આમ આદમી પાર્ટીએ ગુજરાતના વધુ 10 ઉમેદવાર જાહેર કર્યા
અમદાવાદ,તા. 7 સપ્ટેમ્બર 2022, બુધવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે.
AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
નવા જાહેર કરેલા ઉમેદવારના નામ
- કૈલાસ ગઢવી - માંડવી કચ્છ
- દિનેશ કાપડિયા - દાણીલીમડા
- ડૉ. રમેશ પટેલ- ડીસા
- લલેશ ઠક્કર- પાટણ
- કલ્પેશ પટેલ - વેજલપુર બેઠક
- વિજય ચાવડા - સાવલી
- બીપીન ગામેતી - ખેડબ્રહ્મા
- પ્રફુલ વસાવા - નાંદોદ
- જીવન જીંગુ - પોરબંદર
- અરવિંદ ગામીત -નીજર
આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે અને આગામી ચૂંટણી બહુમતી સાથે જીતીશું.
AAP ફુલ સ્પીડમાં –
આમ આદમી પાર્ટી 2022ના અંતે યોજાનારી સંભવિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે.
એક બાદ એક મોટી લોભામણી જાહેરાતો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી રહી છે. આજે આપએ ત્રીજી યાદી જાહેર કરી છે જેમાં 9 બેઠકો પર ઉમેદવારોના નામ જણાવ્યા છે.
આ અગાઉ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા માટે પ્રથમ યાદીમાં 10 ઉમેદવારો અને બીજી યાદીમાં 9 અને આજે આ ત્રીજી યાદીમાં 10 એટલેકે, કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં BTP સાથે સંગઠનની જાહેરાત બાદ પણ AAPએ ગુજરાતની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે.