ગુજરાતમાં બે વર્ષમાં પાસપોર્ટ ઈસ્યૂ થવામાં 80%નો વધારો, અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયના
આ વર્ષે સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 9.17 લાખ સાથે છઠ્ઠા સ્થાને
રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20 ટકાનો વધારો થયો
અમદાવાદ, સોમવાર
વિદેશમાં સ્થાયી થવા, અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે પાસપોર્ટ અરજદારોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાંથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા છે.
સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા હોય તેમાં કેરળ મોખરે
ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023 સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. આમ, બે વર્ષમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાના વર્ષ 2020માં 3.80 લાખ પાસપોર્ટ ઈશ્યુ થઈ શક્યા હતા. બીજી તરફ 2023માં 7.59 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20 ટકાનો વધારો થયો છે. 2020થી નવેમ્બર 2023 સુધી ગુજરાતમાંથી 25.72 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. પાસપોર્ટની અરજી કરનારા મોટાભાગના 12મું પાસ કે તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા યુવાને છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે નવેમ્બર સુધી 1.25 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. જેની સરખામણીએ વર્ષ 2021માં 73.63 લાખ અને 2022માં 1.17 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આ વર્ષે નવેમ્બર સુધી જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા હોય તેમાં કેરળ 14.11 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 13.78 લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 12.56 લાખ સાથે ત્રીજા સ્થાને છે.
વર્ષ 2023માં કયા રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા...
રાજ્ય | પાસપોર્ટ |
કેરળ | 14.11 લાખ |
મહારાષ્ટ્ર | 13.78 લાખ |
ઉત્તર પ્રદેશ | 12.56 લાખ |
પંજાબ | 10.83 લાખ |
તામિલનાડુ | 10.55 લાખ |
ગુજરાત | 9.17 લાખ |