ગુજરાતની વરવી વાસ્તવિકતા, 84000 સામે માત્ર 15000ને જ નોકરીની શક્યતાનો સરકારનો દાવો
રાજ્યના છ ઝોનમાં વિવિધ જીલ્લામાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન
આ પ્લેસમેન્ટપ્રક્રિયા રાજ્યના 28 સ્થળોએ 19 માર્ચ સુધી ચાલશે
Job Placement Camp in Gujarat : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સેન્ટ્રલાઈઝડ પ્લેસમેન્ટ સેલ દ્વારા દર વર્ષે કોમન પ્લેસમેન્ટ પ્રક્રિયા હેઠળ વિવિધ જીલ્લામાં પ્લેસમેન્ટ કેમ્પ કરવામા આવે છે ત્યારે આ વર્ષે 20મી ફેબ્રુઆરીથી આ કોમન પ્લેસમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામા આવી છે .જેમાં 443 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓના 84 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ પ્રક્રિયા થશે અને 1941 કંપનીઓ ભાગ લેશે. 49 હજારથી વધુ જગ્યાઓ હાલ કંપનીઓ-ઈન્ડસ્ટ્રી દ્વારા ઓફર કરવામા આવી છે. જ્યારે સરકારના દાવા મુજબ 84 હજારથી વધુ વિદ્યાર્થી સામે 15 હજારને જ નોકરી મળવાની શક્યતા છે. આ બધા હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ હશે. એટલે કે હવે તેઓને જીવનના મહત્ત્વના તબક્કામાં પ્રવેશ કરવાનો છે ત્યારે જો શરૂઆતમાં જ ઘણાં લોકોને નોકરીની નહીં મળે તો તેઓ ડીમોટિવેટ થઇ શકે છે.
રાજ્યના છ ઝોનમાં વિવિધ જીલ્લામાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામા આવશે
શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની કેસીજી (નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત) ખાતે સેન્ટ્રલાઈઝડ પ્લેસમેન્ટમેન્ટ સેલની રચના કરવામા આવી છે. જેના દ્વારા દર વર્ષે કોમન સેન્ટ્રલાઈઝડ પ્લેસમેન્ટ પ્રક્રિયા કરવામાં આવે છે. 2024ના વર્ષ માટે જાહેર કરાયેલી પ્લેસમેન્ટપ્રક્રિયા અંતર્ગત 20 ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી રાજ્યના છ ઝોનમાં વિવિધ જીલ્લામાં 28 સ્થળોએ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામા આવશે. આ પ્લેસમેન્ટ માટે રાજ્યની 443 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો- યુનિ.ઓના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 84482 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી તેમજ યુજી અને પીજીના વોકેશનલ, પ્રોફેશનલ, ટેકનિકલ કોર્સીસના વિદ્યાર્થીઓ આપ્લેસમેન્ટમાં ભાગ લેશે અને આઈટી, બેન્કિંગ, કેમિકલ, ફાર્મસી, મેન્યુફેકચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રની 1941 કંપનીઓ દ્વારા જોબ ઓફર કરવામા આવશે. કંપનીઓ દ્વારા હાલ વિવિધ ફિલ્ડની-વિવિધ કેટેગરીને 49169 પોસ્ટ માટે વેકન્સી રજૂ કરવામા આવી છે.
અમદાવાદ-ગાંધીનગરમાં આ તારીખે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે
આ કોમન સેન્ટ્રલાઈઝડ પ્લેસમેન્ટ પ્રક્રિયા અંતર્ગત ગઈકાલે 20મીએ નવસારીની એસ.બી ગૉ આર્ટસ કોલેજ એન્ડ પી.કે.પટેલ કોલેજ ઓફ કોમર્સ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. હવે આગામી 28મીએ પાટણ, અમરેલી અને ખેડા- મહિસાગર ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે 1લી માર્ચે, જીટીયુ ખાતે 15મી માર્ચે, ગાંધીનગરમાં 14મી માર્ચે તથા અમદાવાદમાં મણિનગરની કે.કા.શાસ્ત્રી કોલેજ ખાતે બીજી માર્ચે અને અમદાવાદમાં નરોડાની ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ખાતે 15મી માર્ચે પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે.