Get The App

સરકારી સંસ્થાના નામે 6500 લોકોને છેતર્યા, ગુજરાત-મધ્યપ્રદેશના યુવાનોથી વસૂલ્યાં લાખો રૂપિયા

છેતરપિંડી કરનાર દિલ્હીની ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી

નોકરીની જાહેરખબરો અખબાર અને સોશિયલ મીડિયામાં આપતા હતા

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
સરકારી સંસ્થાના નામે 6500 લોકોને છેતર્યા, ગુજરાત-મધ્યપ્રદેશના યુવાનોથી વસૂલ્યાં લાખો રૂપિયા 1 - image


Crime News : સરકારી સંસ્થાઓ હોય તેવી આભા સર્જતી છ અલગ અલગ સંસ્થાઓના નામે જાહેરખબર આપીને 6500 લોકો સાથે છેતરપિંડી કરનાર દિલ્હીની ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. છ સંસ્થાઓના નામે નોકરીની જાહેરખબરો અખબાર અને સોશિયલ મીડિયામાં આપીને ગુજરાત અને મધ્યપ્રદેશના યુવકો પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરતાં ત્રણ શખ્સો પોલીસના સકંજામાં આવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

છેતરપિંડી થતી હોવાની જાણ થતાં ફરિયાદ નોંધાઈ હતી

નવી દિલ્હીના સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાના નામે અખબારોમાં જાહેરાત આપી દરેક જિલ્લામાં ગ્રામ વિકાસ અધિકારી, કાર્યકર્તા અને સહાયકની પોસ્ટ ઉપર ભરતી કરવા ઉમેદવારી પત્રો મગાયા હતા. ખાસ વેબસાઈટ બનાવવા ઉપરાંત ભરતીની જાહેરાતને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધી આપવામાં આવી હતી. આવી પ્રસિધ્ધીથી ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી અંદાજે 6500થી પણ વધુ લોકોએ ઉમેદવારી પત્રો ભર્યાં હતાં. ફીપેટે રાખવામાં આવેલી 2450 રૂપિયાની રકમ ઓનલાઈન ભરાવવામાં આવી હતી. નોકરી ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી ટ્રેનિંગમાં મોકલવાના બહાને વધુ રકમની માગણી  કરવામાં આવતી હતી. આ પ્રકારે છેતરપિંડી થતી હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધવામાં આવતા વિધીવત ફરિયાદ નોંધાઈ હતી. 

નાગરિકોને અલગ અલગ સંસ્થાના નામ આપીને નોકરી આપવાની લાલચ આપી

ક્રાઈમ બ્રાન્ચે પુર્વ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરી અકરમ અસ્ફાકહુસેન તુર્ક (ઉ.વ. 49), મનોજ જયપ્રકાશ શર્મા (ઉ.વ. 52) અને શિવશંકર વૃંદાવન અવસ્થી (ઉ.વ.55)ને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન અને એક લેપટોપ પણ કબજે કરાયું છે. આરોપીઓએ ગુજરાતના નાગરિકોને સરકારી હોય તેવી છ અલગ અલગ સંસ્થાના નામ આપીને નોકરી આપવાની લાલચ આપી હતી. સ્વાસ્થ્ય ગ્રામીણ સંસ્થાન, ગ્રામીણ જન સ્વાસ્થ્ય સંસ્થાન, શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાન, ભારતીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાન, રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા મિશન અને રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ અનુસંધાન સંસ્થાનમાં નોકરી આપી 6500થી વધુ લોકો પાસેથી 18 લાખથી વધુ રકમ ફી પેટે મેળવી હતી. અકરમ તુર્ક સામે અગાઉ ભોપાલમાં પણ ગુનો નોંધાયેલો છે.


Google NewsGoogle News