ગુજરાત ટુરિઝમના આંકડામાં પોલમપોલ, 100માંથી 94 પ્રવાસી તો સ્થાનિક, સુવિધાઓનો અભાવ
Tourism in Gujarat: ગુજરાતના પ્રાથમિક સુવિધા વિહીન પ્રવાસન મથકોએ વિદેશી તો ઠીક અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ બીજીવાર આવતા નથી, આમ છતાં સરકાર આંકડા મોટા બતાવવાનું ગૌરવ લઈ રહી છે, જો કે પ્રસિદ્ધ કરાયેલા આંકડામાં સૌથી વધુ માત્રામાં લોકલ ટુરિસ્ટ જોવા મળતાં હોય છે, કે જેઓ સવારે જઈને સાંજે પાછા આવી જાય છે.
ટુરિસ્ટ ખરાબ અનુભવ લઈને જાય છે
પ્રવાસન ક્ષેત્રે કામ કરતી એક સંસ્થાના મતે જ્યાં સુવિધા નથી ત્યાં એક વખત આવેલો ટુરિસ્ટ ખરાબ અનુભવ લઈને જાય છે અને ફરી પાછો આવતો નથી. સરકાર દાવો કરે છે કે વર્ષ 2023-24માં 18.59 કરોડ પ્રવાસીઓ આવ્યા છે પરંતુ 94 ટકાથી વધુ ટુરિસ્ટ તો લોકલ અને રાજ્યકક્ષાના ટુરિસ્ટ જોવા મળ્યા છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય તો ઠીક રાષ્ટ્રીય કક્ષાનું એકોમોડેશન પણ પ્રાપ્ત થતું હોતું નથી.
ખાનગી ટુરિસ્ટને સરકીટ હાઉસની સુવિધા મળતી નથી
રાજ્યના જે જિલ્લામાં પ્રવાસન સ્થળ આવેલા છે ત્યાં સરકારી સરકીટ હાઉસ બનાવેલા છે. આ સ્થળનો ઉપયોગ રાજકીય અને વહીવટી રીતે થતો હોવાથી ખાનગી ટુરિસ્ટને સરકીટ હાઉસમાં રહેવાનું થતું હોતું નથી. વળી ખાનગી વ્યક્તિઓ માટે એટલા ઊંચા ભાડા હોય છે કે લોકો હોટલમાં રહેવાનું પસંદ કરે છે.
સરકારે જાહેર કરેલા ટુરિસ્ટના આંકડા વાસ્તવિકતાથી અલગ
પ્રવાસન નિગમે ટુરિસ્ટને ચાર શ્રેણીમાં વહેંચી દીધા છે, જે પૈકી ધાર્મિક પ્રવાસન માટે તો ભક્તો સ્વયંભૂ આવતા હોય છે તેમાં નિગમને કોઈ લેવા-દેવા હોતા નથી, છતાં મોટી સંખ્યા બતાવીને જશ ખાટવાનો પ્રયાસ થાય છે. 27મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. તેવામાં સરકારે જાહેર કરેલા ટુરિસ્ટના આંકડા વાસ્તવિકતાથી અલગ છે.
આ પણ વાંચો: અંધારપટ વચ્ચે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, 10 જિલ્લામાં ભારે મેઘમહેરની આગાહી
પ્રવાસીઓની સંખ્યામાં વધારો પરંતુ સુવિધામાં ઘટાડો
કુલ પ્રવાસીઓની સંખ્યામાં સરકારે કબૂલ કર્યું છે કે 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ વર્ષ દરમ્યાન આવ્યા છે, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 23 લાખ જોવા મળી છે. સરકારનું નિગમ દાવો કરે છે કે એક વર્ષમાં ટુરિસ્ટની સંખ્યામાં 24 ટકાનો વધારો થયો છે પરંતુ સુવિધાઓમાં કેટલો ઘટાડો છે તેના આંકડા સામે આવતા નથી.
મહત્ત્વના ટુરિસ્ટ પ્લેસ પર વાહન પાર્કિંગ, સ્વચ્છ પાણી, વીજળી, માર્ગ- પરિવહન, ગાઇડ અને હોટલ-રેસ્ટોરન્ટની પૂરતી સુવિધા પ્રાપ્ય નથી. ગુજરાતના એક માત્ર હિલસ્ટેશન સાપુતારામાં સુવિધાના અભાવે પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. એક વર્ષમાં માત્ર 11 લાખ પ્રવાસીઓ આવ્યા છે.
યુનેસ્કોની યાદીમાં સ્થાન પામેલા સ્થળોએ તો પ્રાથમિક સુવિધાઓનો એટલો અભાવ છે કે ટુરિસ્ટને રહેવા-જમવાની કોઈ સુવિધા મળતી નથી. રાજ્યમાં બીચ ટુરિઝમ ખોરંભે પડ્યું છે. ડાયનાસોર પાર્ક જ્યાં આવેલું છે તે બાલાસિનોરમાં એકમોડેશનની કોઈ વ્યવસ્થા જ નથી. એકમાત્ર સાસણ ગીર એવું સ્થળ છે કે સિંહ જોવા માટે દર વર્ષે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.
25 ટકા પ્રવાસીઓ યાત્રાધામની મુલાકાતે
ધાર્મિક પ્રવાસનની વાત કરીએ તો એક વર્ષમાં સૌથી વધુ 1.65 કરોડ ભાવિકોએ અંબાજી, 97.93 લાખ શ્રદ્ધાળુઓએ સોમનાથ, 83.54 લાખ ભક્તોએ દ્વારકા, 76.66 લાખે પાવાગઢ તેમજ 34.22 લાખે ડાકોરના દર્શનનો લાભ લીધો હતો. આમ કુલ 4.57 કરોડ ભક્તોનો આંકડો પ્રવાસન વિભાગે તેના ખાતામાં ગણી લીધો છે, જેનો હકીકતમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દાવો કરી શકે છે.
આ પણ વાંચો: પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર
ગુજરાતમાં ટુરિઝમનો ભ્રામક આંકડો
ગુજરાતમાં ટુરિઝમ કૉર્પોરેશને આપેલા આંકડા ભ્રામક હોવાની પ્રતીતિ એટલા માટે થાય છે કે એક વર્ષમાં એવું તે શું થયું કે પ્રવાસીઓની સંખ્યા 2.67 કરોડથી સીધી 14.98 કરોડ થઈ ગઈ છે. પાંચ વર્ષમાં કોરોના સંક્રમણને બાદ કરતાં રાજ્યની એવરેજ હંમેશા પાંચથી છ કરોડની રહી છે. આંકડા સ્વયં સ્પષ્ટ છે.