Get The App

ડ્રગ્સ માફિયાઓને લીલાલહેર? અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ પકડી શકાય તેવા સ્કેનર મશીન કે સ્નીફર ડૉગ જ નથી

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
ડ્રગ્સ માફિયાઓને લીલાલહેર? અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ પકડી શકાય તેવા સ્કેનર મશીન કે સ્નીફર ડૉગ જ નથી 1 - image


Ahmedabad Airport Security On Questions: અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્રગ્સ પકડી શકાય તેવા કોઈ સ્કેનર મશીન કસ્ટમ વિભાગ પાસે છે જ નહીં. જેનો ભરપૂર ફાયદો ડ્રગ માફિયા ઉઠાવી રહ્યા છે. અમદાવાદના એરપોર્ટ પર છેલ્લા દસ દિવસમાં 10 કરોડથી વધારેનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં બે કેસની અંદર ગાંજો બહાર નીકળી ગયા પછી આરોપીઓની ધરપકડ કરાઈ હતી. 

સ્કેનર મશીનમાં નથી પકડાતું ડ્રગ્સ

હાલ અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રીન ચેનલ કે રેડ ચેનલમાંથી પેસેન્જરના લગેજનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો બેગ ખોલીને તપાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે કસ્ટમ ડ્યુટીની ચોરી કરતા પેસેન્જર પકડાઈ જતા હોય છે, પરંતુ બ્લેક પેપર અથવા તો કાર્બન પેપરમાં ગાંજો કે અન્ય પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ પેસેન્જર લઈને આવે તો કસ્ટમના સ્કેનર મશીનમાં પકડાતા નથી. જેનો ડ્રગ માફીયા પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ ગુજરાત બન્યું ડ્રગ્સનું એપિસેન્ટર, અંકલેશ્વરની ફેક્ટરીમાં ઝડપાયું 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ

સુરક્ષાના અભાવનો ડ્રગ્સ માફિયા માટે ફાયદાકારક?

ડ્રગ્સ માંફિયાઓની સિન્ડિકેટ જાણે છે કે અમદાવાદના એરપોર્ટ ઉપર ડ્રગ્સને પકડી શકાય કે તેની ઓળખ કરી શકાય તેવા સ્કેનર મશીનો નથી અને નાર્કોટિક્સના જાણકાર અધિકારીઓ પણ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા નથી. જેનો ડ્રગ્સ માફિયા દ્વારા ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવે છે.

ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેગેજની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે અને સફેદ પાવડર નીકળી આવે તો તેની ઓળખ કરવી મુશ્કેલ છે કે આ ડ્રગ્સ છે કે નથી. તેના માટે નાર્કોટિક્સના અધિકારીઓ અને ફેશિયલના અધિકારીઓને બોલાવીને ચકાસણી કરવી પડતી હોય છે. જેમાં ઘણીવાર પેસેન્જર ઘઉંનો લોટ કે મેદાનો લોટ અથવા તો અન્ય કોઈ પ્રકારનો લોટ હોવાની દલીલ કરતા હોય છે. 

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાંથી રૂ.5 હજાર કરોડનું 518 કિલો કોકેઈન મળી આવતા હડકંપ, દિલ્હી-ગુજરાત પોલીસનું સંયુક્ત ઓપરેશન

કસ્ટમના અધિકારીઓને બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તેઓ બેગ ખોલીને તપાસ કરતા હોય છે. આવા સમયે કાર્બન પેપરમાં લપેટીને લાવેલો ગાંજો પણ મળી આવતો હોય છે તેની પાછળનું કારણ એવું છે કે ગાંજો મળે ત્યારે અત્યંત દુર્ગંધ મારતો હોય છે જેના કારણે ગાંજો હોવાનું માનીને કસ્ટમ અધિકારીઓ ગાંજો જપ્ત કરી લેતા હોય છે. એક બાજુ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટને અઘ્યતન બનાવવાની વાતો ચાલી રહી છે, પેસેન્જર ફેસિલિટીની પણ વાતો કરવામાં આવે છે પણ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટને રોકી શકાય તેવા સ્કેનર મશીનો કે નાર્કોટિક્સના જાણકાર એક્સપર્ટ ઓફિસરો એરપોર્ટ ઉપર નથી. ડી.આર.આઈ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ નેશનલ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ સાથે સંકલનમાં હોવાને કારણે એરપોર્ટ પરથી કોકે બ્રાઉન સુગર કે અન્ય સિન્થેટિક ડ્રગ્સ ને પકડવામાં સફળ થાય છે. બાકી કસ્ટમના અધિકારીઓએ એરપોર્ટ પર આજ દિન સુધી કોઈ મોટું ડ્રગ્સ નું કનસાઈનમેન્ટ પકડ્યું નથી.

આતંકવાદનો ખતરો છતાં એરપોર્ટ પર સ્નિફર ડોગ પણ નથી

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેરેરિસ્ટ એક્ટિવિટી કે ડ્રગ્સની હેરાફેરી રોકી શકાય તે માટે સ્નીફર ડોગ રાખવામાં આવ્યો હતો. પરંતુ, હાલ સ્નિફર ડોગ પણ એરપોર્ટ પર છેલ્લાં કેટલાક વર્ષોથી રાખવામાં નથી આવ્યો. મલેશિયા, થાઇલેન્ડ, દુબઈ અને અખાતી દેશોમાંથી આવતા કેટલાક પેસેન્જર કમિશન લઈને હાઇબ્રિડ ગાંજો અને સિન્થેટિક ડ્રગ્સ લઈને આવતા હોય છે અને ઘણીવાર સરળતાથી એરપોર્ટની બહાર પણ નીકળી જાય છે. અમદાવાદના એરપોર્ટ પર સેન્ટ્રલ એજન્સીઓ સતર્ક થઈ જાય તેવી માહિતી ડ્રગ્સ માફિયાઓને મળી જતી હોવાથી તેમના કેરીયરો મુંબઈ અને દિલ્હીથી વાયા ડોમેસ્ટિક ફ્‌લાઈટમાં અમદાવાદ આવતા હોય છે. 

કેટલા કિસ્સાઓમાં ડોમેસ્ટિક પેસેન્જરો પણ મુંબઈ અને દિલ્હીથી આવતી ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં અમદાવાદ આવતા હોય છે. જોકે ડોમેસ્ટિક પેસેન્જરનું ઈમિગ્રેશન અને કસ્ટમ મુંબઈ અને દિલ્હી થઈ ગયું હોવાથી તેઓ બોર્ડિંગ પાસ બતાવીના સીધા એરપોર્ટની બહાર નીકળી જતા હોય છે. માત્ર અમદાવાદના એરપોર્ટ પર જ નહીં ગુજરાતના તમામ એરપોર્ટ પર કે જ્યાં ઈન્ટરનેશનલ ફ્‌લાઇટ આવતી હોય છે ત્યાં કસ્ટમ પાસે ડ્રગ્સ પકડી શકાય તેવા કોઈ સ્કેનર મશીન નથી.


Google NewsGoogle News