For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘નોટામાં વધુ મત મળે તો ફરી ચૂંટણી કરો’, શિવ ખેરાની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે માંગ્યો ECનો જવાબ

Updated: Apr 26th, 2024

‘નોટામાં વધુ મત મળે તો ફરી ચૂંટણી કરો’, શિવ ખેરાની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે માંગ્યો ECનો જવાબ

Supreme Court Hearing on NOTA : સુપ્રીમ કોર્ટે નન ઓફ ધ અબાઉ એટલે કે નોટા (NOTA) સાથે સંકળાયેલી એક અરજી મુદ્દે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. મોટિવેશનલ સ્પીકર શિવ ખેરા દ્વારા કરાયેલી આ અરજીમાં માગ કરાઈ છે કે, ‘જો ચૂંટણીમાં કોઈ ઉમેદવાર કરતા નોટામાં વધુ મત પડે તો તે બેઠક પર ચૂંટણી રદ કરવી જોઈએ. બાદમાં એક બેઠક પર ફરી ચૂંટણી કરાવવી જોઈએ. આ ઉપરાંત નોટાથી પણ ઓછા મત મેળવનારા ઉમેદવારો પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.’નોંધનીય છે કે, આ અરજીમાં વકીલે સુરત બેઠક પર થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અરજદારના વકીલે ગુજરાતના સુરતની ઘટનાનો કર્યો ઉલ્લેખ

ઉલ્લેખનીય છે કે, હાલની વ્યવસ્થા મુજબ વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા માનવામાં આવે છે. અરજદારના વકીલે ગુજરાતની સુરત ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું કે, આવી વ્યવસ્થાના કારણે સુરતના એક ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તેથી આ બાબતે વિસ્તૃત સુનાવણી કરવી જરૂરી છે. આ અરજીની અસર સુરત બેઠકના પરિણામો અથવા વર્તમાન લોકસભા ચૂંટણીના કોઈપણ બાબત પર પડશે નહીં.

અરજદારે શું માંગ કરી?

શિવ ખેડાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એવી પણ માંગ કરી છે કે, નોટાથી ઓછા મત મેળવનાર ઉમેદવારો પર કોઈપણ ચૂંટણી લડવા પર વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવે. આ ઉપરાંત નોટાને એક કાલ્પનિક ઉમેદવાર તરીકે જોવામાં આવે. આ કેસમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી છે.

સુરત લોકસસભા બેઠક પરનો વિવાદ શું છે?

ગુજરાતની સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવું અને ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાના કારણે સુરત બેઠક દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આ બેઠક માટે તાજેતરમાં જ ચૂંટણી ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)નું ફોર્મ રદ થયાં બાદ બાકીના ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે BJPના મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની આબરુના ચારેકોર ધજાગરા ઉડ્યા હતા. હજી સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઘણી જગ્યાએ કુંભાણીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

નોટા એટલે શું ?

જો મતદારોને મતદાન કરતી વખતે કોઈપણ પક્ષના ઉમેદવાર યોગ્ય નથી લાગતા તો તેઓ નોટા બટન દબાવીને પોતાનો વિરોધ નોંધાવી શકે છે. નોટા નો અર્થ ઉપરોક્તમાંથી કોઈ નહિ (None of the above). ઈવીએમનો ઉપયોગ તો ઘણાં વર્ષોથી થાય છે પરંતુ નોટા બટન છેલ્લા એક દશકથી જ સામેલ કરવામાં આવ્યું છે. પહેલીવાર વર્ષ 2013માં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013 નોટાનો વિકલ્પ લાગુ કરીને ભારત વિશ્વનો 14મો દેશ બન્યો હતો. 

નોટાની જરૂર કેમ પડી?

જયારે દેશમાં નોટા સિસ્ટમ ન હતી ત્યારે લોકો કોઈ યોગ્ય ઉમેદવાર ન લાગે તો મતદાન કરવા માટે જતા જ નહિ આ રીતે તેમનો મત વેડફાઈ જતો હતો અને લોકો મતદાનના અધિકારથી વંચિત રહી જતા હતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે નોટાનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી. ત્યારબાદ નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ નોટાને સમર્થન આપતી PIL દાખલ કરી હતી. અને વર્ષ 2013માં કોર્ટે આ બાબતે મંજૂરી આપી હતી. 

જો નોટા ને સૌથી વધુ મત મળે તો શું?

નોટાના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં નોટા ને ગેરકાયદેસર મત માનવામાં આવતો હતો. એટલે કે, જો નોટા ને અન્ય તમામ ઉમેદવારો કરતા વધુ મત મળે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવતો. અંતે 2018 માં, દેશમાં પ્રથમ વખત, નોટાને પણ ઉમેદવારોની સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં નગરનિગમની ચૂંટણીઓમાં નોટાને સૌથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરાયા હતા. આ પછી ચૂંટણી પંચે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

જો નોટા ફરીથી ચૂંટણીમાં જીતે તો શું થશે?

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે તેના 2018ના આદેશમાં, નોટાને 'કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર'નો દરજ્જો આપ્યો છે. આદેશ અનુસાર, જો કોઈ ઉમેદવાર નોટા જેટલા મત મળે છે, તો ચૂંટણી લડનાર વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. જો નોટા ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર નોટા કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. આવી સ્થિતિમાં, નોટા પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.

Gujarat