Get The App

સ્કૂલ-કૉલેજની ફીના નામે છેતરપિંડી: ગુજરાત સહિત છ રાજ્યોની 100થી વધુ યુવતીઓ બની ભોગ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
સ્કૂલ-કૉલેજની ફીના નામે છેતરપિંડી: ગુજરાત સહિત છ રાજ્યોની 100થી વધુ યુવતીઓ બની ભોગ 1 - image
Representative image 

Cyber F​fraud: સ્કૂલ અને કૉલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓના વોટ્‌સએપ હેક કરી લઈને મિત્રો, સ્વજનો પાસેથી ફી ભરવા માટે આર્થિક મદદ માગવાનું નવતર પ્રકારનું ઠગાઈનું કારસ્તાન પકડાયું છે. સ્ટેટ સાયબર ક્રાઇમે હેલ્પ લાઇન નંબર ઉપર એક યુવતીએ કરેલી ફરિયાદના આધારે મધ્ય પ્રદેશના નાના એવા ગામના યુવકને પકડી પાડ્યો છે. વોટ્‌સએપ હેક કરીને મેસેજ મોકલીને ફી માટે મદદ માગીને આ ચીટર બૅંક એકાઉન્ટ નંબર મોકલીને પૈસા પડાવતો હતો. ગુજરાત સહિત અડધો ડઝન રાજ્યની 100થી વધુ યુવતીઓને આ પ્રકારે છેતરવામાં આવ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

યુવતીઓના મિત્રો, સ્વજનો પાસેથી પૈસા પડાવ્યા

ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમના હેલ્પ લાઇન નંબર 1930 ઉપર એક યુવતીએ ફોન કરીને મદદ માગી હતી. યુવતીએ સીઆઇડીને કરેલી અરજીમાં ફરિયાદ કરી હતી કે, તેનું વોટ્‌સએપ હેક કરીને તેના મિત્રો અને સ્વજનો પાસેથી કોઈ વ્યક્તિએ પૈસા પડાવ્યા હતા. ફી ભરવા માટે પૈસાની જરૂરિયાત છે તેવું બહાનું બતાવીને યુવતીના નામે પૈસા મેળવી લેવામાં આવ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયું એક કરોડનું એમ.ડી ડ્રગ્સ, બે બંદૂક સાથે આરોપીને દબોચી લીધો

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન એક મોબાઇલ નંબર અને એસ.બી.આઇનો એક બૅંક એકાઉન્ટ નંબર મળ્યો હતો કે જેમાં ફીના બહાને છેતરપિંડીથી મેળવવામાં આવેલા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સીઆઇડીના સાયબર ક્રાઇમ સેલે વિશેષ તપાસ કરતાં આ મોબાઇલ નંબરથી ગુજરાત જ નહીં દેશના અડધો ડઝન રાજ્યમાં અનેક યુવતીઓના નામે આ પ્રકારે પૈસા પડાવવામાં આવ્યા હોવાની વિગતો ખુલી હતી. 

આરોપી વોટ્‌સએપ મેસેજ કરીને ફી ભરવાના બહાને મદદ માંગતો

શકમંદ અંગે તપાસ કરતાં આ મોબાઇલ નંબર મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાના નાના એવા બદરા ગામમાં સક્રિય હોવાનું જણાયું હતું. મધ્ય પ્રદેશ પોલીસની મદદ લઈને ગામમાંથી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રભાત ગુપ્તાએ પ્રાથમિક પૂછપરછમાં જ અત્યાર સુધીમાં સ્કૂલ-કૉલેજોની 100થી વધુ તરુણીઓ અને યુવતીઓને ટાર્ગેટ કરી છે. સ્કૂલ-કૉલેજની વિદ્યાર્થિનીઓના વોટ્‌સએપ હેક કરીને તેમાં આત્મીયતાથી ચેટ કરી હોય તેવા ફ્રેન્ડસ અને નજીકના લોકોને ચિટર પ્રભાત ગુપ્તા વોટ્‌સએપ મેસેજ કરીને ફી ભરવાના બહાને મદદ માંગતો હતો. યુવતીઓના નામે બૅંક એકાઉન્ટ નંબર આપીને તેમાં પૈસા મગાવવામાં આવતા હતા. 

આ પણ વાંચો: અમદાવાદમાં બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરી એક કરોડ રૂપિયા પડાવ્યા: અકાઉન્ટ ફ્રીઝ કર્યું તો વેરિફિકેશનના નામે છેતરપિંડી


આરોપી પ્રભાત ગુપ્તા પાસેથી બે મોબાઇલ ફોન, 11 સીમકાર્ડ, 12 ડેબીટ કાર્ડ, બે બૅંક એકાઉન્ટની પાસબુક અને ચેકબુકો કબજે કરવામાં આવી છે. ખાસ ભણેલો નથી તેવો આ આરોપી સ્કૂલ અને કૉલેજોમાં અભ્યાસ કરતી તરુણીઓ અને યુવતીઓના નંબર ક્યાંથી મેળવતો અને વોટ્‌સએપ હેક કઈ રીતે કરતો તે સહિતના મુદ્દે સ્ટેટ સાયબર સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલ-કૉલેજની ફીના નામે છેતરપિંડી: ગુજરાત સહિત છ રાજ્યોની 100થી વધુ યુવતીઓ બની ભોગ 2 - image


Google NewsGoogle News