જાહેરખબર એજન્સીઓ પાસેથી ભાડા પેટે ૮૭ કરોડની વસૂલાત હજુ બાકી

જાહેર ખબર એજન્સીઓ મ્યુનિ.નોટિસને ગણકારતી નથી

૮૭ કરોડ જેટલી માતબર રકમની વસૂલાત બાકી છતાં એસ્ટેટના અધિકારીઓ પાસે વિગત નથી, કમિટી ચેરમેન

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જાહેરખબર એજન્સીઓ પાસેથી ભાડા પેટે ૮૭ કરોડની વસૂલાત હજુ બાકી 1 - image


અમદાવાદ,મંગળવાર,10 સપ્ટેમ્બર,2024

અમદાવાદના વિવિધ વોર્ડમાં અંદાજે ૧૮૦૦ જેટલી જાહેરખબર માટેની સાઈટ આવેલી છે. ખાનગી મિલકત ઉપર મુકવામાં આવતી જાહેરખબર સાઈટના ભાડા પેટે ૮૭ કરોડ જેટલી માતબર રકમ એસ્ટેટ વિભાગને વસૂલ કરવાની બાકી છે. ખાનગી મિલકત ઉપર જાહેરખબર એજન્સીઓ દ્વારા જાહેરાત મુકવામાં આવે છે. આ એજન્સીઓને બાકી રકમની રીકવરી અંગે   એસ્ટેટ વિભાગે નોટિસ આપી હતી.જેને વિવિધ એજન્સીઓએ નહીં ગણકારતા હવે ખાનગી મિલકતના માલિકોને નોટિસ આપવામાં આવશે.ટી.પી.કમિટીના ચેરમેને કહયુ, ખાનગી મિલકતના માલિકોને ખબર પડે કે તેમની મિલકત ઉપર મુકવામાં આવતી જાહેરખબર પેટે કેટલી રકમની વસૂલાત મ્યુનિ.તંત્રને કરવાની બાકી છે.બે દિવસની અંદર શહેરમાં આવેલી ખાનગી મિલકત ઉપર મુકવામાં આવેલી જાહેરખબર,હોર્ડીંગ્સ ઉતારી લેવા એસ્ટેટ વિભાગને સુચના કમિટીમાં સુચના અપાઈ છે.૮૭ કરોડ જેટલી વસૂલવાની બાકી રકમ પૈકી કઈ એજન્સી પાસે કયા ઝોનમાં કેટલી રકમની વસૂલાત કરવાની બાકી છે એ અંગે એસ્ટેટના અધિકારીઓ કોઈ જવાબ આપી શકયા નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં આવેલી પ્રાઈવેટ સાઈટ તથા ટેન્ડર સાઈટ ઉપર જાહેરખબર એજન્સીઓ દ્વારા મુકવામાં આવતી જાહેરખબરને લઈ એસ્ટેટ વિભાગ તરફથી રેન્ટ સહિતની કુલ કેટલી રકમ વસૂલવાની બાકી છે.આ રકમ કયા કારણથી વસૂલી શકાતી નથી જેવા મુદ્દા ઉપર લાંબી ચર્ચા થઈ હતી. કમિટી ચેરમેન પ્રિતિષ મહેતાએ કહયુ, પ્રાઈવેટ સાઈટની રુપિયા ૮૭ કરોડ તથા ટેન્ડર સાઈટની રુપિયા ૨૫ કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી છે. ફેબુ્રઆરી મહિનાથી કમિટીની દરેક બેઠકમાં આ અંગે એસ્ટેટના અધિકારીઓને અવારનવાર આ અંગે પુછવામાં આવી રહયુ છે. વિભાગના અધિકારીઓના કહેવા મુજબ, વિવિધ જાહેરખબર એજન્સીઓ પૈકી જેમની પાસેથી રીકવરી કરવાની બાકી છે તે તમામ એજન્સીઓને ૩૧ ઓગસ્ટ-૨૪ સુધીમાં તેમને ભરવાપાત્ર રકમ ભરપાઈ કરવા વિભાગ તરફથી નોટિસ અપાઈ હતી.મુદત વિતી ગયા પછી પણ એસ્ટેટ વિભાગ તરફથી જે એજન્સીઓ પાસેથી રકમ વસૂલવાની બાકી છે તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી.શહેરના ૪૮ વોર્ડમાં જાહેરખબરની કેટલી સાઈટ ઉપર કેટલી રકમની રીકવરી જાહેરખબર એજન્સીઓ પાસેથી કરવાની બાકી છે તેનો રીપોર્ટ આપવા એસ્ટેટના અધિકારીઓને કહેવામાં આવ્યુ છે.

કોર્ટમાં સ્ટેટસ-કો છતાં જાહેરખબર સતત બદલાતી રહે છે

        એસ્ટેટ વિભાગ તરફથી શહેરના વિવિધ વોર્ડમાં આવેલી પ્રાઈવેટ તથા ટેન્ડર સાઈટ ઉપર વિવિધ જાહેરખબર એજન્સીઓને જાહેરખબર મુકવાની પરમીશન આપવામા આવે છે.ટી.પી.કમિટીની બેઠકમાં એસ્ટેટના અધિકારીઓએ કેટલીક સાઈટ ઉપર કોર્ટનો સ્ટેટસ-કો હોવાની રજૂઆત કરતા કમિટીના સભ્યે કહયુ,કોર્ટનો સ્ટેટસ-કો હોય તો જાહેરખબર સતત બદલાતી રહે એવુ શકય કેવી રીતે બને? આટલી જંગી રકમની રીકવરી જાહેરખબર એજન્સીઓ પાસેથી મ્યુનિસિપલ તંત્રને કરવાની બાકી છે.આ પરિસ્થિતિમાં કોઈ એજન્સી ડીફોલ્ટ જાહેર થઈ જશે તો રીકવરી કોની પાસેથી અને કેવી રીતે કરશો. એસ્ટેટના અધિકારીઓ આ અંગે કોઈ જવાબ આપી શકયા નહતા.


Google NewsGoogle News