37 વર્ષ જૂના સહપાઠીઓએ મિત્રને મદદ કરવા એક કલાકમાં રૂ.4 લાખ એકત્ર કર્યા
1987માં દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા
ફેરિયાઓ પાસેથી શાકભાજી લેતી વખતે પાંચ રૂપિયા માટે પણ લોકો રકઝક કરતા હોય છે. આવા સમયમાં 37 વર્ષ જૂના સહપાઠીઓએ તેમની સાથે જ અભ્યાસ કરી ચૂકેલા મહિલાના પતિની સારવાર માટે માત્ર એક જ કલાકમાં ચાર લાખ રૂપિયાની મદદ એકત્ર કરી મિત્રતા નિભાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત લોકો ધારે તો સોશિયલ મીડિયાનો સદ્દઉપયોગ થઈ શકે તેવું પણ વધુ એક વખત સાબિત થયું છે.
મહિલાએ પતિની સારવાર માટે હાથ લાંબો નહોતો કર્યો છતાં પણ સાથે અભ્યાસ કરતા મિત્રો સ્થિતિ સમજી ગયા
વાત કંઈક એમ છે કે, કાંકરિયાની દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં વર્ષ 1987માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 2019માં રિ-યુનિયન બનાવવામાં આવ્યું છે. ત્યાર બાદ દરવર્ષે શક્ય હોય તે તમામ સહપાઠીઓ મળતા રહે છે. આ પૈકીના ઘણા આજે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. કેટલાક સરકારી અધિકારીઓ છે, કોઈ ઉદ્યોગપતિઓ બની ગયા છે અને અમુક વેપારીઓ છે. શાળામાં સાથે અભ્યાસ કરતા એક મહિલાના પતિને ગત માર્ચ મહિનામાં હૃદયની કેટલીક નળીઓ ફાટી જતા ઈમરજન્સી સર્જરી કરાવવાની ફરજ પડી હતી. આ સારવાર હજુ તો ચાલતી હતી ત્યાં ગત સપ્તાહે બ્રેઈન સ્ટ્રોક આવ્યો. જેમાં છ નળીઓ બ્લોક થવાથી બે તબક્કામાં સર્જરી કરાવવી પડી હતી. આ તમામ સારવારમાં કુલ 35થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો. ખાનગી કંપનીના કર્મચારી એવા મધ્યમ વર્ગના પરિવાર માટે આટલી રકમ એક સામટી એકત્ર કરવી મૂશ્કેલ છે. આ સ્થિતિની જાણ થતા જ 37 વર્ષ જૂના સહપાઠીઓએ કંઈક મદદ કરવાનું વિચાર્યું અને વોટ્સએપ ગુ્રપમાં મેસેજ મૂક્યો. બધાના આશ્ચર્ય વચ્ચે માત્ર એક જ કલાકમાં સહાય પેટે રૂ.ચાર લાખની રકમ એકત્ર થઈ ગઈ અને આ રકમ જે તે પરિવારને સારવાર માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. રિ-યુનિયનના સભ્યો એવા અલ્પેશ ભટ્ટ, કમલ દેસાઈ અને મીતા ઠક્કરે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, સહાયની રકમ આપનાર એનઆરઆઈથી માંડીને મધ્યમ વર્ગ સુધીના મિત્રો હતા. સહાય આપનાર તમામે પોતાનું નામ જાહેર કરવાની ના પાડી છે. સોશિયલ મીડિયાના ફક્ત એક મેસેજથી એકત્ર થયેલી આ સહાય સાચી મિત્રતાનું ઉદાહરણ પુરૂ પાડે છે.