Get The App

33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ 1 - image


BJP  Gujarat: શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતાં નેતાગીરીએ આંતરિક ચૂંટણી જંગ જેવી સ્થિતિનો સ્વીકાર કરવાનો વખત આવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે 'સમરસ સરપંચ'નો રાહ ચિંધનાર ભાજપે જ 33 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઈચ્છુક ભાજપી સભ્યોના નામ મગાવ્યાં તેનાથી જાણે ભૂકંપ સર્જાયો છે. 

ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય 

ભાજપના 41 પ્રમુખપદ માટે 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ભાજપમાં આંતરિક જૂથવાદ, મલાઈવાદ વકર્યાનું જૂના ભાજપીઓ માની રહ્યાં છે. ભાજપના જ લોકોમાં અંદરખાને કચવાટ સાથે ચર્ચા છે કે, પ્રદેશ પ્રમુખથી માંડી જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નેતાગીરીને ભાજપની આંતરિક સ્થિતિની ખરી સેન્સ મળશે. ભાજપ પ્રમુખ કોણ બને તેની સેન્સ મેળવવાના નામે ગુજરાત ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય બની છે. રાજ્યમાં આવનારાં મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ પક્ષમાં વકરેલા જૂથવાદ અને મલાઈવાદથી ભાજપની આંતરિક ભવાઈનો પહેલો એપિસોડ પ્રમુખપદમાં ભજવાઈ શકે છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહીં રાજકીય હતી : યુનુસ સરકાર


સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી જીતવા ભાજપે સંગઠનની કામગીરી સંભાળી શકે તેવા નવા ચહેરાઓને જિલ્લા અને શહેરની કમાન સોંપવાની તૈયારી કર્યાની આંતરિક ચર્ચા વચ્ચે ભાજપમાં શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. 33 જિલ્લા પ્રમુખ અને આઠ શહેરો મળી ભાજપના પ્રમુખપદની 41 જગ્યા માટે ત્રણસો ગણાથી વધુ એટલે કે  1300 આગેવાનોએ દાવેદારી નોંધાવી છે. આ કારણે ભાજપ ઉમેદવાર સેન્સ પ્રક્રિયા કરવાનો વખત આવ્યો છે. 

20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના 

ઉત્તરાયણ અગાઉ ભાજપના શહેર-જિલ્લા પ્રમુખો તેમજ 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે શિસ્તબદ્ધ પક્ષમાં હુંસાતુંસી જેવી આંતરિક સ્થિતિ હોવાની ચર્ચાએ વેગ પરકડ્યો છે.

જાહેરમાં બોલી નહીં શકતાં અમુક સિનિયર ભાજપી નેતાઓ એવી ટકોર કરતાં સંભળાય છે કે, એક સમય હતો કે જ્યારે ભાજપના સંગઠનમાં હોદો મેળવવો એ જવાબદારી સમજવામાં આવતી હતી. હવે, જિલ્લા કે શહેર પ્રમુખને ભાજપમાંથી ચૂંટાયેલા સાંસદ કે ધારાસભ્ય સમકક્ષ જ મહત્ત્વ મળતું હોવાથી હોદો મેળવવા માટેની કતાર લાંબી થતી જાય છે. પ્રમુખપદ મળે કે ન મળે પણ પોતે એક વખત દાવો કર્યો એટલે પક્ષમાં વજન પડે તેવી માનસિકતા ધરાવતાં પ્રેસનોટિયા નેતાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

ભાજપમાં કોંગ્રેસીકરણ જેવો બદલાવ થઈ રહ્યાંની મનોવ્યથા સાથે અમુક જૂના આગેવાનો ચર્ચે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓમાં હૂંસાતુંસીનું રાજકારણ દૂર થાય અને ખરા અર્થમાં વિકાસ થાય તે માટે સમરસ સરપંચની યોજના અમલમાં મુકી છે. જે ગ્રામ પંચાયત સમરસ બને તેના વિકાસ માટે પ્રોત્સાહનરૂપ રકમ પણ સરકાર તરફથી આપવામાં આવે છે. સમરસ પંચાયતની યોજનાને આવકાર મળ્યો છે તેનાથી વિરુદ્ધની સ્થિતિ ભાજપમાં છે. જો પંચાયતો સમરસ થાય તો ભાજપના જિલ્લા અને શહેરોના પ્રમુખ સમરસ એટલે કે સર્વાનુમતે કેમ પસંદ ન થાય? તેવો સિવાલ ભાજપમાં જ થઈ રહ્યો છે.

1300 ભાજપી આગેવાનોની દાવેદારી ભાજપના જિલ્લા કે શહેરના પ્રમુખ બનવા માટેની હોડ દર્શાવવા માટે પૂરતી છે. સવાલ એ છે કે, ભાજપના પ્રમુખ બનવા માટે આવી હોડ શા માટે છે? ભાજપ પક્ષ જનસેવાને પ્રાધાન્ય આપે છે. પરંતુ અંદરખાને હોદો મેળવીને સેવાના નામે મેવા મેળવવાની માનસિકતા ધરાવનારાંઓની સંખ્યા વધી રહી હોવાની ચર્ચા ભાજપમાં જ વેગવાન છે. કહેનારાં તો ત્યાં સુધી કહે છે કે, ભાજપમાં જૂથવાદ બેકાબૂ બની ચૂક્યો છે. કોઈપણ જિલ્લો, તાલુકો કે શહેર એવાં નથી કે જ્યાં ચૂંટાયેલા કે પક્ષે નિમેલા હોદેદારો કે લોકપ્રતિનિધિ સામે ભાજપના જ અમુક લોકોનો આંતરવિરોધ નહોય. આ પ્રકારનો વિરોધ તંદુરસ્ત લોકશાહીનું પ્રતિક છે તે સ્વીકારી શકાય. પરંતુ તંદુરસ્ત વિરોધના બદલે અન્ય રાજકીય પક્ષની માફક જૂથવાદ થકી જ સંગઠનમાં હોદાઓ અપાતા હોવાની પ્રથા મજબૂત બની છે. આ કારણે જ ભાજપના જિલ્લા-શહેર પ્રમુખ બનવા માટેની હોડમાં ભાગ્યે જ કોઈ શહેર કે જિલ્લો બાકાત છે.

આ પણ વાંચો: 'પેરિસ હમ આ રહે હૈ ' પાકિસ્તાન એરલાઈન્સનું સ્લોગન વાઈરલ થતાં લોકોએ ઉડાડી ઠેકડી


સ્થાનિક નેતાઓથી કર્મચારી અને અધિકારીઓ પરેશાન

સૂત્રોના જણાવ્યાનુસાર, સ્થાનિક કાર્યકરોને ગમતાં એટલે કે 'સમરસ નેતા' પ્રમુખપદે હોય તો જૂથવાદ નહીં થાય. જે પંચાયતોમાં સમરસ સરપંચ હોય ત્યાં વિકાસ વેગવાન હોવાના સારા પરિણામો મળ્યાં છે. પણ, ભાજપમાં સમરસ પ્રમુખનો વિચાર અમલમાં મુકાતો નથી. આંતરિક જૂથવાદ વચ્ચે તંત્રમાં ખોટા કામ લઈને જતાં અનેક સ્થાનિક નેતાઓથી અનેક કર્મચારી અને અધિકારીઓ પરેશાન છે. મોરબી ઝુલતા પુલનો કોન્ટ્રાક્ટ અને હરણી બોટકાંડમાં બારેબાર કોન્ટ્રાક્ટ અપાયાંના મુદ્દા સાથે ભાજપના આંતરિક વિવાદ સપાટી ઉપર આવી ચૂક્યાં છે. પ્રજાજનો સુધી નહીં પહોંચતી ભાજપની આંતરિક ભાંજગડની અગણિત ઘટનાઓ પક્ષમાં ચર્ચાતી રહે છે. 

રાજ્યમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપના પ્રમુખપદની પસંદગી એક પ્રકારે ભાજપમાં આંતરિક ચૂંટણી જેવી જ બની રહી છે. ભાજપમાં શરૂ થયેલી જૂથવાદની નવી ભવાઈમાં સેન્સના નામે નેતાગીરી ક્યાંક સમજાવટ, ક્યાંક સમાધાન અને ક્યાંક સમાધાન કરતાં હોવાની ચર્ચા જૂના ભાજપી કરે છે. 

ભાજપમાં આંતરિક જૂથવાદ અને મલાઈવાદ વકર્યો છે તેનો સ્વીકાર કરવો હોય ઈનકાર થઈ શકે તેમ નથી. વાસ્તવિકતા એ છે કે, રાજ્યથી લઈને કેન્દ્ર સુધી સત્તા વચ્ચે હવે ભાજપ એ પક્ષ રહ્યો નથી કે જે પહેલાં હતો અને જનહત સર્વોચ્ચ સ્થાને હતી. સત્તા અને સંગઠન વચ્ચે સંકલનના નામે સત્તાનો સ્વાદ રાખવાની લાલચ ભાજપને લૂણો લગાડી રહી છે એટલે જ ભાજપમાં પ્રમુખપદ મેળવવા માટે ચૂંટણી જંગ જેવું આંતરયુદ્ધ ચાલે છે. પરંતુ ઉપરના સ્તરેથી જીતનો મંત્ર છે ત્યારે પક્ષની નીતિ-નિષ્ઠાની હારનો વિચાર કરનારાં બહુ ઓછાં લોકો બચ્યાં છે એ ભાજપની કડવી વાસ્તવિકતા છે. પણ, જૂના કાર્યકરોની આ લાગણી સાંભળવાનો સમય સત્તા અને સિધ્ધી માટે જ વ્યસ્ત રહેલી નેતાગીરી પાસે નથી.

33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ 2 - image

BJPGujarat

Google NewsGoogle News