અમદાવાદના તબીબની કમાલઃ ઇન્ટરનેશનલ લેવલે મળ્યા બે ખ્યાતનામ ઍવૉર્ડ, 74 વર્ષે પણ સેવામાં સમર્પિત
Image: X |
Ahmedabad News : અમદાવાદના ડૉ. અભય વસાવડાને થોડા દિવસ પહેલા બાર્સેલોનામાં યોજાયેલી યુરોપિયન ઓપ્થેમોલોજિસ્ટ કેટરેકટ અને રિફ્રેક્ટિવ કોન્ફરન્સમાં તેમને પ્રણેતા સમાન આંખોની બીમારીના સર્જન, સંશોધક અને તબીબી શિક્ષણના પ્રસાર બદલ ઍવૉર્ડ એનાયત કરાયો છે. આ અગાઉ અમેરિકન સોસયટી ઑફ કેટરેકટ ઍન્ડ રીફ્રેક્ટિવ સર્જન્સ તેમને Binkhorst Medal આપી ચૂકી છે. આ બન્ને ઍવૉર્ડ મેળવનાર ડૉ. અભય વસાવડા ભારતના જ નહીં પરંતુ એશિયાના પ્રથમ આંખોની બીમારીના સર્જન છે, જેમણે આ સિદ્ધી મેળવી હોય. તેઓ પોતાના ક્ષેત્રીય શિક્ષણ અને સંશોધનમાં પ્રદાન આપનાર વિશ્વના બે પર્સેન્ટાઇલ તબીબોમાં સ્થાન ધરાવે છે. તબીબી જગતમાં જેમની નમ્રતા અને સાદહી પ્રેરણા-સમાન મનાય છે, તેવા 74 વર્ષીય અભય વસાવડા આજે પણ અમદાવાદ સ્થિત તેમની રઘુદીપ આઇ હોસ્પિટલમાં દર્દીઓનો દરરોજ ચેકઅપ કરે છે અને બાળકોથી માંડી વયસ્કોની સર્જરી પણ કરે છે.
આવડી મોટી સિદ્ધિનું જણાવ્યું કારણ
ડૉ. અભય વસાવડાનું પોતાને મળેલી આ સિદ્ધિ વિશે માનવું છે કે, 'જો તમારે તમારા ક્ષેત્રમાં કંઈક વિશેષ પ્રદાન આપવું હોય તો તેમાં કુતૂહલ ઉમેરી સાધકની જેમ આજીવન સંશોધનમાં ગળાડૂબ થઈ જવું પડે. તમે જે પણ વ્યવસાય કે પ્રવૃત્તિ કરો તેમાં પ્રામાણિકતા અને ગુણવત્તામાં કોઈપણ સંજોગોમાં સમાધાન નહીં કરવીના ગુણો ઉમેરશો તો તમારૂ કાર્ય અને પ્રદાન દીપી ઉઠશે. આ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે.'
ડૉ. અભય વસાવડા જ્યારે ગુજરાત સમાચારની મુલાકાતે હતાં, ત્યારે તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, તમને જ અમેરિકા અનમે યુરોપની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવા માટે પસંદ કરવામાં આવ્યા તેનું કારણ તમે શું માનો છો?
ત્યારબાદ તેમને તેમના વિશેષ પ્રદાન અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘ભારત અને વિશ્વના 150થી વઘુ તબીબોને સર્જરી માટે તાલીમ આપી છે અને તબીબી વિદ્યાર્થીઓ મારા માર્ગદર્શન હેઠળ પીએચડી પણ કરે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં આવા પ્રેઝન્ટેશન દ્વારા તબીબોને તાલીમ આપી છે. ખાસ કરીને આર્થિક અને નબળા દેશોમાં બાળકોને મોતિયાની બીમારી જોવા મળે છે. આવા બાળકોની મોતિયાની સર્જરી ખૂબ જ જટીલ અને પડકારરૂપ હોય છે. અગાઉ તેના માટે જાગૃતિ જ નહોતી. જો આવા બાળકની મોતિયાની સર્જરી ન જ થાય તો તેનું બાકીનું આખું જીવન કપરૂ બની જાય. વિશ્વના આવા લાખો બાળકોની આંખોની રોશની જીંદગીભર જળવાઈ રહી તેમાં યોગદાન આપતા જીવન સાર્થક થયું તેમ લાગે છે. આવા બધા માપદંડ નજરમાં લેવાયા હોઈ તેમ હોઈ શકે.’
ડૉ. અભય વસાવડાએ ફેલો ઑફ રોયલ કોલેજ ઑફ સર્જન્સ ઇંગ્લેન્ડ (F.R.C.S)થી 1980માં ડીગ્રી મેળવી પછી સાડા છ વર્ષ બ્રિટનમાં રોકાયા અને ત્યાં સંશોધન કરવા સાથે હોસ્પિટલમાં કાર્યરત રહ્યા. તેમની કોલેજના ડીને તેઓ બ્રિટનમાં જ સ્થાયી થાય તે માટે તમામ સવલતો કરી આપવાની તૈયારી બતાવી હતી, તેમ છતાં ડૉ. અભય વસાવડાએ ભારતમાં જ પરત ફરવાનો નિર્ણય લીધો કેમ કે તેમને સંશોધન અને સેવાની તક ભારતમાં વઘુ દેખાતી હતી.
ડૉ. અભય વસાવડાને ત્યારબાદ પુછવામાં આવ્યું કે, તમે તો વિશ્વભરની તીબી જગતથી પરિચિત છો. આપણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની બરારીએ આવી રહ્યાં હોઈએ તેવું નથી લાગતું?
જેનો જવાબ આપતાં ડૉ. અભય વસાવડાએ કહ્યું કે, 'આપણે ટેક્નોલોજીથી કદાચ બરાબર હોઈએ તો પણ અમેરિક અને યુરોપની તુલનાએ નથી, તેનું સૌથી મોટું કારણ ડૉક્ટર અને દર્દી વચ્ચે વિશ્વાસનો સંબંધ નથી. અદ્યતન ટેક્નિકથી નિદાન તો થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સર્જરી પણ થાય જ છે પણ શું ખરેખર સર્જરીનું જે નિદાન થયું છે તે યોગ્ય હોય છે ખરૂ? સ્થુળ સાધનો કે ઇન્ફ્રાસ્ટ્રકચર માત્રથી આંતરરાષ્ટ્રીય નથી બનાતું. મેં એવું સાંભળ્યું છે કે ડૉકટર્સ ટાર્ગેટ બેઝ્ડ પ્રેકટિસ કરે છે. વિદેશમાં સારવાર ચોક્કસ મોંઘી છે પણ દર્દીને વિશ્વાસ છે. જો કે અમેરિકા કરતા બ્રિટનની વિશ્વસનિયતા તેમને વઘુ પસંદ છે. ભારતમાં સંશોધન વૃત્તિ, તે માટેની સવલતો, લેબ અને સ્પેશ્યલાઇઝેશનનું કલ્ચર હજુ વિકસાવવાની જરૂર છે.'
ડૉ. અભયે કોમ્યુનિટી સર્વિસ અને મફત આઈ કેમ્પમાં પણ ખાનગી દર્દીની જેમ જ ગરીબ દર્દી માટે સર્જરી, ડીઝપોઝેબલ સાધનો અને દવા ઉપયોગમાં લેવાય તેવી અપીલ કરી છે. તેમણે ધોળકા નજીક ફ્રી કેમ્પ દ્વારા સેંકડોસર્જરી પણ ભૂતકાળમાં કરી છે. આજે પણ તેઓ કારકિર્દીના પ્રારંભમાં વ્યસ્ત રહેતા તેટલો સમય સંશોધન અને સર્જરીમાં ગજબની સમતુલા સાથે આપે છે. શનિવારે અને રવિવારે પણ તેમના સ્ટડી રૂમમાં હોય કે હોસ્પિટલ અચુક હાજરી આપે છે.