ગુજરાતમાં HMPVનો પાંચમો કેસ: કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ, અમદાવાદમાં સારવાર હેઠળ
HMPV Cases in Gujarat: ગુજરાતમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો છે. આજે (11 જાન્યુઆરી, 2025) અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે.
દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં
59 વર્ષીય આધેડનો HMPV પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી અનુસાર, દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.
પ્રથમ કેસ: અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં 2 મહિનાનું બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરાતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
બીજો કેસ: હિંમતનગરમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.
ત્રીજો કેસ: અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ચોથો કેસ: અમદાવાદમાં 9 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઇલ્ડ હુડ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે.
HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.
વાઇરસના લક્ષણો
આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો (HMPV Virus Symptoms) સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPV નવો વાઇરસ નથી
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ HMPV કોઈ નવો વાઇરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, HMPV સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, તેથી આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી.
ભારતમાં 2003માં પહેલીવાર વાઇરસની પુષ્ટી થઈ હતી
ભારતમાં 2003માં પ્રથમ વખત HMPV વાઇરસની પુષ્ટિ થઈ હતી. બી. જે. મેડિકલ કૉલેજ અને NIV પૂણેએ પૂણેમાં જ પહેલું બાળક સંક્રમિત થયું હોવાની પુષ્ટિ કરી હતી. પછીના ઘણાં અભ્યાસોમાં પણ આ વાઇરસના કેસો નોંધાયા હતા. 2024માં ગોરખપુરમાં શ્વસન રોગથી પીડિત 100 બાળકોમાંથી 4 ટકામાં HMPVના લક્ષણો જોવા મળ્યા હતા.
દુનિયામાં 2001માં પ્રથમ કેસ નોંધાયો હતો
દુનિયામાં આ વાઇરસનો પ્રથમ કેસ વર્ષ 2001માં પહેલીવાર સામે આવ્યો હતો. પરંતુ હવે આ વાઇરસને લઈને હાલત ગંભીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાઇરસને લઈને કોઈ ખાસ રસી કે એન્ટીવાઇરસ હજુ સુધી શોધાઈ નથી. ગંભીર કિસ્સાઓમાં ઑક્સિજન થેરેપી, નસમાં પ્રવાહી અને કોર્ટીકોસ્ટેરોઇડ્સ જેવી સારવાર આપવામાં આવે છે.
શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?
• જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું જોઈએ.
• નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
• તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
• વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.
• પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
• બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
• શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું જોઈએ?
• જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.
• સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
• જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.