ગુજરાતમાં 14.31 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, ફૉર્મની પ્રક્રિયા પૂર્ણ
Board Exam Form Process Completed: રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી હતી અને જે પુરી થયા બાદ અંતે ધો.10 અને 12ના કુલ મળીને 14.31 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. લેટ ફી સાથે 55 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. ધો.10માં સૌથી વઘુ 8.94 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થશે. દિવાળી પહેલાથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાનું શરૂ થયુ હતું.
ધોરણ 10 અને 12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહ ત્રણેયમાં રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત અપાયા બાદ બોર્ડ દ્વારા પહેલી ડિસેમ્બરથી લેટ ફી સાથેની મુદત અપાઈ હતી. જેમાં પણ બે-બે દિવસ વધારવામાં આવ્યા હતા. રેગ્યુલર ફી સાથે ધો.10 અને 12માં 13.75 લાખથી વઘુ ફોર્મ ભરાયા હતા. જ્યારે લેટ ફી સાથે ધો. 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહમાં 55 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. લેટ ફી બાદ કુલ 14.731 લાખથી વધુ બોર્ડ પરીક્ષા ફોર્મ ભરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા વિચારણા, IMAનો ભારે વિરોધ
જેમાં ધો.10માં 8,94,961, ધો.12 સાયન્સમાં 111196 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,25,055 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે.સ્કૂલો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે જો કોઈ વિદ્યાર્થી રહી ગયા હોય તો સ્કૂલની લેખિત અરજીના આધારે આચાર્યની મંજૂરીથી બોર્ડ ખાતે સીધા જ ઓફલાઈન ફોર્મ ભરાશે. પરંતુ જે માટે લેટ ફી લેવાશે. દર વર્ષે ઓફલાઈનમાં 500થી 600 જેટલા ફોર્મ ભરાતા હોય છે. ધો.10 અને 12માં નોંધાયેલા કુલ 14.31 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રેગ્યુલર, રીપીટિર, ખાનગી અને પૃથ્થક સહિતના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.