અમદાવાદમાં ડૉક્ટરોની હડતાળને કારણે મુશ્કેલી વધી, અનેક ગંભીર દર્દીઓ સારવાર માટે રઝળ્યા
Ahmedabad Resident Doctors Strike : અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટરોની આજથી હડતાળ શરૂ થતા અનેક સેવાઓ ખોરવાઈ છે. હડતાળના કારણે અનેક ગંભીર દર્દીઓ સારવાર માટે રઝળી પડ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર જવાના કારણે ઓપીડીમાં પણ દર્દીઓને મુશ્કેલી પડી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રનો વિરોધ કરતાં તમામ રેસીડેન્ટ ડૉક્ટર્સ સ્ટાઈપેન્ડના મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.
ડૉક્ટરોની હડતાળથી દર્દીઓ રઝળ્યા
ચોમસાની સિઝનમાં અનેક રોગો માથું ઊંચકતા હોય છે, જેના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધતો હોય છે, ત્યારે આવા સમયે રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી જતા અનેક દર્દીઓએ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં સરકાર દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર્સના સ્ટાઈપેન્ડમાં 20 ટકાનો વધારો કરવાની જાહેત કરી હતી. જોકે તેનાથી રેસિડેન્ટ ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી હતી અને તેઓએ પોતાના સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે ફરી હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો. આજથી રેસિડેન્ટ ડૉક્ટર્સ ફરીથી હડતાળ પર ઉતર્યા છે, જેમાં તેઓએ ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરી દીધી હતી.
હડતાળની સૌથી વધુ અસર ઓપીડી પર
રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળની મોટી અસર હોસ્પિટલની OPD પર જોવા મળી હતી. હડતાળના કારણે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓ રઝળી પડ્યા હતાં. રેસિડેન્ટ ડૉક્ટર્સ સરકારે વધારેલાં 20 ટકા સ્ટાઈપેન્ડનો વિરોધ કરી 40 ટકા સ્ટાઈપેન્ડની માંગ કરી રહ્યાં છે. જોકે, તેઓએ કરેલાં ધરણાં અને હડતાળના કારણે ઘણાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે દરમિયાન તેઓએ ડૉક્ટર બનતાં પહેલાં લીધેલી શપથને નેવે મુકી દીધી હતી અને પરિણામ દર્દીઓને ભોગવવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આટલા જિલ્લામાં થશે મેઘમહેર
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ મુદ્દે હડતાળ
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર્સ સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતમાં રેસિડેન્ટ ડૉક્ટર્સને 1 લાખથી વધુ સ્ટાઈપેન્ડ આપવામાં આવતું, જેમાં 20 ટકાનો વધારો કરીને તેને 1.30 લાખ સુધી કરવામાં આવ્યુ હતું. નોંધનીય છે કે, દેશના અનેક રાજ્યોમાં તેઓનું સ્ટાઇપેન્ડ 40 હજારથી 70 હજાર સુધી છે.