Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

મોબાઇલને પણ હંફાવતું વિશ્વનું નંબર વન રમકડું  :  લેગો !

'કેઓસ' અને 'ઓર્ડર'ના યુનિવર્સલ સિદ્ધાંત પર સક્સેસફુલ ડેનિશ ટોયનો ફેરી ટેલ કેસ સ્ટડી પેરન્ટસ અને મેનેજર્સ બે ય માટે પ્રેરણાદાયી છે !

લેગો કંપનીના મૂળ માલિકો - સ્ટાફ - હેડક્વાર્ટરમાં કશુંક એવું છે, જે કેવળ કોર્પોરેટ નથી. પેશન પ્લસ પ્લેઝરની હેપિનેસ એમાં રિફ્લેક્ટ થાય છે, અને ઈન્સ્ટન્ટ કનેકશનનું આજ સિક્રેટ છે !

બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૬માં ડેન્માર્કના બચુકલાં ગામડા બિલન્ડમાં એક જુવાનિયાએ હરખભેર પોતાની ફેકટરી શરૃ કરી. ગામ ખોબા જેવડું હોય એમાં ફેકટરી ય નાની, વેઢાં જેવડી જ હોય ને ! જુવાનનું નામ ઓલ કર્ક ક્રિસ્ટન્સન. અને કામ કારપેન્ટર યાને સુથારનું. ફેકટરી પણ ફર્નિચરની જ હતી.

૧૦ ભાંડરડા પૈકીનો એક ખુશમિજાજ અને ક્રિએટિવ ઈન્સાન હતો. ગામ માટે એણે ડેરી અને ચર્ચ પણ બાંધ્યા. ૧૯૩૦નો દસકો શરૃ થયો અને એની માઠી બેઠી. ફેકટરીમાં આગ લાગી. ચાર દીકરાઓને જન્મ આપ્યા બાદ પત્નીનું અકાળે અવસાન થયું. સંજોગો વિપરીત થવા લાગ્યા. પણ એ તો ક્લોઝ અપમાંથી લોંગ શૉટ લો, ત્યારે ખબર પડે ને અવદશાની પડતીમાં ખરેખર બદલાતા ભાગ્યની ચડતી પણ હોય !

ઓલ કર્ક ક્રિસ્ટન્સને ફર્નિચરને બદલે લાકડાંના રમકડાં બનાવવાનું શરૃ કર્યું. વિધુર થયા બાદ ચાર નાનકડા દીકરાઓને ઉછેરવાની જવાબદારી પણ એની જ માથે હતી. મૂળ તો એમના માટે પોતાના સુધારી કૌશલ્યનો (કારપેન્ટરી સ્કિલ્સ, બસ !) ઉપયોગ કરી, એ રમકડાં બનાવતો. બાળકોને બહુ ગમી ગયેલા પૈડાંવાળા લાકડાંના બતકનું પછી જથ્થાબંધ ઉત્પાદન કરી એણે વેંચવાનું શરૃ કર્યું. આ નવા રમકડાં બનાવતા યુનિટનું એણે ૧૯૩૪માં નામ રાખ્યું  :  લેગૉ. મૂળ તો ડેનિશ ભાષાના શબ્દ 'લેગ ગૉડ્ટ' પરથી એ શબ્દ એણે કોઇન કરેલો. 'લેગ ગૉડ્ટ'નો મતલબ થાય પ્લે વેલ. સરસ રમો. લેટિનમાં એનો અર્થ 'હું જોડું છું' એવો ય થાય. ઈટાલીયનમાં 'હું બાંધુ છું' એવો થાય. એના મૂળ તો ઘરની જવાબદારીમાં ખુદના બાળકોના મનોરંજન માટે બનાવેલા વાહનોને પ્રાણીઓના મોડલ જેવા લાકડાંના રમકડાં આસપાસના ગામોમાં વેંચાવા લાગ્યા.

પણ જીવ ખાંખતિયો. ૧૯૪૭માં ભારત ભાગલા અને આઝાદીના કાળને જીવતું હતું ત્યારે એ ઈંગ્લેન્ડમાં બીજા વિશ્વયુદ્ધ પછી ભરાયેલા 'વર્લ્ડ મેન્યુફેકચરિંગ ફેર'ની મુલાકાતે ગયો. ત્યાં એણે એક નવતર યંત્ર જોયું. પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીન. એનો એ પહેલો જ ગ્રાહક બન્યો, અને ડેન્માર્ક દેશમાં પહેલી વાર જ આ મશીન ક્રિસ્ટન્સન લઇ આવ્યો. ઈંગ્લેન્ડમાં જ એણે 'કિડિક્રાફ્ટ' નામની બિલ્ડિંગ બ્રિક્સની ગેમ જોઇ હતી. જેમાં એકબીજામાં પરોવાતા નાનકડા ચોસલાઓથી ઘર બનાવવાનું રહેતું.

અલ્ટીમેટલી, ઈટ્સ ઓલ એબાઉટ આઈડિયા ફર્સ્ટ. ક્રિસ્ટીન્સને એવું વિચાર્યું કે મેન્યુફેકચરર બાળકને પોતાની ડિઝાઇન મુજબ રમકડાં બનાવી આપે, એને બદલે બાળક ખુદ જ પોતાને ગમતા રમકડાં તૈયાર કરે તો? ઈટ્સ ફન. અને આજે ય અપરાજય એવો એ વિચાર એણે અમલમાં મૂકયો. પ્લાસ્ટિકની ટચૂકડી 'બ્રિક્સ' (લંબચોરસ ચોકઠાં) બનાવી. ચાર અલગ અલગ રંગોમાં અને સમય જતાં એમાં એકબીજા સાથે લોક થાય એ માટે બહાર કાણા અને અંદર નળાકાર રહે એવી ઈન્ટરલોકિંગ ડિઝાઇન ગોઠવી. બાળકના નાનકડાં હાથ અને દિમાગને ફાવે એવી !

આ આકાર વિનાનું, છતાં મનગમતાં આકાર ઘડવા દેતું રમકડું ડેન્માર્કમાં અને ધીરે ધીરે દુનિયામાં ચાલી નીકળ્યું. ફેકટરીના નામ પરથી એનું નામ જ 'લેગો' પડી ગયું. ૧૯૫૮માં ૬૬ વર્ષે ઈન્વેન્ટર-ફાઉન્ડર ઓલ કર્ક ક્રિસ્ટીન્સનનું મૃત્યુ થયું, ત્યારે એ કારોબાર પોતાના ત્રીજા નંબરના દીકરાને સોંપતો ગયો. કંપની આજે ય ભારતીય પેઢીઓની જેમ ફેમિલી ઑન્ડ યાને કુટુંબના કબજામાં રહેલી પ્રાઇવેટ કંપની છે.

પણ નાનકડી પ્લાસ્ટિક બ્રિકસે કંપનીને એવડી મોટી બનાવી દીધી છે કે, ટોય મેન્યુફેકચરિંગની દુનિયામાં લેગો અત્યારે દુનિયાની નંબર વન કંપની છે ! ૨.૧ અબજ ડૉલરનો વાર્ષિક કારોબાર ધરાવતી કંપની એવો તો પ્રોફિટ કરે છે કે, સ્થાપક એવા દાદા પેલું મશીન લઇ આવેલા, ત્યારે જ ૧૯૪૭માં જન્મેલો એનો પૌત્ર ક્યેલ્ડ આજે જૈફ વયે કંપની સંભાળે છે એની પર્સનલ મિલકત જ ૧૦ અબજ ડૉલરની (અંદાજે સિત્તેરથી ગુણો તો ૭૦૦ અબજ રૃપિયાની !) છે ! 'લેગૉ' આજે ૧૩૦ દેશોમાં વેંચાય છે. આજે ૧૪,૦૦૦ જેટલા કર્મચારીઓ દુનિયાભરમાં એમાં જોડાયેલા છે. એની માલિકીના 'લેગોલેન્ડ' નામના થીમ પાર્કસ છે.

સુપરસ્ટોર્સ છે. વાર્નેર બ્રધર્સ અને ડિઝની સાથે એના ટાઇ અપ્સ છે. (પાછલે બારણેથી ડિઝની એમાં મૂડીરોકાણ કરે છે, એવી ય વાતો ચાલે છે). ત્રીસ જેટલી પ્રોડક્ટલાઇનની રેન્જ માટે વરસમાં કંપની ૫૫ અબજ પ્લાસ્ટિક પાર્ટસ ૪૨૦૦ ટન પોલીમરમાંથી બનાવે છે! મિનિટની લાખથી વધુ બ્રિક્સ લેખે ઉત્પાદન થાય છે, અને પૃથ્વીમાં માથાદીઠ ૧૦૦ લેગો બ્રિકસ હશે એવું કહેવાય છે ! અને સર્વેક્ષણોમાં 'બાર્બી' જેવી ઢીંગલીને પછાડીને પણ 'લેગો' દુનિયાનું સૌથી પોપ્યુલર નંબર વન ટોય બની ચૂક્યું છે ! ૩૫ અબજનો કારોબાર કરી ચૂકેલી એક હોલીવૂડ એનિમેશન ફિલ્મ બની છે, અને બીજી આ વર્ષે આવી રહી છે! લેગોના ૨૦૦૪થી નોનફેમિલી ડેનિશ સીઈઓ આ વર્ષથી ચેરમેન થયા છે અને એનું સ્થાન ભારતમાં જન્મેલા બ્રિટિશર બાલી પાડ્ડાએ લીધું છે.

દિવસે દિવસે ભૂલકાંઓ માત્ર મોબાઇલથી જ રમતાં હોય એવું ડેન્જરસ એડિકશન આપણી આસપાસ થવા લાગ્યું છે, ત્યારે મોબાઇલના પ્રચંડ અશ્વમેધને એકલે હાથે એક જુનવાણી લાગતી પારિવારિક પેઢી બરાબર હંફાવી રહી છે! પશ્ચિમી દેશોનાં બાળકો મોબાઇલથી વધુ લેગોના એડિકટિવ થાય છે ! એમાં જ કલાકો ખોવાયેલા રહે છે. મમ્મી-પપ્પા હેપી છે, કારણ કે બાળકો ખામોશ રહે છે. લેગો મૂળભૂત રીતે પ્લાસ્ટિક પીસ ગોઠવીને આકાર બનાવવાની ગેઇમ હોય 'ક્વાયેટ ગેઇમ' કહેવાય છે.

એકલું એમાં મસ્ત થઇ જનાર શિશુ ચૂપચાપ કશુંક રમ્યા કરે છે ! ટીચર્સ પણ ખુશ છે કે બાળકો મોબાઇલમાં કોઇકના રેડીમેઇડ આકારો જોવાને બદલે પોતાના આકારો સર્જીને દિમાગને તેજ ધાર કાઢે છે! વિશ્વભરમાં લેગો છવાઇ ગયું છે. ગુજરાતમાં ય મળે ને ગ્રીનલેન્ડમાં ય! ચીનથી આફ્રિકા બધું જ સર થયેલું છે. જસ્ટ થિંક, ૨૦૦૮ની વિશ્વવ્યાપી મંદીમાં ય કંપનીનો ગ્રોથ અધધધ ૩૧.૫% હતો!

આવી કલ્પાનાતીત સક્સેસ સ્ટોરી વાંચ્યા પછી કોઇને વિચાર પણ આવે કે દોઢ દાયકા પહેલા આ જ કંપની દેવાળું ફૂંકવાના આરે આવી ગઇ હતી?
૧૯૯૦ની સાલની મધ્યમાં વિડિયો ગેઇમ અને ટીવીનું જોરદાર આક્રમણ બાકીના મીડિયાને ઉખાડી ફેંકતા ઝંઝાવાતની જેમ થયેલું, અને એમાં પ્રવેશ થયો ઈન્ટરનેટનો ! લેગો તો દેખીતી રીતે જ ઓલ્ડ ફેશન્ડ ગેઇમ હતી. ૨૦૦૦ની સાલ આવતા સુધીમાં તો કંપની બેન્કરપ્સીના આરે આવી ગઇ ! પાર્ક બનાવવા ને બીજી પ્રોડક્ટ લોન્ચ કરવા જેવા ડાઇવર્સિફિકેશનના ઉકેલો નિષ્ફળ જતા હતા.

ત્યારે કંપનીના ટેમ્પ મેનેજમેન્ટે 'સોલ સર્ચિંગ' જેવી મીટિંગ બોલાવી. મેનેજમેન્ટની ટિપિકલ થિયરીઝનું પડીકું વાળી સાઇડમાં મૂકી દીધું. સિમ્પલ ફોર્મ્યુલા ક્રિસ્ટન્સન ફેમિલીએ પકડી. આપણે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા હતા? બેક ટુ બેઝિક્સ. ૯.૬ મિલિમીટરની રંગબેરંગી પ્લાસ્ટિક બ્રિક્સથી. તો પછી એના પર જ ફોકસ કરો. જો ટકશે, તો એ જ ટકશે કારણ કે, લેગોની એ જ આઇડેન્ટીટી છે. બદલાતા જમાનાથી ગભરાઇને એને છોડી દેવાને બદલે, એને જ જમાના સાથે તાલ મિલાવવા નવેસરથી તૈયાર કરો. કોમ્પિટિશન સામે કોન્ફિડન્સ રાખો. બાળકો નવા નવા પેદા થવાના જ છે. અને એમના મા-બાપ એમનામાં પોતાના બચપણના અનુભવો જાણ્યે - અજાણ્યે રાખવાના જ છે! એમ શું હાર માનીએ !

અને લેગોએ આખો દ્રષ્ટિકોણ જ ફેરવી નાખ્યો. જે ડિજીટલ મીડિયાથી કંપની દબાઇ ગઇ હતી, એની સામે જ કેમ્પેઇન મૂક્યું, સીધું પેરન્ટસને અપીલ કરતું - તમારા બાળકને ટીવી સામે બેસાડીને પેસિવ બનાવશો કે લેગો રમવા આપીને એક્ટિવ? કૂતરાથી ડરીને તો એ ભસતું ભસતું પાછળ પડે, પણ સામા થાવ તો એ બેકફૂટ પર આવી જાય ! લેગોએ એગ્રેસીવનેસ બતાવી. નવા સ્ક્રીનવાળા મીડિયા વધુ આકર્ષક હોય તો શું થયું ? અમે વધુ ગુણકારી, વધુ કુદરતી છીએ. એ અમારી નબળાઇ નહિ પણ તાકાત છે. કમ ઓન!

સેકન્ડ સ્ટ્રેટેજી થોડી સટલ હતી. લેગોની હરીફાઇ અન્ય રમકડાં સાથે નહિ પણ ટીવી - મોબાઇલના સ્ક્રીન સાથે હતી, એ સમજાઇ ગયું હતું. એની સામે અવાસ્તવિક ટક્કર લીધા કરવાને બદલે કંપનીએ દુશ્મનને દોસ્ત બનાવી, એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. બાળક 'સ્ક્રીન ઈમેજ'ને જે ટાઇમ

આપે, એમાં જ સીધી ભાગીદારી ઊભી કરી. ધડાધડ લેગોએ જ વિડિયો ગેઇમ લોન્ચ કરી, જે રમ્યા બાદ ટીનેજર્સને એવું એન્વાયર્નમેન્ટ જાતે બિલ્ડ કરવાની ઈચ્છા થાય. ટીવી શોઝ જાતભાતના બનાવ્યા. 'હેરી પૉટર'થી 'લોર્ડ ઓફ ધ રિંગ્સ', 'સ્ટાર વોર્સ'થી 'બૅટમેન' જેવી ફિલ્મોને ડેડિકેટેડ લેગો ટોયઝની (જેમાં ચોકઠાં તો હોય પણ અલગ-અલગ આકાર, રંગ અને ક્સ્ટમાઇઝ સ્ટાઇલના, જેનાથી સૂચના મુજબ સુપરહીરોઝ, એનું શહેર એમના વ્હીકલ્સ બનાવી શકાય !). ટૂંકમાં સ્ક્રીન ટાઇમ સામે સીધી અને ગેરેન્ટીડ ફેઇલ્યોર જેવી ટક્કર લઇ મુકાબલો કરવાને બદલે, એને જ પોતાના પ્રચારનું હથિયાર બનાવી દેવામાં આવ્યું. એની પહોંચનો ઉપયોગ કરી પોતાનો ફેલાવો વધારવામાં આવ્યો!

ધેટ્સ એ ગુડ કેસ સ્ટડી. બટ નોટ ઈનફ. એક વધુ મજબૂત પાસું લેગો કંપનીએ મેઇન્ટેઇન રાખ્યું એ ટોપ ક્વોલિટીનું. ૩૦-૪૦ વર્ષ પહેલાની લેગો બ્રિક્સથી કોઇ આકાર બનાવી સાચવી રાખ્યો હોય તો આજે ય એવો ને એવો જ લાગે ! પહેલેથી જ લેગોએ સુપિરિયર ગ્રેડનું જ પ્લાસ્ટિક ઉપયોગમાં લીધેલું, જેથી બાળકોના આરોગ્યને હાનિ ન પહોંચે. એક્રિસોનાઇટ્રાઇસ બુટાડાઇન સ્ટીરીન નામથી ઓળખાતા થર્મોપ્લાસ્ટિક પોલીમરમાંથી બનતી બેગો બ્રિક્સથી વિશેષતા એ છે કે એ રંગ અને આકાર બંનેમાં ગજબનાક ટકાઉ છે.

૧૯૪૯ની બનેલી લેગો બ્રિક સાથે ૨૦૧૭માં બનેલી લેગો બ્રિક ફિટ કરો તો ય જોડાઇ જાય ! ૬૫૦૦ જાતની વેરાયટી આજે પ્રોડયુસ થાય છે પણ ૦.૦૪ મિમીથી વધુ ડિફરન્સ મેન્યુફેકચરિંગમાં ન આવે એટલી ઝીણવટભરી ચોકસાઇ મેઇન્ટેઇન કરવામાં આવે છે ! વાતાવરણની અસર પણ ન થાય એના પર ! આટલું પ્રિસિશન તો એપલ આઇફોનમાં રાખી શકતી નથી ! એનો ફાયદો એ કે વધુ બ્રિક્સ તમારી પાસે હોય તો વધુ નવું કે મોટું કશુંક તમે બિલ્ડ કરી શકો ! એટલે વર્ષોથી લેગોની પેટન્ટ એક્સપાયર થતાં સસ્તાં હૂબહૂ નકલ કરનારા હરીફો આવ્યા, પણ લેગો તો ય નંબર વન છે!

લેગોમાં એવું તો થયું જ છે. અમેરિકાના કેની નામના ચેમ્પીયન પર પોપ્યુલર મિકેનિક્સમાં સ્ટોરી આવેલી, જે આખી જીંદગી લેગોને જ સમર્પિત આર્ટિસ્ટ રહ્યો છે. હજારો લેગો પીસીઝમાંથી એ કાયમી ધોરણે સચવાય કે જાહેરમાં ડિસ્પ્લે થાય એવી કળાકૃતિઓ બનાવે છે. જાયન્ટ ડક, આઠ ફીટના હમિંગ બર્ડની રેપ્લિકા એવું બધું. લેગોની આ જ મજા છે. અલગ અલગ રંગના છ પીસ હોય તો ય એમાંથી ૯૦ કરોડ આકાર સંભાવનાના ગણિત મુજબ બની શકે ! એના દીવાનાઓ બચપણથી વળગેલી ચાહત છોડતા જ નથી. દીવાનગી ઝનૂન બની જાય છે. કંપની પણ અલગ અલગ ઉંમર માટેના સેટ હવે બનાવે છે. લેગોની લેટેસ્ટ રેન્જ કેવળ રેન્ડમ લંબચોરસ પીસીઝની નથી રહી.

ઈન્સ્ટ્રકશન બૂક / મેન્યુઅલ / સીડી / યુટયુબ વિડિયો મુજબ આખું શહેર તૈયાર કરી શકો, ફિલ્મો કે વાર્તાના પાત્રો અને એના ઘર કરી શકો (ન્યૂયોર્ક મેગેઝીનના રિપોર્ટ મુજબ ડીસીકોમિક્સ ગર્લ્સની લેટેસ્ટ સીરિઝ છે) બાઈક, પ્લેન, ગ્રહો, રેલવે વધું જ બનાવી શકો એવી રેડી ડિઝાઇન મુજબ કટ થયેલા અલગ અલગ પીસીઝને વ્હીલ્સ મળે. (કોઇ ટાયર ઉત્પાદક કંપની કરતાં વધુ સંખ્યામાં લેગો હવે મિનિ વ્હીલ્સ બનાવે છે!) ભેજાંબાજો વળી એના અવનવા ઉપયોગ કરી જૂદું જ કંઇક સર્જવાની ચેલેન્જ ઊઠાવે ! ઉસ્તાદો ૫,૯૨૨ બ્રિક્સમાંથી તાજમહેલ બનાવી ચૂક્યા છે ! ૫૩,૩૫,૨૦૦ બ્રિક્સમાંથી એક્સ વિંગ સ્ટારફાઇટર પ્લેન પણ બનાવી ચૂક્યા છે ! આવા ક્રિએશન લાખોમાં વેંચાય પણ છે!

આવો જાદૂઈ પ્રભાવ જગત મોબાઇલની સ્ક્રીન પર ચોંટીને સિનેમા થિએટરમાં ય કાગડા ઉડાડતું હોય ત્યારે? આગળ વર્ણવ્યા એ ત્રણ મેનેજમેન્ટ સોલ્યુશન્સ  :  મૂળ (કૉર) આત્માને વળગી રહેવું, પરિવર્તનના વિરોધને બદલે એ મુજબ બદલાઇને એની સાથે દોસ્તી કરવી અને ચુસ્ત ગુણવત્તા એકધારી જાળવી રાખવા ઉપરાંત પણ એક ઈન્વિઝિબલ રિઝન છે.

ડેન્માર્ક હેપિનેસ ઈન્ડેક્સ મુજબ દુનિયાનો સૌથી સુખી દેશ છે. (હવે ભૂતાન નથી). તોતિંગ ડેરીઉદ્યોગને લીધે નાનો હોવા છતાં ઈકોનોમીમાં સુપરપાવર છે. છતાં કોઇ ધાંધલધમાલ કે માથાકૂટ નથી. રેલવે સ્ટેશનોએ ટિકિટ કે પાસ સ્કેન કરવાની આડશ કે સ્કેનર પણ ન હોય ! તમે ટિકિટ લો, એ ભરોસો છે. નાગરિક પર શંકા શું કરવી ? રળિયામણો પણ ખરો !

અમેરિકાથી ચીન સુધી લેગોની ઓફિસીઝ છે, મેક્સિકોથી ચેકોસ્લોવાકિયા સુધી ફેકટરીઝ પણ છે. છતાં વર્લ્ડ હેડક્વાર્ટર એ જ પેલા ગામડામાં છે. બિલન્ડ. જેની આજે ય વસતિ ૬,૦૦૦ની માંડ છે. લોકો આરામ અને લહેરથી કોઇ ઉતાવળ વિના જીવે છે. મૂળ ફેકટરી તો આજે મ્યુઝિયમ બની ગઇ છે. ક્રિસ્ટન્સનનું જૂનું ઘર પણ મ્યુઝિયમ છે. બાજુમાં નવી ફેકટરી છે. જ્યાં મોટા ભાગના કારીગરો-કર્મચારીઓ તો બાજુના બીજા ગામોથી આવે છે. એકદમ શાંત, મોકળું, ખુલ્લું, કુદરતી વાતાવરણ. એવી શાંતિ કે જ્યાં તમારા શ્વાસનો અવાજ તમને સંભળાય!

સાવ પ્રાથમિક સ્ક્વેર એન્ડ ટયુબનો આકાર ધરાવતા અને છતાં મજબૂત લેગો પીસિઝ અને નવી નવી ડિઝાઇનના આઇડિયાઝ મૂળ અહીંથી જનરેટ થાય છે. અહીં મોટા ભાગના એવા લોકો છે, જેણે આખી જીંદગી લેગો બ્રિક્સ બનાવવાનું જ કામ કર્યું છે. એ બિલ્ડિંગ પણ દુનિયા પર રાજ કરવા ટટ્ટાર ઊભું હોય એવું સ્કાયક્રેપર ટાઇપનું કે ભપકાદાર નથી. સાદુંસીધું છે. અંદર પરિવારભાવનાથી બધા કામ કરે છે. બધે મેનેજમેન્ટના ૧૧ પેરોડોક્સીઝ લખેલા છે.

૧૯૬૩માં ક્રિસ્ટન્સનના વારસદાર દીકરાએ લેગોનું મિશન બનાવેલું  :  રમવાની અનંત શક્યતાઓ, છોકરા-છોકરી બંને માટે સરખા, દરેક ઉંમર માટે આનંદ, આખું વરસ ગમે ત્યાં રમી શકાય, શાંત અને તંદુરસ્ત રમત, વધુ કલાકો રમી શકાય, કલ્પના અને સર્જકતાનો વિકાસ થાય, વધુ એકઠાં કરો એમ વધુ મજા આવે, ક્વોલિટી સાવ સરખી રહે અને વધારાના સેટ્સ પણ મળે. આજે ય એનું પાલન થાય છે! બચપણમાં લેગોથી રમ્યા હોય, એવા કર્મચારીઓ જ મોટે ભાગે કંપનીમાં છે. હરીફાઇને બદલે ખુદમાં મસ્ત રહી કામ કરવાની ભાવના પ્રમોટ કરવામાં આવે છે.

લેગો કંપની એમઆઇટી - માસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી જેવી વર્લ્ડની નંબર વન ટેક યુનિવર્સિટીમાં નવા આઇડિયાઝ માટે ફંડ અને સ્પોન્સરશિપ આપે છે. વિવિધ ફાઉન્ડેશનની ચેરિટી પ્રોજેક્ટ કરે છે. ક્રિએટિવિટી માટેના હોબી સેન્ટર સ્પોન્સર કરે છે. સાયન્સ, રિસર્ચને સહાય આપે છે. નાના બાળકો માટે ડુપ્લો, મોટા માટે માઈન્ડસ્ટોર્સ (આર્કિટેકચર), છોકરીઓ માટે ફ્રેન્ડઝોન જેવી ૬૫૦૦ વરાયટી અવેલેબલ છે. ૨૦૧૪માં સાત વર્ષની છોકરીના પત્ર પરથી લેગો 'એન્જીનીઅરિંગ / મિકેનિક્સ'ની એટલે છોકરાઓની જ રમત છે, એવી છાપ ભૂંસવા પણ પ્રયત્ન થયા છે.

ઈન શૉર્ટ, લેગો કંપનીના મૂળ માલિકો - સ્ટાફ - હેડક્વાર્ટરમાં કશુંક એવું છે, જે કેવળ કોર્પોરેટ નથી. પેશન પ્લસ પ્લેઝરની હેપિનેસ એમાં રિફ્લેક્ટ થાય છે, અને ઈન્સ્ટન્ટ કનેકશનનું આજ સિક્રેટ છે !

લેગો કેમ મોબાઇલને હરાવી શકે છે, અને ટચસ્ક્રીનને બદલે ટબૂકડાંઓના હાથ એના પર ફરવા જરૃરી છે એનું સાયકોલોજીકલ રિઝન એન્ડ વિઝન પણ છે. અત્યારની લેગો ગેઇમ્સના અમુક વર્ઝનની એવી ટીકા ય થાય છે, કે આમાં તો બધી સૂચના છે જ. આમાં બાળક ઈમેજીનેટિવ ક્યાંથી બને ? પણ નિષ્ણાતોએ તારવેલા તારણો જુદા છે.

લેગો ગેઈમ એકચ્યુઅલી પ્રકૃતિના, સર્જનહારના અદ્રશ્ય સિદ્ધાંત સાથે ટયુનિંગ ધરાવે છે ! ભલે, કોમ્પ્યુટરની મદદથી અવનવી મૌલિક ડિઝાઇન્સ રચાય એના થ્રીડી આર્ટસ લેગોફેન્સ બનાવે, છેલ્લે તો સાવ પાયાની એવી કલરફૂલ સ્મોલ બ્રિક્સથી બધુ બનાવવાનું છે. જેમ અણુ-પરમાણુથી જ આ અવનવા આકાર-પ્રકારનો રંગીન સંસાર બન્યો છે એમ જ ! લેગો મૂવીમાં ય આ વાત હતી. એવરીવન ઇઝ માસ્ટર બિલ્ડર. બધા પાસે ક્રિએટિવ ઇમેજીનેશન બચપણમાં છે.

બધી સૂચનાઓનું પાલન કરશો તો મજૂર થઇ જશો. હાર્મોનિયમમાં જેમ પહેલા પ્રેકટિસ કરી ઇન્સ્ટ્રકશન મુજબ તાલીમ લેવી પડે અને પછી એના જ ઉપયોગથી અવનવી ઓરિજીનલ ક્રિએટિવ ધુનો ખુદ કમ્પોઝ થઇ શકે એવું કંઇક!

લેગો બ્રિક્સનો ઢગલો પડયો હોય બચ્ચાં સામે, એ અરાજકતા છે. એમાંથી એણે વ્યવસ્થા ઘડવાની છે. જંગલજીવનમાંથી માણસ નગરજીવનમાં આવ્યો એમ! આ 'કિક' માનવજાતના - ડીએનએમાં છે. ઇટ્સ ફ્રીડમ પ્લસ સ્ટ્રકચર. આઝાદી અને બંધારણનો અનોખો સમન્વય. આ વાત આખા બ્રહ્માંડમાં છે. સ્વતંત્રતા એકદમ મુક્ત કરે એવી, અને શક્તિ એમાંથી જ કશુંક નોખું-અનોખું- શાશ્વત ઘડવાની. ને ફરી એ વીંખવાની. ફરી ઘડવાની. પ્રલય અને નિર્માણ. અગાઉ ન થયું હોય એવું રચવાનું, જે અગાઉથી આપવામાં આવ્યું છે એવા સંસાધનોથી ! જોય ઓફ બિલ્ડિંગ, પ્રાઇડ ઓફ ક્રિએશન ઇઝ લેગો મંત્ર. લેગોથી બાળક રમે ત્યારે એને ય ઘણીવાર ખબર નથી કે શું અને કઈ રીતે બનવાનું છે. મતલબ, પોતાના માટેનું સિક્રેટ એ પોતે જ ઘડે છે!

લેગોની નકલો થાય છે. પેટન્ટ ફ્રી હોવા છતાં હવે કંપનીને એની બ્રાન્ડ ઇમેજે ટકાવી રાખી છે. પણ કંપની અને કસ્ટમર બંને પ્રોડકશનમાં ઇન્વોલ્વ રહે એવી યુટિલિટી કોન્સેપ્ટ છે. બાળકની ઇમેજીનેશન કશુંક રચીને એમાંથી આનંદ મેળવવાનો છે, પેરન્ટસની એમ્બિશન બાળકને એજયુકેટ કરી હોશિયાર બનાવવાની છે. લેગોમાં ઝાઝા- કોમ્પિલિકેટેડ સ્ટ્રકચર વિના બેઉનું કોમ્બિનેશન થાય છે ! ઇટ્સ ટોય ટુ પ્રિપેર ચાઇલ્ડ ફોર લાઇફ. એટલે મોબાઇલ કરતાં એ મોબાઇલ વાપરતા મા-બાપોને વધુ ગુણકારી, આયુર્વેદિક લાગે છે ! કીપ બિલ્ડિંગ ઇઝ પ્રૂફ ઓફ બીઇંગ. આપણે જ જાતે આપણું રહસ્ય રચીએ છીએ આવા રમકડાંઓથી, અને એ ય કોઇ ભાર વિના. રમતા રમતાં, હસતા હસતા. ધેટ્સ પ્લે!

ફાસ્ટ ફોરવર્ડ
'સ્વપ્નદ્રષ્ટા બનો, પણ પગ જમીન પર મજબૂત રાખો. આત્મવિશ્વાસ પ્રચંડ રાખો, પણ વર્તનમાં નમ્ર રહો. નેતૃત્વ લેતા શીખો, પણ જરૃર પડે બેકગ્રાઉન્ડમાં સરકી જાવ !' (લેગો કંપનીના મેનેજમેન્ટ પેરેડોક્સીઝમાંથી)

Post Comments