ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173નાં મોત
- જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારી સામે વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થઈ છે, વળતરના કોઈ હુકમ નહીં
Inmates Died in Gujarat : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જૂલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173 આરોપીઓના મોત થયાં છે, જેના માટે જવાબદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ, ફરજ મોકુફી સહિત વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થઈ છે.
2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં
વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે. કસ્ટોડીયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોકુફી, રોકડ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડની શિક્ષા, ઈજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોને વળતર આપવાના પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અથવા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અથવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે ત્યારે કસ્ટોડીયલ ડેથના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવે છે પરંતુ બે વર્ષના આ કેસોમાં કોઈપણ આયોગ કે કોર્ટના વળતર ચૂકવણીના હુકમો થયાં નથી.