કથળતા વહીવટી તંત્રનો વરવો નમૂનો , AMTS ની મોબાઈલ એપ્સ બનાવવા કરાર વગર કામ અપાશે
બસ સમયસર મળતી નહિં હોવા અંગે અગાઉ વોટસએપ ફરિયાદની જાહેરાત કરાઈ હતી
અમદાવાદ,શુક્રવાર, 8 માર્ચ,2024
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના કથળતા જતા
વહીવટીતંત્રનો વધુ એક વરવો નમૂનો સામે આવ્યો છે.એ.એમ.ટી.એસ.બસના મુસાફરોને બસરુટ
સહિતની માહિતી મોબાઈલ એપ્સ દ્વારા મળી રહે એ માટે એપ્સ ડેવલપ કરવાની કામગીરી કોઈ
પણ જાતના કાચો-પાકો કરાર કર્યા વગર કે સિકયોરીટી ડીપોઝીટ ભરાવ્યા વગર મળતીયાને
કામગીરી આપી દેવાશે.અગાઉ બસ સમયસર મળતી નહિં હોવા અંગે વોટસએપ નંબર ઉપર ફરિયાદ
કરવાની યોજના આજે કયાંય જોવા મળતી નથી.
સોમવાર ૧૧ માર્ચના રોજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની
બેઠક મળશે.બેઠકમાં એ.એમ.ટી.એસ.ની બસોમાં લગાવવામાં
આવેલી જી.પી.એસ.સિસ્ટમ ડેટાનો ઉપયોગ કરી શહેરના
દરેક રુટ ,તેના બસસ્ટોપ
લીસ્ટ તથા મેપ સાથે દર્શાવતી મોબાઈલ એપ્સ તૈયાર કરવા અંગે મંજૂરી માંગતી દરખાસ્ત મૂકાઈ
છે.મોબાઈલ એપ્સમાં જયારે મુસાફરો સર્ચ કરે એ સમયે
પ્રવાસી જે સ્થળે ઉભા હોય તે સ્થળથી નજીકના બસ સ્ટોપ ઉપર કેટલા સમયમાં આવશે
તે અંગે સંપૂર્ણ માહિતી દર્શાવતી જર્ની પ્લાનિંગ અંગેની મોબાઈલ એપ્સ ડેવલપ કરવા પાંચ
પાર્ટીએ રસ દાખવ્યો હતો.આ પૈકી ફર્સ્ટ લોએસ્ટ પાર્ટી કર્સર સોફટ પ્રા.લી.ને રુપિયા
૩.૨૪ લાખ ઉપરાંત પ્રવર્તમાન ટેકસ સાથે કામ કામગીરી કોઈ પણ પ્રકારની જાહેરાત આપ્યા વગર કે કાચો-પાકો
કરાર કે સિકયોરિટી ડીપોઝીટ ભરાવ્યા વગર આપવા દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે.આ
અગાઉ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી વોટસએપ નંબર ઉપર મુસાફરોને બસ નહીં મળવા સહિતની
ફરિયાદ કરવા સુધીના ઘણાં અખતરા કર્યા છે.જે સફળ રહયા નથી.
મ્યુનિ.બોર્ડમાં ભાજપે મંજૂર કરેલા કામનો અમલ પણ થતો નથી
એ.એમ.ટી.એસ.ની એક મહિના અગાઉ મળેલી બેઠકમાં મ્યુનિ.ના
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા આર્જવ શાહ
પાસેથી ટ્રાન્સપોર્ટ મેનેજરનો ચાર્જ લઈ સેન્ટ્રલ વર્કશોપના જોઈન્ટ ડીરેકટર
મિકેનીકલ વિજય મિસ્ત્રીને ટ્રાન્સપોર્ટ મેનેજરનો વધારાનો ચાર્જ સોંપવા દરખાસ્ત
પસાર કરાઈ હતી.બાદમાં મ્યુનિ.બોર્ડ બેઠકમાં પણ ભાજપ દ્વારા આ દરખાસ્તને મંજૂર કરાઈ
હતી.ભાજપ દ્વારા ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી
ચાર્જ લઈ જે.ડી.એમ. સેન્ટ્રલ વર્કશોપને ચાર્જ સોંપવાની દરખાસ્તનો હજુ સુધી અમલ
કરવામા આવ્યો નથી.