અમદાવાદ આજથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ

બે મહિનામાં ૮૧૨૧ પશુ પકડવામાં આવ્યા

૨૦૯ પશુમાલિકો વિરુધ્ધ એફ.આઈ.આર., મ્યુનિ.સ્ટાફ સાથે ઘર્ષણના પણ બે મહિનામાં ૩૩ બનાવ નોંધાઈ ગયા

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
અમદાવાદ આજથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ 1 - image


અમદાવાદ,ગુરુવાર,30 નવેમ્બર,2023

અમદાવાદમાંથી રખડતા ઢોરના ત્રાસને અટકાવવા પહેલી સપ્ટેમ્બર-૨૦૨૩થી મ્યુનિ.તંત્ર દ્વારા પોલીસીનો અમલ શરુ કરવામાં આવ્યો છે.બે મહિનામાં સી.એન.સી.ડી.વિભાગની ૨૨ ટીમ દ્વારા શહેરમાંથી રખડતા ૮૧૨૧ પશુ પકડવામાં આવ્યા છે.આજથી અમદાવાદમાં લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર પ્રતિબંધનો સંપૂર્ણપણે પ્રતિબંધનો અમલ શરુ કરાશે.આજથી રોડ ઉપર રખડતા જોવા મળતા પશુઓને પકડી મ્યુનિ.તંત્ર ઢોરના ડબામાં પુરી દેશે.બે મહિનાના સમયમાં ૨૦૯ પશુ માલિકો વિરુધ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર.કરવામાં આવી છે.મ્યુનિ.સ્ટાફ સાથે ઘર્ષણના ૩૩ બનાવ નોંધાઈ ગયા છે.

મ્યુનિસિપલ તંત્ર તરફથી પહેલી સપ્ટેમ્બર-૨૦૨૩થી પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલીસી-૨૦૨૩નો અમલ શરુ કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવા માટે ઝોન મુજબ અલગ અલગ ટીમ બનાવી રખડતા પશુ પકડવાની સાથે ઘાસચારાનો જથ્થો જપ્ત કરી ગુજરાત હાઈકોર્ટના આદેશનુ પાલન કરાવવામાં આવી રહયુ છે.બે મહિનાના સમયમાં સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારના માર્ગો ઉપરથી ૨૮૭૦૦ કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.૧૨ ફરિયાદ ઘાસચારા વેચાણ અંગેની થવા પામી હતી.પશુમાલિકોને સમજુત કરતી ૯૨૨ નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી.ચાલુ માસમાં ૨૩૪૦થી વધુ પશુ પકડવામાં આવ્યા હતા.આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર-૨૦૨૩ સુધીમાં શહેરમાંથી કુલ ૧૩૯૫૮ પશુ પકડવામાં આવ્યા હતા.૩૦ નવેમ્બરે શહેરના સાત ઝોનના વિવિધ રસ્તાઓ ઉપરથી રખડતા ૭૬ પશુ પકડી મ્યુનિ.ના ઢોરવાડામાં પુરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ૧૨૩ પાસે  પશુ રાખવાનુ લાયસન્સ

અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સ મેળવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.લાયસન્સ મેળવવા માટે શહેરમાંથી ૧૦૭૦ જેટલી અરજી આવી હતી.જે પૈકી ૧૨૩ જેટલા લાયસન્સ-પરમીટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ ૧૧૪૮ અરજી તંત્રને મળી હતી.૭૭૪૨ જેટલા પશુઓનુ રજીસ્ટ્રેશન બે મહિનામાં કરવામાં આવ્યુ છે.

જગ્યાની માલિકીના પુરાવાના અભાવે ૩૦૯ અરજી રદ કરાઈ

અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સની સાથે પશુ માલિક પાસે જગ્યા હોવા અંગેના પુરાવા પણ મ્યુનિ.તંત્ર સમક્ષ લાયસન્સ મેળવવા માટેની અરજી સાથે રજુ કરવાના હતા.મ્યુનિ.તંત્ર તરફથી સ્થળ ઉપર જઈ ખરાઈ કરવામા આવતા ૩૦૯ અરજી એવી હતી કે,જેમાં પશુ માલિકોએ પશુ રાખવા માટે જે જગ્યા દર્શાવી હતી એ જગ્યા તેમની માલિકીની હોવા અંગેના યોગ્ય પુરાવા રજુ કરી ના શકતા આ પ્રકારની અરજી તંત્ર તરફથી રદ કરવામાં આવી હતી.

ઝોન મુજબ પશુ રાખવા અંગે કેટલા લાયસન્સ માન્ય

ઝોન    અરજી મંજુર

મધ્ય   ૧૭

ઉત્તર   ૦૭

દક્ષિણ  ૪૭

પૂર્વ    ૦૧

પશ્ચિમ  ૧૧

ઉ.પ.   ૦૧

દ.પ.   ૩૯


Google NewsGoogle News