એક જ દિવસમાં રેકોર્ડ બની ગયો, ઉત્તરાયણ પર્વે ૧.૩૨ લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી
મ્યુનિસિપલ તંત્રને રુપિયા ૮૯ લાખથી વધુની આવક થવા પામી
અમદાવાદ,બુધવાર,15 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ
ખાતે આયોજિત ફલાવરશોમાં એક જ દિવસમાં રેકોર્ડ બની ગયો છે. ઉત્તરાયણ પર્વે મોડી રાત
સુધીમાં ૧.૩૨ લાખથી વધુ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હતી.૩ જાન્યુઆરીથી ૧૪
જાન્યુઆરી સુધીમાં ૮.૧૦ લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની મુલાકાત લેતા
મ્યુનિ.તંત્રને રુપિયા ૫.૯૩ કરોડથી વધુની આવક ફી પેટે થવા પામી હતી.
૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે જાહેર રજાનો
દિવસ હોવાથી સવારથી લઈ મોડી રાત સુધી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ફલાવરશોની
મુલાકાત લેવા લોકો ઉમટી પડયા હતા.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે કહયુ, વર્ષ-૨૦૧૩થી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર શોનુ આયોજન કરવામા આવી રહયુ છે.૧૪ જાન્યુઆરીને
ઉત્તરાયણના પર્વે કુલ ૧.૩૨ લાખથી વધુ લોકોએ ફલાવરશોની મુલાકાત લીધી હતી.જે
અત્યારસુધીનો રેકોર્ડ ફુટફોલ છે.ફલાવરશોને મળી રહેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને બે
દિવસ એટલે કે ૨૩ અને ૨૪ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવેલો છે.