Get The App

નવા નિયમની આડઅસર! RTE હેઠળ 50% બેઠકો ઘટી, 18000 બાળકો એડમિશનથી વંચિત રહે તેવી સ્થિતિ

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
નવા નિયમની આડઅસર! RTE હેઠળ 50% બેઠકો ઘટી, 18000 બાળકો એડમિશનથી વંચિત રહે તેવી સ્થિતિ 1 - image


- 14 માર્ચ થી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે 

અમદાવાદ,તા.18 માર્ચ 2024,શુક્રવાર

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આરટીઈ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામા આવી છે. જે મુજબ 14મી માર્ચથી આરટીઈ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ધો.1માં છ વર્ષે જ પ્રવેશના નવા નિયમને લીધે ધો.1માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા અને વિદ્યાર્થીઓના બાલવાટિકામાં પ્રવેશ થતા તેની સીધી અસર આરટીઈની બેઠકો પર પડી છે. આ વર્ષે આરટીઈની બેઠકો પ0 ટકા જેટલી ઘટવામા આવી છે. જે મુજબ આ વર્ષે એટલે કે 2024-25 માટે માત્ર 43800 જેટલી જ બેઠકો છે.જેની સામે ગત વર્ષે 83 હજાર જેટલી બેઠકો હતી. આ વર્ષની જેમ 2025ના વર્ષમાં પણ બેઠકોની સંખ્યામાં મોટો ઘટાડો થશે. 

ગત વર્ષે 83 હજાર જેટલી બેઠકો હતી જેની સામે આ વર્ષે 43800 જેટલી જ બેઠકો : આગામી વર્ષે પણ ઘટશે

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર ગરીબ, જરૂરિયાતમંદ સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મફત પ્રવેશ આપવામા આવે છે.રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આરટીઈમાં ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે. વર્ષ 2024-25ના વર્ષ માટેની આરટીઈ પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી દેવામા આવી છે.જે મુજબ 14મી માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે.બે વર્ષથી લાગુ નવા નિયમ મુજબ વાલીઓએ આવકના દાખલા અને અન્ય પુરાવા સાથે ઈન્કમટેક્ષ રિટર્નના ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન સબમીટ કરવાના છે. જે વાલી ઈન્કમટેક્ષ રિર્ટન ન ભરતા હોય તેઓએ  આવક કરવેરાપાત્ર થતી નથી તેવુ સેલ્ફ ડિકલરેશન આપવાનુ રહેશે.શહેર માટે આવક મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય માટે 1.20 લાખ છે.

શૈક્ષણિક વર્ષ 2024-25ના વર્ષ માટે આરટીઈની બેઠકોમાં મોટો ઘટાડો નોંધવામા આવ્યો છે.ગત વર્ષે જુન 2023થી રાજ્ય સરકારના 2019ના ઠરાવ મુજબ 1લી જુને છ વર્ષ પુરા કરનારને જ ધો.1માં પ્રવેશ અપાતા ધો.1માં પ્રવેશ ઘટયા હતા. પાંચ વર્ષ કરનારા વિદ્યાર્થીઓના બાલવાટિકા-પ્રિ પ્રાયમરીમાં જ પ્રવેશ થયા હતા.આરટીઈ પ્રવેશના હાલના નિયમ મુજબ ધો.1ની વર્ગદીઠ કુલ મંજૂર જગ્યામાં ગત વર્ષે જે આરટીઈના પ્રવેશ થયા હોય તેને બાદ કરતા જેટલી બેઠકો રહે તેના 25 ટકા મુજબ બીજા વર્ષે પ્રવેશ અપાય છે.આ નિયમ મુજબ હવે 2024-25ના વર્ષ માટે રાજ્યમાં આરટીઈની કુલ બેઠકો 43896 થવા પામી છે.ગત વર્ષે આરટીઈમાં કુલ બેઠકો 82820  હતી.પ્રથમ રાઉન્ડમાં 53903 બાળકોના પ્રવેશ થયા હતા .ત્રણ રાઉન્ડને અંતે 61 હજારથી વધુ બાળકોના પ્રવેશ થયા હતા.આમ ગત વર્ષ મુજબ પ્રવેશની સંખ્યા જોઈએ તો આ વર્ષે 43 હજાર બેઠકો સામે 18 હજાર બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ છે.જેથી આરટીઈના હાલના પ્રવેશના નિયમમાં સુધારો કરવા માંગ ઉઠી છે. મોટી ખાનગી સ્કૂલો આરટીઈના પ્રવેશ જ ઈચ્છતી ન હોવાથી તેઓને તો બાળકો આ આ વર્ષે ઓછા મળતા મોટો ફાયદો થશે.પરંતુ રાજ્યના ગરીબ-મધ્યમવર્ગના બાળકોના હિત માટે સરકારે બે વર્ષ માટે આરટીઈનો હાલનો પ્રવેશનો નિયમ બદલવો જોઈએ તેવી માંગ ઉઠી છે. આરટીઈના પ્રવેશને બાદ કરતા બાકીની બેઠકોના 25 ટકા પર પ્રવેશ આપવાને બદલે ધો.1ની કુલ મંજૂર બેઠકોના 25 ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

અમદાવાદમાં 14 હજાર બેઠકો ઘટીને 7900 થઈ ગઈ

આરટીઈમાં આ વર્ષે રાજ્યના તમામ જીલ્લાની કુલ બેઠકોમાં જ્યાં 50 ટકાનો ઘટાડો થયો છે ત્યારે જે જિલ્લામાં સૌથી વધુ પ્રવેશ થાય છે તે અમદાવાદ શહેર સહિતના જિલ્લામાં બેઠકો મોટા પ્રમાણમાં ઘટી છે.ગત વર્ષે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 14323 બેઠકો હતી જે હવે આ વર્ષે ઘટીને માત્ર 7973 જ રહી છે.આમ અમદાવાદના ગરીબ-મધ્યમવર્ગના બાળકોને મોટું નુકશાન થશે.


Google NewsGoogle News