ઈયળ નીકળવાની ઘટના બાદ બ્રિટીશ પીઝાને ૧૫, રીયલ પેપરીકાને માત્ર રુપિયા૧૦ હજારનો દંડ ફટકારાયો
મ્યુનિ.ફુડ વિભાગે એકમ સીલ કરવા કે પેસ્ટીસાઈડ કરાવવાની કાર્યવાહી ટાળી
અમદાવાદ,ગુરુવાર,23 નવેમ્બર,2023
અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલા બ્રિટીશ પીઝાના સીંગ
સલાડમાંથી અને રાણીપમાં આવેલા રીયલ પેપરીકા ખાતેથી લેવામાં આવેલા બર્ગરમાંથી ઈયળ
નીકળવાની ઘટના બની હતી.મ્યુનિ.ના ફુડ વિભાગે આ બંને એકમ સીલ કરવા કે એકમને
પેસ્ટીસાઈડ કરાવવાની કાર્યવાહી ટાળી દીધી છે.શ્રી કપીસ એન્ટરપ્રાઈઝ(બ્રિટીશ પીઝા),વસ્ત્રાલ ખાતેથી
સીંગસલાડના બે સર્વેલન્સ નમુના લઈ રુપિયા ૧૫ હજાર તથા એસ.આર.એન્ટરપ્રાઈસ(રીયલ
પેપરીકા) ખાતેથી બર્ગરના બે સર્વેલન્સ નમુના લઈ રુપિયા ૧૦ હજારનો દંડ ફટકારવામાં
આવ્યો છે.
શહેરના ન્યુ રાણીપ
સર્કલ પાસે એકસપ્રેસ આઉટલેટમાં રિયલ
પેપ્રિકા પીઝા સેન્ટરમાં નિખિલ નામનો યુવક પીઝા અને બર્ગર ખાવા માટે ગયો હતો.એક
બર્ગર અને એક પીઝાનો ઓર્ડર કરતા તેને બર્ગર આપવામાં આવતા બર્ગરનો એક ટુકડો ખાધો
હતો.બાદમાં તેણે અંદર જોયુ તો કોઈ જીવાત ફરતી હોય એમ જોવા મળ્યુ હતુ.બર્ગરમાંથી
ઈયળ બહાર નીકળી આવી હતી.ખાધેલુ બર્ગર રહેવા દઈને તેણે ત્યાં હાજર મેનેજરને જાણ કરી
હતી.બાદમાં આ અંગે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગમાં ફરિયાદ કરી હતી.આ
અગાઉ ૧૯ નવેમ્બરના રોજ વસ્ત્રાલ ખાતે આવેલા બ્રિટિશ પીઝા સેન્ટર ખાતે પહોંચેલા
ગ્રાહકે સીંગદાણા સલાડ ઓર્ડર કરી મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હતી.આ બનાવ અંગે
ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી.આ બંને
ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ સફાળુ જાગ્યુ હતુ.મ્યુનિ.ના અધિક
આરોગ્ય અધિકારી ડોકટર ભાવિન જોષીની રીલીઝમાં શ્રી કપીસ એન્ટરપ્રાઈઝ(બ્રિટીશ પીઝા),વસ્ત્રાલ ખાતેથી
સીંગસલાડના બે સર્વેલન્સ નમુના લઈ રુપિયા ૧૫ હજાર તથા એસ.આર.એન્ટરપ્રાઈસ(રીયલ
પેપરીકા) ખાતેથી બર્ગરના બે સર્વેલન્સ નમુના લઈ રુપિયા ૧૦ હજારનો દંડ ફટકારવામાં
આવ્યો છે.બંને એકમોન ફુડ વિભાગે નોટિસ આપી છે.