ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચવાના આરે: 29 પોઝીટિવ કેસ નોંધાયા
- સુરતમાં વધુ બે કેસ નોંધાયા, 1નું મોત
અમદાવાદ, તા. 23 માર્ચ 2020 સોમવાર
રાજ્યમાં કોરોનાના પોઝીટીવ દર્દીની સંખ્યા 29 થઈ છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયુ. સુરતમાં વૃદ્ધાના મોતની રાજ્ય સરકારે પુષ્ટિ કરી છે. તો સુરતમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા. તો બીજી તરફ વડોદરામાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીના મોત થયા છે.
રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં પણ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. સરકારે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્યના પાંચ મહાનગરોમાં આગામી 25મી માર્ચ સુધી શટડાઉન કરવાની જાહેરાત કરી છે.
અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરામાં શટડાઉન દરમ્યાન જીવન જરૂરી ચીજ વસ્તુની દુકાન શરૂ રહેશે. આ ઉપરાંત પાંચેય શહેરમાં એસટી સહિતની જાહેર સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.
ગુજરાતના પાંચ જિલ્લાઓ
કોરોના વાયરસને લઇને ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે આગામી 25 માર્ચ સુધી રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને લોકડાઉન કર્યા હતા. જ્યારે જનતા કરફયૂના દિવસે વધુ બે જિલ્લા જેમાં ગાંધીનગર અને કચ્છને પણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.
કઈ કઈ જગ્યાઓ ખુલ્લી રહેશે
નોંધનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે સમીક્ષા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે અંતર્ગત 25 માર્ચ સુધી ચારેય મહાનગરોમાં દવાઓ. તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાય તમામ દુકાનો અને મોલ સંપૂર્ણપણે બંધ રહેશે. કોરોના વાયરસનો વ્યાપ સામાન્ય રીતે બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે.