અમદાવાદ જનમાર્ગ લી. સંચાલિત BRTS નાં ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરોની 792 ફરિયાદ
Ahmedabad BRTS Driver Complaint News | અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી BRTSના ડ્રાઈવરો વિરુધ્ધ 4 વર્ષમાં મુસાફરો દ્વારા 792 ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષ 2024માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુધ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેર વર્તણૂંક કરવામા આવી હોવા અંગે 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવા અંગેની 8 ફરિયાદ સહિત કુલ 174 ફરિયાદ કરવામાં આવી હતી.
ચાર વર્ષમાં ચાર્ટડ સ્પીડ લિમિટેડ નામની કંપનીના એક માત્ર ડ્રાઈવરને ફરજ ઉપરથી દુર કરવામાં આવ્યો હતો. મુસાફરો દ્વારા ડ્રાઈવરો વિરુધ્ધ ફરિયાદો છતાં જનમાર્ગ લી. તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કુલ મળીને 89 કિ.મી.ના રુટ ઉપર BRTSની 250થી પણ વધુ બસ મુસાફરો પરીવહન કરી શકે એ માટે દોડાવવામાં આવે છે. આ બસોનું સંચાલન પ્રાઈવેટ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવે છે.
જનમાર્ગ લી.દ્વારા દોડાવવામા આવતી બસના મુસાફરો બસના ડ્રાઈવરની વર્તણૂંકથી લઈ અન્ય બાબતો અંગ. તંત્ર સમક્ષ ફરિયાદ કરી શકે એ માટે જનમાર્ગ તરફથી ટોલ ફ્રી નંબર ઉપરાંત વોટસઅપ નંબર, જનમાર્ગ કંટ્રોલ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી.પણ આપવામાં આવેલા છે.
એડવોકેટ અતિક સૈયદે માંગેલી માહીતી પછી જનમાર્ગ તરફથી આપવામા આવેલી વિગત મુજબ, પેસેન્જરને ઈજા, ડ્રાઈવરની ગેર વતર્ણૂંક, અયોગ્ય રીતે બસ ચલાવવી, દુર્વ્યવહાર કરવા જેવી ફરિયાદ મુસાફરો તરફથી કરવામા આવતી હોય છે.
BRTSની ઓપરેશન બ્રાન્ચ દ્વારા બસ ડ્રાઈવરને એક કે બે દીવસ માટે ટ્રાફિક જંકશન ઉપર ગંભીર ગુનો જણાય તો ફરજ મુકત કરવામા આવે છે.પરંતુ તંત્ર તરફથી મુસાફરો દ્વારા કરવામા આવતી ડ્રાઈવરો વિરૃધ્ધની ફરિયાદનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી.ચાર વર્ષમાં ચાર્ટડ સ્પીડ લી.ના એક માત્ર પ્રમોદભાઈ નામના ડ્રાઈવરને ફરજ ઉપરથી ઉતારવામા આવ્યા છે.ડ્રાઈવરો વિરુધ્ધ મળેલી ફરિયાદ મુજબ મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પેનલ્ટી વસૂલ કરવા માંગણી કરવામાં આવી છે.
બસ ડ્રાઈવર વિરુધ્ધ કયા વર્ષમાં કેટલી ફરિયાદ
વર્ષ ફરિયાદ
2021 55
2022 159
2023 327
2024 251
ડ્રાઈવરો સામે કયા પ્રકારની મુસાફરોએ ફરિયાદ કરી?
1.બસ ડ્રાઈવર ઓવર સ્પીડથી બસ ચલાવે છે.
2.બસ ડ્રાઈવર બસ સ્ટોપ ઉપર બસ ઉભી રાખતા નથી.
3.બસ ચલાવતી વખતે ડ્રાઈવર મોબાઈલ ઉપર વાત કરે છે.
4.મુસાફરો સાથે ડ્રાઈવર યોગ્ય રીતે વાત કરતા નથી.
5. બસ ડ્રાઈવર અપશબ્દો બોલે છે.
6.ડ્રાઈવરે યુનિવર્સિટીના બદલે મેમનગર બસ સ્ટોપ ઉપર ઉતાર્યા.
7.ડ્રાઈવર ખુબ ખરાબ સ્પીડથી બસ હંકારે છે.
8.ડ્રાઈવર મહિલા મુસાફરો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે.
9.ડ્રાઈવર નોન સ્ટોપ બસ હંકારી બસસ્ટોપ ઉપર બસ ઉભી રાખતા નથી.
10.લાપરવાહીથી બસ હંકારીને મુસાફરને ઈજા પહોંચાડે છે.
11.બસ રોંગસાઈડમાં હંકારીને ઓવરટેક કરે છે.