હવે ગુજરાતમાં દારૂ ઓછો ને ડ્રગ્સ વધુ ઝડપાય છે, અમદાવાદથી 3.50 કરોડ અને કચ્છથી 5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Drugs seized from Ahmedabad Kutch


Drugs seized from Ahmedabad Kutch: ગુજરાતમાં ધીમે ધીમે ડ્રગ્સ, ચરસ અને ગાંજા માટે મુખ્ય મથક બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે ડ્રગ્સ, ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપાઇ રહ્યો છે જેને જોતાં લાગી રહ્યું છે કે ટૂંક સમય 'ઉડતા ગુજરાત' બનતાં વાર નહી લાગે. છેલ્લા 72 કલાકમાં વિવિધ જગ્યાએથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયા કિનારે નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોય છે એ તો સામાન્ય રીતે બરોબર છે પરંતુ હાલમાં અમદાવાદ જેવા મેટ્રો સીટીમાંથી ડ્રગ્સ પડકાયું છે. 

અમેરિકા પોસ્ટમાં આવ્યા હતા પાર્સલ

અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યું હતું. આ પાર્સલમાં 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોસ્ટ દ્વારા આવેલા આ પાર્સલમાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હોવાનું પણ સામે આવ્યું છે. 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યાં હતાં, જેમાં રમકડાં, બાળકોના મોજા, સાડી અને  ડાઈપરમાં ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ  હાઇબ્રીડ બોટલો સંતાડેલી જોવા મળી હતી. કરોડોની કિંમતનું કન્સાઇમેન્ટ પેડલરો સુધી પહોંચે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે પકડી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાંથી યુવાનો ડાર્કવેબના માધ્યમથી આ પ્રકારે નશાનો સામાન મંગાવતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 20 દિવસ પહેલાં પણ આ પ્રકારે અમદાવાદ પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. 

કચ્છમાંથી 10 કરોડના 5 પેકેટ પકડાયા

તો બીજી તરફ કચ્છના દરિયાકાંઠે પણ નશીલા પદાર્થો પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે જખૌના સિંઘોડીના કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં 1 પેકેટની કિંમત 50 લાખ હોવાનું અનુમાન છે તે મુજબ કુલ 5 કરોડના 10 પેકેટ મળી આવ્યા છે. 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં બમણી ઘૂસણખોરી થાય છે. પરંતુ હવે દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. કારણ કે હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે. છેલ્લા 72 કલાકમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

આ જથ્થો ઝડપી ક્રાઇમ બ્રાંચ છાતી પહોળી કરી રહી છે.  જે પ્રકારે આ નશીલા પદાર્થો પકડાઇ રહ્યા છે તેને જોતાં સ્પષ્ટપણે લાગે છે કે કેટલા મોટા પ્રમાણમાં આ નશીલા પદાર્થોની હેરાફેરી થઇ રહી હશે. નશીલા પદાર્થોને પકડી પાડવા ક્રાઇમ બ્રાંચની સફળતા ગણવી કે નિષ્ફળતા સમજાતું નથી. નશીલા પદાર્થોને લઇને પંજાબ બદનામ હતું પરંતુ હવે ગુજરાત પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે. 


Google NewsGoogle News