'વૃક્ષો કાપો, વિકાસ લાવો...' હવે અમદાવાદના આ વિસ્તારમાં 400 વૃક્ષોનું ગ્રીન કવર બરબાદ કરાશે

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
'વૃક્ષો કાપો, વિકાસ લાવો...' હવે અમદાવાદના આ વિસ્તારમાં 400 વૃક્ષોનું ગ્રીન કવર બરબાદ કરાશે 1 - image


Ahmedabad Science City Road BRTS News | સાયન્સ સિટી રોડ પર દસ વર્ષ પહેલાં વાવેલા અને આજે પૂર્ણ કક્ષાએ વૃક્ષ બનીને ખીલેલા ચારસોથી વધુ વૃક્ષોને બીઆરટીએસ ટ્રેકના કારણે ખાતમાં બોલવા જઈ રહ્યો છે. અમદાવાદમાં પર્યાવરણ માટે સૌથી સંવેદનશીલ અને હરીયાળા ગણાતા સાયન્સ સિટી વિસ્તારના મુખ્ય માર્ગને સી.જી.રોડ જેવો બનાવવાની કામગીરી સાથે બી.આર.ટી.એસના ટ્રેક આગળ હવે કાપવાના આરે આવીને ઊભા છે.

દસ વર્ષ પહેલા આ વિસ્તારમાં સોલા બ્રીજ પછી એક સિંગલ પટ્ટી રસ્તો હતો. સાયન્સ સિટી વિસ્તાર કોર્પોરેશનમાં જોડાવા સાથે અને ટ્રાફિકની સમસ્યા વધતા રસ્તાને પહોળા કરવામાં આવ્યા હતા. રસ્તા પહોળા કરવાની સાથે અહીં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

સાયન્સ સિટીના વિકાસ સાથે આ રસ્તાનું મહત્ત્વ વિશેષ હોવાથી અહીં ટેબેબ્યુઇયા રોઝિયા, સપ્તપર્ણી, બે મોટા વડ, અસંખ્ય લીમડા, અસંખ્ય ગુલમહોર અને અસંખ્ય બોગનવેલ વાવવામાં આવી હતી. વડાપ્રધાન અને મંત્રીઓની અવરજવરને કારણે આ વૃક્ષોની માવજત પણ સારી રીતે કરવામાં આવી હતી. પરંતુ હવે ત્રીસ કરોડના ખર્ચે આ રોડને વધુ વિકિસત બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ફૂટપાથ અને બેઠકો મૂકાઈ રહી છે. આ સાથે બી.આર.ટી.એસના ટ્રેક પણ નિર્ધારિત કરતાં હવે અહીં સારી રીતે વિકિસત થયેલા 400થી વધુ વૃક્ષોનો ખાતમો બોલાશે એ વાત નિશ્ચિત છે. 

લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ હોવાથી કાપવાના કાર્યો રાત્રીના સમયે કરવામાં આવે છે જેથી વધારે ઓહાપોહ ના થાય.સાયન્સ સિટીના બહુચર માતાજીના મંદિરથી લઈને સળંગ કેસર સાલ ઇન્સ્ટિટયુટ સુધી ફેલાયેલા આ વિશાળ વૃક્ષોને કાપતાં જ અહીંનું એક મોટું ગ્રીન કવર જતું રહેશે.

સાયન્સ સિટી વિસ્તાર પર સરકારે પર્યાવરણનું મહત્ત્વ દર્શાવતા નવ વિવિધ ગાર્ડન બનાવ્યા છે. જેમાં વિશાળ સરદાર પટેલ ગાર્ડન અને બે ઓક્સિજન પાર્કનો સમાવેશ થાય છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે છે કે હાલમાં જે મુખ્ય માર્ગ તૈયાર કરવાનું કામ ચાલે છે તે જેવું પૂર્ણ થઈ જશે કે આ વૃક્ષો બી.આર.ટી.એસના ટ્રેક માટે કાપી દેવામાં આવશે. હાલમાં પચાસથી વધુ વૃક્ષોને કાપીને ત્યાં ત્રણ બી.આર.ટી.એસના સ્ટેન્ડ બનાવી દેવાયા છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં જે રીતે ટ્રાફિક વધી રહ્યો છે તે જોતાં રસ્તા સાંકડા છે અને તેની અનુકૂળતા માટે બી.આર.ટી.એસ.નો ટ્રેક ખોલવો જ પડશે.

તો બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે જો સરકારના પ્લાનમાં પહેલેથી ४ આ વિસ્તારમાં બી.આર.ટી.એસ.ની જોગવાઈ હતી તો શા માટે આટલા બધા વૃક્ષો વાવીને ગ્રીન કવર બનાવી હવે તેને કાપવામાં આવી રહ્યા છે.

'વૃક્ષો કાપો, વિકાસ લાવો...' હવે અમદાવાદના આ વિસ્તારમાં 400 વૃક્ષોનું ગ્રીન કવર બરબાદ કરાશે 2 - image



Google NewsGoogle News