ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી : લાઇફસ્ટાઇલ, ફાસ્ટફુડ, માનસિક તણાવ જવાબદાર

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી : લાઇફસ્ટાઇલ, ફાસ્ટફુડ, માનસિક તણાવ જવાબદાર 1 - image

image : Freepik

અમદાવાદ,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

ગુજરાતમાં હૃદયરોગના કેસો ચિંતાજનહદે વધી રહ્યા છે. 108 ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે.  વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને 72573 કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે. 

સુરત- વડોદરામાં 31 ટકા,રાજકોટમાં 42 ટકા અને અમદાવાદમાં 28 ટકા કેસોનો વધારો નોધાયો

ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 21,496 હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

આ તરફ, સુરતમાં 5408, રાજકોટમાં 4910, ભાવનગરમાં 3739 અને વડોદરામાં 3618 કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં 31 ટકા, રાજકોટમાં  42 ટકા, ભાવનગરમાં 21 ટકા અને વડોદરામાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

કાર્ડિયાક સર્જન ડો.પરાગ શેઠનું કહેવુ છેકે, લોકોની જીવનશૈલી બદલાઇ છે. આ ઉપરાંત ફાસ્ટફુડનું ચલણ વધ્યુ છે.  સાથે સાથે માનસિક તણાવ સાથેની લાઇફસ્ટાઇલ પણ વધતા હૃદયરોગ માટે જવાબદાર પરિબળ છે. યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે હવે લોકોમાં હૃદય ચેકઅપને લઇને જાગૃતિ વધી છે. લોકો સામે ચાલીને નિયમિત ચેકઅપ કરાવતા થયા છે. ડોક્ટરોની સલાહ લેતા થયા છે જે એક સારી નિશાની છે. 

108 ઇમરજન્સીમાં વર્ષ 2017માં હૃદયરોગને લઇને 52,453 કોલ્સ આવ્યા હતાં. જયારે વર્ષ 2018માં કોલ્સ વધીને 53,700 થયા હતાં. વર્ષ 2019માં 63,628 કેસો, વર્ષ 2020માં 44,797, વર્ષ 2021માં 42,555 અને વર્ષ 2022માં 56,777 કોલ્સ આવ્યા હતાં. વર્ષ 2023માં હૃદયરોગ સબંધિત બિમારીને લઇને કુલ મળીને 72,573 કોલ્સ આવ્યા હતાં. આમ, ગુજરાતમાં હૃદયરોગની બિમારીમાં વધારો થઇ રહ્યો છે. 


Google NewsGoogle News