Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માથું ઊંચકતા ડાકુઓ

ના, આ એ ડાકુઓ નહિ, રિયલ ડાકુઓની વાત છે. બુંદેલખંડ આમ તો મધ્ય ભારતનો એક પ્રાચીન  પ્રદેશ છે, જેનો વિસ્તાર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફેલાયેલો છે. એક અલગ જ પ્રકારનો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક વારસો આ પ્રદેશ ધરાવે છે. જેમ ગુજરાતી-કાઠિયાવાડીનો ભાષાભેદ છે તેમ હિન્દી-બુન્દેલીનો અહીં તફાવત છે.

આ પ્રદેશ વિન્ધ્યાચળની પર્વતમાળાઓ અને ખીણોથી છવાયેલો છે. વિન્ધ્ય પહાડોની તળેટીમાં પહોંચવા માટે ચિત્રકૂટ પાર કરો પછી ઘટાદાર જંગલ શરૃ થાય છે. અહીં સુધી આસ્ફાલ્ટના રસ્તાઓ પહોંચ્યા નથી. એને કારણે ખૂંખાર અપરાધીઓનું આ આશ્રયસ્થાન છે. છેલ્લા થોડા સમયથી અહીં લૂંટફાટ અને ધાડ પાડનારા ડાકૂઓના નવા અનેક જૂથો પ્રવૃત્ત થઈ ગયા છે જે હવે બન્ને રાજ્ય સરકારોની ઊંઘ ઉડાડી રહ્યા છે.

બુંદેલખંડના ગ્રામ વિસ્તારો છેક સત્યજિત રાયની ફિલ્મમાં દર્શાવાયેલા ભારતની દરિદ્રતાના તમામ દ્રશ્યો આજેય જીવંત જાળવીને બેઠેલો પ્રદેશ છે. અહીં રાજ્ય પોલીસના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ વળતા હૂમલાઓ કરીને ડાકુઓ સામે જંગે ચડયા છે પરંતુ જે મુખ્ય ડાકુઓ છે તે સરકારને હાથ આવતા નથી. એટલે ગ્રામ વિસ્તારોમાં ફફડાટ છે. થોડા સમય પહેલા ત્રણ ગ્રામ વાસીઓને આ ડાકૂઓએ જીવતા જલાવ્યા ત્યારથી અંતરિયાળ વિસ્તારોમાંથી પોલીસને બાતમી મળતી બંધ થઈ ગઈ છે. નકસલવાદીઓ જે રીતે ગ્રામવાસીઓને બ્લેકમેઈલ કરી સુરક્ષાની ખાતરી આપીને પોતાના તરફ કરી લે છે એ જ પદ્ધતિથી આ નવા ડાકૂઓ કામ કરી રહ્યા છે.

પોલીસે અત્યાર સુધીમાં આઠ-દસ ઉગીને ઊભા થતા ડાકૂઓને મોતને ઘાટ ઉતારી દીધા છે તો પણ જેમના માથે આઠથી દસ લાખના ઈનામો જાહેર થયા છે તેઓ હજુય ગાઢ જંગલો અને વિન્ધ્યાચળની તળેટીના કોઈ કોઈ ઘટાટોપ વિસ્તારોમાં છૂપાયેલા છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનૂન- વ્યવસ્થાની તાજેતરની સમીક્ષા વસ્તે બુંદેલખંડના ડાકુઓ પર ચર્ચા કરી અને તાત્કાલિક કડક પગલા લેવા આદેશો તો આપ્યા, જેને કારણે રાજ્ય પોલીસે અંધારિયા જંગલોમાં સામટા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યા. એનું પરિણામ એ આવ્યું કે ડાકૂઓએ પોલીસને પડકારવા ચિત્રકૂટ નજીકના ભગવતપુર ગામમાં એક જાન પર હૂમલો કરીને મહિલાઓની છેડતી કરી અને નવપરણિત કન્યાના ભાઈની હત્યા કરી નાંખી.

જો કે જાનૈયાઓ બુંદેલખંડના બહાદુરો હતા અને તેમણે ડાકુ રાજુ સિંહનો પીછો કરીને એને મોતને ઘાટ ઉતાર્યો. જેટલા ડાકુઓ મરે છે એનું કારણ પ્રજા છે અને જેટલા છૂપાઈને પોતાના આતંકનું સામ્રાજ્ય ફેલાવતા જાય છે એનું કારણ પણ અન્ય પ્રજા છે.

પોલીસ બરાબર ફસાઈ ગઈ છે, કારણ કે જેમના માથા પર લાખોના ઈનામો સરકારે જાહેર કર્યા છે તેઓ હાથમાં તો આવતા નથી પરંતુ તેમના સગડ પણ મળતા નથી. અત્યારે શરદઋતુ પૂરી થવા આવી છે ને ફસલ ખેતરોમાં તૈયાર છે. અહીંની ખેતી સંપૂર્ણ આકાશી છે.

છતાં મજૂરો કે ખેડૂતો ખેતરે જવાનું સાહસ કરતા નથી. મોટા જમીનદારો મોટા પોલીસ ફોર્સની હાજરીમાં લાગણી કરી રહ્યા છે અને તેઓ પણ ડાકુઓના નિશાન પર છે. સમગ્ર બુંદેલખંડમાં ડાકુઓએ સન્નાટો બોલાવી દીધો છે. યોગી આદિત્યનાથ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી ઓક્સિજનથી અપરાધ સુધીના સંખ્યાબંધ ઘટનાક્રમોમાં માનવમૃત્યુ આંક બહુ જ ઊંચે જઈ રહ્યો છે તે અંગે બુંદેલખંડના વિવિધ સ્થાનિક નેતાઓએ ઊહાપોહ મચાવ્યો છે.

આ ડાકુઓ શસ્ત્રોના ખજાનાો વિન્ધ્યાચળના ખીણ વિસ્તારોમાં દુર્ગમ સ્થાનોએ છૂપાવી રાખે છે અને બહુ જ મર્યાદિત શસ્ત્રો સાથે હૂમલાઓ કરે છે. પોલીસને હજુ ડાકુઓના શસ્ત્રભંડારનો અંદાજ પણ મળ્યો નથી. પોલીસ તંત્રના શસ્ત્રાગારોમાંથી જ ચોરી થયેલો માલ આ ડાકુઓ પાસે પહોંચી રહ્યો હોવાના અહેવાલો પણ છતા થયેલા છે.

અત્યારે બુંદેલખંડના ડાકુઓ પાસે સેમી-ઓટોમેટિક રાયફલો છે અને તેઓએ જે ધનસંપદા લૂંટફાટથી એકત્રિત કરી છે તે જોતા લાગે છે કે બહુ ઝડપથી તેઓની પાસે હાઈટેક સરંજામ આવી જશે. સામસામી ઘેરાયેલી ગિરિમાળાઓ વચ્ચેથી ભીષણ નિનાદ કરતી નદીઓ હજુય ઘોડાપુરની જેમ પુરપાટ વહી રહી છે. એ નદીઓને ઓળંગવાનું કામ પોલીસથી થઈ શકે એમ નથી અને ડાકુઓ માટે રમત વાત છે.

શિયાળો અહીં વહેલો શરૃ થયો છે, હિમાલયન શીતળ પવનોના સૂસવાટામાં મધરાતે ત્રાટકવાનું કામ ડાકુઓ માટે વધુ સહેલું થઈ જાય એ પહેલા એનો ઉપાય શોધવા રાજ્યના ગૃહખાતાએ ચિત્રકૂટ અને બાંદા વિસ્તારમાં એન્ટી ડાકુ સેલ, સ્પેશ્યલ ટાસ્કફોર્સ, ક્રાઈમ બ્રાન્ચ અને સર્વેલન્સની વિવિધ ચાર અલગ-અલગ જાંબાઝ ટુકડીઓ તૈનાત કરી છે પરંતુ એમના હાથમાં ડાકુઓના પગ, પગરખા કે પગલાં કંઈ આવ્યું નથી.

બુંદેલખંડને અલગ રાજ્યનો દરજ્જો અપાવવાની ધીમી હિલચાલ ચલાવતી બુંદેલખંડ એકીકૃત પાર્ટીએ ડાકુઓના સતત વધતા જતા ઉપદ્રવ સામે સરકારમાં ઉગ્ર રજૂઆતો કરી છે પરંતુ તેનું વિશેષ પરિણામ હજુ દેખાતું નથી. યોગી સરકારના પ્રધાનો આ ડાકુઓ વિશે જાતજાતના તરંગો વહેતા કરે છે જે બતાવે છે કે અસલ દર્દ તેઓ જાણતા જ નથી.

એના પરિવહન પ્રધાન સ્વતંત્રદેવ સિંહે તો ડાકુઓ વિશે ચિત્રકૂટ સુધી આવીને એમ કહ્યું કે યે તો ઘર કે કુછ બિગડેલ બચ્ચે હૈ જો રાહ ભટક ગયે હૈ, ઉન્હે રાહ પર લાને કી જરૃરત હૈ ! વાસ્તવમાં આ પ્રધાનો જ પ્રજાના બિગડેલ બચ્ચેની વ્યાખ્યામાં આવી ગયેલા છે. સારાંશ એ છે કે યોગી સરકાર અને તેનું પ્રધાનમંડળ રહસ્યમય રીતે ડાકુઓ પરત્વે કુણુ વલણ અખત્યાર કરી રહ્યા છે, જે આપત્તિ વધવાનો જ અણસાર આપે છે.
 

Keywords tantri,lekh,12,october,2017,

Post Comments