ISISના સૌથી મોટા પ્લાનનો પર્દાફાશ, અમદાવાદથી પકડાયેલા આતંકવાદીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ISIS Terrorist: અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ISISના 4 આતંકવાદીઓની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ચારેય આતંકવાદી શ્રીલંકાથી ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે આવ્યા હતા અને પાકિસ્તાનમાં બેઠેલા ISISના હેન્ડલરના ઇશારા પર કામ કરી રહ્યા હતા.
આતંકવાદીઓના નિશાના પર હતા ભાજપ અને RSSના નેતા
તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓના નિશાના પર ભાજપ અને RSSના નેતા હતા. તેમના નિશાન પર યહૂદી અને ઈસાઈ સમાજના લોકો પણ હતા. જો આદેશ મળત તો આતંકવાદી ભારતમાં ફીદાયીન હુમલો પણ કરવાના હતા. ગુજરાત પોલીસે જણાવ્યું કે, ચારેય આતંકવાદી શ્રીલંકાના રહેવાસી છે. તેમને પાકિસ્તાનમાં બેઠેલા ISISના હેન્ડલરે ભારત આવવાનો ઓર્ડર આપ્યો હતો.
કોલંબોથી પહોંચ્યા હતા અમદાવાદ
આ ચારેય આતંકી કોલંબોથી ફ્લાઇટ લઈને અમદાવાદ પહોંચ્યા હતા પરંતુ તેમની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરી લેવાઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે અબૂ નામનો આતંકવાદી તેમને ઓર્ડર આપી રહ્યો હતો. આ ચારેય અબૂની સાથે ફેબ્રુઆરી 2024માં સંપર્કમાં આવ્યા હતા. અંદાજિત 3 મહિનામાં જ અબૂએ આ ચારેયનું બ્રેઈનવૉશ કર્યું અને હુમલો કરવા માટે ભારત મોકલી દીધા.
આતંકવાદીઓ માટે હથિયારોની વ્યવસ્થા કરી
આ આતંકવાદીઓ માટે ભારતમાં હથિયારોની વ્યવસ્થા કરાઈ હતી. અબૂએ તેમને આદેશ આપ્યો હતો કે અમદાવાદના નાનાચિલોડા લોકેશન પર જાઓ, ત્યાં હથિયાર મળશે. પોલીસને આ જગ્યાએથી 3 પિસ્તોલ, કારતૂસ અને ISISનો ઝંડો મળ્યો છે. હથિયારો પર પાકિસ્તાનના FATA વિસ્તારનું નામ લખેલું છે. એટલા માટે એ સ્પષ્ટ છે કે આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હતા. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે ભારતમાં આ હથિયાર મૂકનારને શોધવામાં આવી રહ્યો છે.