposition Reaction On Khyati Hospital Controversy: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર આયુષ્યમાન કાર્ડના નામે કૌભાંડ કરી દર્દીના પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યાના આરોપ લાગ્યા છે. જેમાં સારવાર દરમિયાન બે દર્દીઓની મોત થઈ ગઈ હતી. દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, આયુષ્યમાન કાર્ડના પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. બે દર્દીની મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, હવે આ સમગ્ર બનાવમાં રાજકારણની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ખ્યાતિ હોસ્પિટલની આ ઘટનાને લઈને પક્ષ-વિપક્ષના વિવિધ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા સામે આવી છે.
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ આ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022 અને 23માં પણ બની હતી. આ એક સુઆયોજિત ષડયંત્ર છે. ગરીબ-લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વિના, જાણકારી આપ્યા વિના પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણેના ઓપરેશનો ઠોકી બેસાડવા. જેના પરિણામે બે લોકોના મોત થયાં.’
નીતિન પટેલ પર કર્યાં પ્રહાર
આ સિવાય મેવાણીએ નીતિશ પટેલ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આવા નેતાઓ ઔપચારિકતા કરવા અને ફોટા પડાવવા તો પહોંચી જાય છે. પરંતુ, પીડિત પરિવારોને કેમ ગેરંટી નથી આપતા કે, કડક એફઆઈઆર કરી હસમુખ પટેલ જેવા બિનભ્રષ્ટાચારી નેતાઓને તપાસ સોંપીશું. જેથી દરેકને મેસેજ પહોંચે કે, આવા કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો. પરંતુ, ભાજપની સરકાર આ કરવા ઈચ્છતી નથી. જે આપણે મોરબી કાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં જોઈ ચૂક્યા છીએ.
જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ: મનીષ દોશી
આ સિવાય કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. મનીષ દોષીએ જણાવ્યું કે, ‘આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે. ગુજરાતમાં તકવાદી હોસ્પિટલ અને ડૉક્ટરના કારણે માનવ જિંદગી જોખમાય છે. તેવા તમામ ગુનાઇત કાર્યવાહી કરનાર તબીબો અને હોસ્પિટલ સામે ફોજદારી ગુનો નોંધાવો જોઈએ. આ સિવાય સરકારે અગાઉ અંધાપાકાંડની જેમ આરોપીઓને બચાવવામાં ન આવે.’
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તટસ્થ તપાસની કરી માગ
ખ્યાતિ હોસ્પિટલના કથિત કૌભાંડ મુદ્દે બનાસકાંઠાના સાંસદે ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતાં દર્દીઓ માટે ન્યાયની માગ કરી છે. ગેનીબેને કહ્યું કે, તમામ હોસ્પિટલ જેને હેલ્થ કાર્ડની માન્યતા આપવામાં આવી છે, આ તમામ હોસ્પિટલોમાં ભાજપના આગેવાનો હોય, મંત્રીઓ હોય તેમની જ માલિકીની હોસ્પિટલો છે. ત્યારે પોતાની આવક વધારવા નિર્દોષ લોકોના જીવ લીધા છે. તેથી આ મુદ્દે તટસ્થ તપાસ થવી જોઈએ.
આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા આવી સામે
સમગ્ર ઘટના પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાનું નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે 'અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં તબીબી બેદરકારી સાબિત થશે, તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’
અમિત ચાવડાના પ્રહાર
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે. હોસ્પિટલની બેદરકારીથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં અગાઉ પણ બેદરકારી થયાનું સામે આવ્યું હતું. વર્ષ 2022માં જો કડક પગલાં ભર્યા હોત તો ફરી આવું ન બન્યું હોત.
AAPની પ્રતિક્રિયા આવી સામે
આ સિવાય AAPના નેતા હિમાન્સુ ઠક્કરે સમગ્ર ઘટના પર પ્રશ્ન કરતાં કહ્યું કે, હોસ્પિટલ પૈસા કમાવવાનું સાધન તો બની ગઈ હતી, પરંતુ દર્દીઓના જીવ શા માટે લેવામાં આવે છે? આટલી બધી બેદરકારી અને આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કેમ કરવામાં આવે છે? ગુજરાતની જનતાના જીવની કોઈ કિંમત જ નથી. ત્યારે અમારી વિનંતી છે કે, આ મામલે દર્દીઓને ન્યાય મળે.