ABVP દ્વારા રાજવ્યાપી આંદોલન: પોલીસ સાથે ઘર્ષણ થતાં 1 કાર્યકર્તા ઇજાગ્રસ્ત, 1 બેભાન
ABVP Statewide Protest: રાજ્યમાં પ્રથમવાર સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ છે. પરંતુ આ પ્રવેશ પ્રક્રિયામાં અનેક પ્રકારની ખામીઓ સામે આવી છે જેથી વિદ્યાર્થી વર્ગમાં નારાજગી વ્યાપી જવા પામી છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે. એબીવીપી દ્વારા આ મામલે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આગામી 48 કલાકમાં સુધારો નહી થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી છે.
GCAS પોર્ટલના વિરોધમાં આજે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પોતાની જ સરકાર સામે રાજ્યવ્યાપી દેખાવો કર્યા હતા. જેમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એબીવીપીના કાર્યકરોએ કલાકો સુધી હંગામો મચાવ્યો હતો. વડોદરા ઉગ્ર દેખાવાના પગલે યુનિવર્સિટીની સિક્યુરિટી અને પોલીસ સાથે એબીવીપીનુ ઘર્ષણ પણ થયુ હતુ અને તેમાં એબીવીપીના બે કાર્યકરો પૈકી એક બેભાન થયો હતો અને એક ઘાયલ થયો હતો. તેમને સારવાર માટે 108 બોલાવીને હોસ્પિટલ લઈ જવાયા હતા. તો બીજી તરફ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકારોએ તાળાબંધી કરી દીધી હતી.
આમ તો દર વખતે યુનિવર્સિટી દ્વારા કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે GCAS પોર્ટલ દ્વારા એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની મનપસંદ કોલેજમાં એડમીશન મેળવી શકે પરંતુ અનેક ક્ષતિઓ અને છબરડાં સામે આવ્યા છે.
જેમાં બોયઝને ગર્લ્સ કોલેજમાં એડમિશન આપી દેવામાં આવ્યા છે, તો જાણિતી કોલેજો ઓછા ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યા છે. કોમર્સના વિદ્યાર્થીને આર્ટ્સમાં એડમિશન આપવામાં આવી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આગામી 48 કલાકમાં સુધારો નહી થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી છે.