Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ વિશ્વનું પ્રથમ અણુયુદ્ધ નોતરશે

ઉત્તર કોરિયાએ સમગ્ર વિશ્વની દરકાર કર્યા વિના પોતાનો અણુશસ્ત્ર કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. એટલું જ નહીં તે અંગેની છડેચોક કબુલાત પણ કરી છે.

એક એક દિવસ વીતતો જાય છે તેમ અગ્નિ એશિયામાં અણુયુદ્ધ  ફાટી નીકળવાનો ડર વધતો જાય છે. છેલ્લા એક સપ્તાહથી  ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેની તંગદિલીમાં સતત  વધારો થઈ રહ્યો છે. ઉ.કોરિયાએ અમેરિકા પર પરમાણુ હુમલા સહિતની ઘાતકી સૈન્ય કાર્યવાહીને બહાલી આપી દીધી છે. તેનું કહેવું છે કે યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળશે   પરિણામે  અમેરિકાએ ઉત્તર કોરિયાની નજીક દરિયામાં  નૌકાદળની જમાવટ કરી દીધી છે.

છેલ્લા ઘણા સમયથી ઉત્તર કોરિયા અને અમેરિકા એકબીજાને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં  છે. તેમાંય  અમેરિકાએ કોરિયન દ્વીપ પર ત્રણ યુદ્ધ જહાજ મોકલતા પરમાણુ યુદ્ધનું જોખમ વધ્યું છે.

ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે અમેરિકાના આ કૃત્યોને કારણે પરમાણુ યુદ્ધ ક્યારે ફાટી નીકળશે તે કહેવું મુશ્કેલ છે. ઉત્તર કોરિયાના સંયુક્ત રાષ્ટ્ર ખાતેના રાજદૂત જા સોંગ નામે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટ્ટેરસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સંયુક્ત સૈન્ય કવાયતને કારણે કોરિયન દ્વીપમાં અત્યાર સુધીની સૌથી ખતરનાક સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તર કોરિયાના રાજદૂતે વધુમાં જણાવ્યું છે કે અમેરિકાએ બી-૫૨ સ્ટ્રેટેજિક બોમ્બર સક્રિય કરી દીધા છે. શીત યુદ્ધ દરમિયાન આ બોમ્બરનો ઉપયોેગ કરવામાં આવ્યો હતો.

ગયા સપ્તાહે  અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ કોરિયન  મહાદ્વીપમાં જબરદસ્ત યુદ્ધ કવાયત  હાથ ધરી હતી.  સેંકડો  ફાઈટર-બોમ્બર પ્લેનો અને બેઉ દેશનાં  આશરે ૨૦ ૦૦૦ થી વધુ સૈનિકોએ આ યુદ્ધ  અભ્યાસમાં   ભાગ લીધો હતો. આ  પ્રકારની  કાર્યવાહી યુદ્ધની પૂર્વ તૈયારીના ભાગરૃપે  પણ હોઈ શકે.

વાસ્તવમાં ઉત્તર કોરિયાને ડરાવવાના હેતુથી યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને દક્ષિણ કોરિયાએ   સંયુક્ત રીતે મિસાઇલ ટ્રેકિંગ ડ્રીલ શરૃ કરી છે   મિસાઇલને ટ્રેક કરીને તોડી પાડતી સિસ્ટમ 'ટર્મિનલ હાઇ ઑલ્ટિટયુડ એરિયા ડિફેન્સ'- થાડ નામે ઓળખાય છે. અમેરિકાએ દક્ષિણ કોરિયાની ધરતી પર આ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી છે, જેના કારણે ચીન ગુસ્સે થયું હતું. આ સિસ્ટમની શક્તિશાળી રડારની મદદથી અમેરિકા ચીની સમુદ્રમાં દૂર સુધી નજર કરી  શકે  છે.

બીજી તરફ અમેરિકાએ ચીન સહિતના દેશોને વ્યક્તિગત સંપર્ક કરીને અપીલ કરી હતી કે, ઉત્તર કોરિયાને પહોંચાડવામાં  આવતો ક્રૂડનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવે.  દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથે સંપર્ક ધરાવતી ૨૦ સંસ્થા પર આર્થિક પ્રતિબંધો લાદીને કિમ જોંગ ઉનના શાસનને ભીંસમાં લેવાની કોશિષ કરી છે.

ઉત્તર કોરિયાના મિસાઈલ હુમલાના ભયને ખાળવા માટે અમેરિકાએ પશ્વિમ કાંઠે લાંબી રેન્જની મિસાઈલ તૈનાત કરી દીધી છે. એટલું જ નહીં, હુમલો કરવા માટેની આખરી તૈયારીના ભાગરૃપે અમેરિકાએ એ મિસાઈલોની સમીક્ષા પણ શરૃ કરી દીધી છે.   તો  સામા પક્ષે   ઉત્તર કોરિયાએ આઈસીબીએમ  જેવી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. એ મિસાઈલ વૉશિંગ્ટન સુધી હુમલો કરવા સક્ષમ છે એવું કહીને ઉત્તર કોરિયાએ અમેરિકા ઉપર હુમલો કરવાની ધમકી આપી હતી.

આ ઘટનાના એક જ સપ્તાહમાં અમેરિકાએ વળતો જવાબ આપવા મિસાઈલો તૈનાત કરી દેતા બંને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. અત્રે એ જણાવી દઈએ  કે  થાડ નામની અમેરિકી મિસાઈલ સિસ્ટમ મધ્યમ રેન્જની મિસાઈલોને દૂરથી જ પારખીને ખતમ કરી શકે છે. વળી, એને તૈયાર કરતા ગણતરીના દિવસો જ લાગે છે. એટલે ઉત્તર કોરિયાની ધમકી પછી અમેરિકાએ ગણતરીની દિવસોમાં થાડની તૈનાતી કરી છે.

ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ યુદ્ધની ક્ષણો હવે નજીક આવી રહી છે. યુધ્ધ આજે, કાલે કે ગમે ત્યારે ફાટી નીકળે તેવી પૂરી શકયતા છે.તેમના મતે  વર્તમાન ગંભીર સ્થિતિની તમામ જવાબદારી અમેરિકી વહીવટી તંત્ર અને સૈન્યની છે.અમેરિકાએ ઉત્તર કોરિયાને ભીંસમાં લેવાનો  પેંતરો રચ્યો તે પાછળ કેટલાંક  કારણ છે.

ઉત્તર કોરિયાએ સમગ્ર વિશ્વની દરકાર કર્યા વિના પોતાનો અણુશસ્ત્ર કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. એટલું જ નહીં તે અંગેની છડેચોક કબુલાત પણ કરી છે. ઉત્તર કોરિયાએ સાથે એમ પણ દાવો કર્યો હતો કે અમે અમેરિકા જેટલો જ પરમાણુ સક્ષમ દેશ ઉત્તર કોરિયાને પણ બનાવી દીધો છે.

જો અમેરિકા પાસે વિશ્વના કોઇ પણ ખુણે જઇને હુમલો કરી શકે તેવા હથિયારો હોય તો હવે અમારી પાસે પણ છે. ઉત્તર કોરિયાના ટેલિવિઝન પ્રેઝેન્ટેટર રી ચુન હીએ જણાવ્યું હતું કે અગાઉ જે પરમાણુ પરિક્ષણમાં મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી આ વધુ સોફેસ્ટિકેટેડ છે. આ સિસ્ટમને આસીબીએમ વોસોંગ-૧૫ તરીકે ઓળખવામા આવે છે. મિસાઇલ ૪,૪૭૫ કિમી  સુધી પહોંચી હતી.

આ મિસાઇલની ક્ષમતા આશરે ૧૩,૦૦૦ કિમી છે. જે ઉત્તર કોરિયાથી છોડવામાં આવે તો અમેરિકા જઇને પડે તેટલી ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલને ઉત્તર  કોરિયાના સૈન નીમાંથી છોડવામાં આવી હતી અને તે જાપાનના સમુદ્રમાં જઇને પડી હતી. આ વિસ્તાર જાપાનનો ઇકોનોમિક ઝોન છે.  આ પરિક્ષણ ત્યારે સામે આવી રહ્યું છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા પર પરિક્ષણ ન કરવા દબાણ વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાને ટ્રમ્પને ખુલ્લો પડકાર પણ ફેક્યો છે.

દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના  વડા  પ્રધાન આબે સાથે આ મામલે હવે શું કરવું જોઇએ તેને લઇને રણનીતી નક્કી કરવા એક બેઠક બોલાવી હતી. આ ઉપરાંત અમેરિકાએ ઉત્તર કોરિયાને સ્ટેટ સ્પોન્સર ટેરેરિઝ્મ ફેલાવનારો દેશ પણ ગણાવ્યો હતો. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટીસે જણાવ્યું હતું કે અગાઉ જેટલી પણ મિસાઇલોનંુ પરિક્ષણ થયું છે તેનાથી આ વધુ ઉંચાઇ પર જવા સક્ષમ મિસાઇલ છે. જે પુરા વિશ્વ માટે ખતરા સમાન છે. 

તેથી અમેરિકા વધુ અસ્વસ્થ છે. મજાની વાત એ છે કે, ઉત્તર કોરિયાને તેના અણુશસ્ત્ર કાર્યક્રમમાં પાકિસ્તાન દ્વારા સહાય કરવામાં આવી છે. આ બાબત પણ અમેરિકાને રૃચી નથી. તેની કરડી નજર પાકિસ્તાન ઉપર તો છે જ. છતાં પાકિસ્તાનને ઠેકાણે પાડવાનું હાલમાં અમેરિકાની દક્ષિણ એશિયા સંબંધિત વિદેશ નીતિમાં બંધબેસતું નથી. તેથી તેણે સૌપ્રથમ ઉત્તર કોરિયા તરફ પોતાની કરડી નજર દોડાવી છે.

અમેરિકાને ભય છે કે, ઉત્તર કોરિયા તેના અણુ શસ્ત્રોનો દક્ષિણ કોરિયા, જાપાન, અને તેની પોતાની સામે પણ ઉપયોગ કરી શકે એમ છે.

મૂળ તો ઉત્તર કોરિયા સતત યુદ્ધના ઓથાર હેઠળ જીવી રહ્યું છે.  ઈ.સ. ૧૯૫૦થી ૧૯૫૩ સુધી ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે  ચાલેલા યુદ્ધમાં બને બાજુના મળીને ૨૦ લાખ સૈનિકેો અને ૨૦ લાખ નાગરિકોે માર્યા ગયેલા. ઉત્તર કોરિયા પર ત્યારે જ  સ્તાલિનવાદી કિમ ઈલ સુંગનું શાસન હતું  હાલ  ૨૯ વર્ષના કિમ જોંગ-ઉન સર્વસત્તાધીશ છે.

તેઓ થોડાં અકડું અને આક્રમક છે. પરિણામે ફરી પાછી યુદ્ધસ્થિતિ ઊભી થવા પામી છે.  અમેરિકન  જાસૂસી સંસ્થા સીઆઈએના જણાવ્યા  પ્રમાણે , ઉત્તર કોરિયા પાસે  કમમાં કમ  ૨૦૦થી  વધુ  અણુબોમ્બ તૈયાર છે અને તેણે સંતાડેલા પ્લુટોનિયમ વડે વધુ બોમ્બ બનાવી શકે છે. 

યુ.એસ.  પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પે  ચેતવણી ઉચ્ચારી છે કે નોર્થ કોરિયા કોઈ દુું : સાહસ કરશે તો તેનો ટીંબો કરી નંખાશે.  ઉત્તર કોરિયાએ ધમકી ને પણ ઘોળીને પી જઈ જાહેરાત કરી છે કે જો અમેરિકા એવું કશું પગલું ભરશે તોે ઉત્તર કોરિયા તેને  યુદ્ધકૃત્ય માનીને આગળ વધશે. એના આ પડકારથી વધુમાં વધુ ગભરાયાં હોય તો દક્ષિણ કોરિયાં અને પડોેશી દેશ જાપાન.

ઉત્તર કોરિયાને વેપારી પ્રતિબંધોની  તો કશી અસર થાય તેમ નથી. કેમ કે તેને જોઈતું  બધું ચીન, તાઈવાન અને હોંગકોંગમાંથી મળી રહે તેમ છે. તેમાં  યે ચીન તો ઉત્તર કોરિયાનું પુરાણુ મિત્ર હોઈને અમેરિકાએ લેવા ધારેલા પગલામાં તે ને કેટલો  સાથ આપશે તે સવાલ છે.

અમેરિકાનો ૮૦ ટકા લોકમત ઉત્તર કોરિયા પર આર્થિક   પ્રતિબંધો લાદવાના પક્ષે છે, જ્યારે ૪૦ થી ૪૬ ટકા એવો મત ધરાવે છે કે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઉત્તર કોરિયા સામે લશ્કરી પગલાં લેવાં, કેમ કે તે દક્ષિણ કોેરિયા અને જાપાન માટે ભયરૃપ  છે જ, પરંતુ પાકિસ્તાન ઈરાન અને લિબિયા જેવા દેશોને પણ ભવિષ્યમાં અણુબોમ્બ પૂરા પાડવાની સ્થિતિમાં છે.

યુદ્ધનું વાતાવરણ એવું ગોરંભાયું છે કે પોતે ઉત્તર કોરિયાના આક્રમણનો ભોગ બનવાના ભયે  દ. કોરિયાએ લશ્કરને ખડે પગે રાખ્યું છે.  દક્ષિણ કોરિયાની જેમ જાપાનના પણ તમામ શહેર ઉત્તર કોરિયાના રોદોંગ-૧ પ્રક્ષેપાસ્ત્રોના નિશાનની   કક્ષામાં આવી જાય છે.

નોર્થ કોરિયાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ સત્તાવાર રીતે નિવેદન કર્યું હતું કે, ''અમારા આક્રમણને કોઈ મર્યાદા નડતી નથી. અમે તેમના (અમેરિકાના) દુનિયામાં આવેલા કોઈપણ થાણાં પર ત્રાટકી શકવા  સમર્થ  છીએ. અમારી પાસે લાંબા અંતર સુધી જઈ શકતા મિસાઈલ  છે જેના વડે  અમે દૂર રહેલાં શત્રુને સબક શીખવી શકીએ છીએ.''

ઉત્તર કોરિયા વિરૃદ્ધ કાર્યવાહી માટે અમેરિકાએ આક્રામક પ્લાન તૈયાર કર્યો છે. આ દરમિયાન ઉ. કોરિયાના પરમાણુ હથિયારો કેવી રીતે જપ્ત કરવા  તેની   યોજના ઘડાઇ ચુકી છે. આગામી દિવસોમાં ગમે ત્યારે અમેરિકા હુમલો કરીને ઉ. કોરિયાના જે પણ પરમાણુ હથિયારો છે તેના પર કબજો કરી શકે છે.

જો અમેરિકાના સૈન્ય દ્વારા ઉ. કોરિયા પર હુમલો કરવામાં આવે તો અમેરિકાની સામે સૌથી મોટો ખતરો ઉ. કોરિયાના પરમાણું હથિયારો છે. તેથી હુમલા સમયે સૌથી પહેલા અમેરિકાની ગણતરી આ હથિયારોને જપ્ત કરવાની રહેશે. અને આ માટે એક વિશેષ નિષ્ણાંતોની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે જેણે આ માટેનો પ્લાન ઘડી કાઢ્યો છે.

એટલું જ નહીં અમેરિકાએ ધમકી આપતા કહ્યું છે કે, અમે આખા ઉત્તર કોરિયાનો સર્વનાશ કરી નાંખીશું. આ સાથે અમે વિશ્વના બધા જ દેશોને ઉત્તર કોરિયા સાથેના આર્થિક સંબંધ તોડી નાંખવાની પણ અપીલ કરીએ છીએ.

ઉત્તર કોરિયાએ મિસાઇલ પરીક્ષણ કર્યા પછી યુએન સિક્યોરિટી કાઉન્સિલે બોલાવેલી ઇમર્જન્સી મીટિંગમાં યુએસના યુએન સ્થિત રાજદૂત નિકી હેલીએ કહ્યું હતું કે, ઉત્તર કોરિયાના કારણે વિશ્વ યુદ્ધની શક્યતાઓ ઝડપથી નજીક આવી રહી છે. યુએનમાં હેલીએ  તેની  દેશોને અપીલ કરી હતી કે, હવે ઉત્તર કોરિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો મૂકવાનો સમય આવી ગયો છે. વિશ્વ ઉત્તર કોરિયાને એકલું નહીં પાડે તો વિશ્વ યુદ્ધ નક્કી છે. વ્હાઈટ હાઉસે પણ ઉત્તર કોરિયાને સૌથી મોટું જોખમ ગણાવીને આકરા આર્થિક પ્રતિબંધો મૂકવાની માંગ કરી હતી.

જો કે કિમ જોંગ પાક્કો સામ્યવાદી છે. તેના રાજમાં સુખી કરતા દુ:ખી લોકોની સંખ્યા વધારે છે. ઉત્તર કોરિયાના અઢી કરોડ લોકોમાંથી કોઈ પોતાનો ધર્મ પાળી શકતું નથી. કિમે દરેક ધર્મ પર પ્રતિબંધ મૂક્યો છે.  શ્રધ્ધાળુ ખ્રિસ્તીઓ કિમના ત્રાસથી કંટાળીને ચીન નાસી જાય છે. પણ ચીનાઓ તેમને પાછા ધકેલી દે છે. આ અભાગિયાઓને કિમ ફાંસીના માંચડે લટકાવી દે છે.

અઢી કરોડની વસતિમાં ૧૨ લાખ સૈનિકો છે. સૈન્ય બધું કિમના પડખે છે. પણ આટલું તોતિંગ લશ્કર નિભાવવાના કારણે ઉ. કોરિયા દેવાળિયું થઈ ગયું છે ભૂખમરો વ્યાપક છે.  અધૂરામાં પુૂરું વારંવારના દુકાળે  પ્રજાની કમર ભાંગી નાખી છે. કિમે પાટનગર  પ્યોંગ પ્યોંગને આધુનિક શહેરમાં ભલે  પલટી નાખ્યું હોય પણ ત્યાંના લોકોનું જીવન કારખાનામાં કામ કરતા ગુલામો કરતાં  વિશેષ નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની એક ખાદ્યસંસ્થા દર મહિને સેંકડો  ટન  અનાજ કોરિયાના  ગરીબોમાં  વિતરીત કરે છે. પણ તાજેતરની યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે રાષ્ટ્રસંઘના વહાણો કોરિયાના બંદરે જઈ શક્યા નથી. છતાં  ધૂની કિમને કશાની પડી નથી.

કિમ પાસે બાર લાખ સૈનિકો ઉપરાંત ૩,૦૦૦ રણગાડીઓ છે. ૨૨ સબમરીન પણ છે. ૫૦૦ યુદ્ધ વિમાનો છે. સ્કડ-સી અને નાડોંગ વન પ્રકારના મિસાઈલ્સ  કેટલા છે એની માહિતી નથી. તાઓપોડોંગ વન મિસાઈલ છેક  જાપાન સુધી ત્રાટકી શકે છે. ઉત્તર કોરિયાનું નંબર વન દુશ્મન જાપાન છે. ૧૯૧૦માં જાપાને સંયુક્ત કોેરિયા પચાવી  પાડયું હતું.

ત્યાર પછી  બીજા વિશ્વયુદ્ધની સમાપના ટાણે મિત્ર દેશોએ જાપાનને  કોરિયા છોેડવાની ફરજ પાડી. ઉત્તર વિભાગનો  કબજો રશિયાએ લીધો ને દક્ષિણનો પ્રદેશ અમેરિકાએ પોતાની પાસે રાખ્યો. અમેરિકા અને રશિયાની  ત્યાર પછીની દુશ્મનાવટે બે કોરિયાને એક ન થવા દીધા. આજે બંને કોરિયા કટ્ટર દુશ્મન છે.

દક્ષિણ કોરિયા અને જાપાનને અમેરિકાએ પોતાના લશ્કરી થાણા બનાવ્યા છે. દ. કોરિયામાં ૩૭,૦૦૦ અમેરિકન  સૈનિકો છે. દ. કોરિયાનું લશ્કર. ઉત્તર કોરિયા કરતા અડધા કદનું છે. અમેરિકાએ દ. કોરિયામાં ૯૦ યુદ્ધ વિમાનો રાખ્યા છે.

જાપાન જો  કોઈપણ પ્રતિબંધમાં અમેરિકાના સાથ આપે તો ઉત્તર કોરિયાએ યુદ્ધની ધમકી તો ઉચ્ચારેલી જ છે. ઉત્તર કોરિયાના પ્રમુખને લાગે છે કે અમેરિકાએ પોતે  સર્જેલા રાષ્ટ્રને ખેદાનમેદાન કરવાને કેડ કસી છે, પરિણામે તે હાલની વોશિંગ્ટન - શિઉલ-ટોકિયો ધરીને કોઈપણ રીતે તોડવા માગે છે.

અમેરિકા ઉત્તર કોરિયા પર અણુબોમ્બ ફેંકે અથવા તેનાં અણુમથકો પર બોમ્બમારો કરે તો તેનું ખંડિયું મિત્ર સાઉથ કોરિયા પણ કિરણોત્સર્ગની ઝપટમાં આવી જાય. ઉત્તર કોરિયા પાસે રાસાયણિકશસ્ત્રો છે, સંભવત: જૈવિકશસ્ત્રો અને ઘણાં  અણુબોમ્બ પણ છે.

સાઉથ કોરિયાની રાજધાની સોલ (સિઉલ)  સરહદથી માત્ર ૩૫ માઈલ દૂર છે. યુધ્ધ થાય તો ઉત્તર કોરિયા અમેરિકાના મિત્ર અને  આશ્રિત સાઉથ કોરિયાને બહુ ઝડપથી જબરદસ્ત ફટકો મારી શકે. ચીન, રશિયા, જપાન અને ખુદ સાઉથ કોરિયા પણ ઉત્તર કોરિયા સામે યુધ્ધ કે આર્થિક પ્રતિબંધોને ટેકો આપતાં નથી, કળથી કામ લેવાય એવું ઈચ્છે છે. સંભવત: અમેરિકા પોતે પણ અણુ વિગ્રહ છેડવા  નથી ઈચ્છતું.

ઉત્તર કોરિયા પાસે યુરેનિયમની ખાણો છે. જેમાંથી પ્રક્રિયા કરી શકાય એવી ગુણવત્તા ધરાવતું ૪૦ લાખ ટન યુરેનિયમ તેજ વેળાએ તેને આ ખાણોમાંથી મળી આવ્યું હતું. આ યુરેનિયમને પાકિસ્તાનના રૃપમાં એક સારો ગ્રાહક સાંપડયો હતો. ઉત્તર કોરિયાએ તે વેળાએ પાકિસ્તાનને મિસાઈલ્સ વેચ્યા. પરંતુ આ મિસાઈલોની કિંમત ચૂકવી શકાય એટલા નાણાં ત્યારે પાકિસ્તાન પાસે ન હતા. તેથી બાર્ટર પદ્ધતિના આધારે પાકિસ્તાને સોદો કર્યો કે અમે તમને અણુ શસ્ત્રો બનાવવાની ટેકનોલોજી આપીશું તેના બદલામાં તમારે અમને મિસાઈલો આપવા.

હાન્સ બ્લીક્સની સંહારક શસ્ત્રવિષયક સર્વેક્ષણ ટુકડીએ ઇરાક પાસે રાસાયણીક શસ્ત્રો અને જૈવીક શસ્ત્રો ન હોવાનું જણાવ્યું હોવા છતાં ઇરાક પાસે જૈવીક અને રાસાયણીક શસ્ત્રો છે જ એવો નાદ દાખવીને એરિકાએ ઇરાક ઉપર યુધ્ધ લાદીને તેને ખોખરું કરી નાખ્યું હતું. બસ આજ રીતે અમેરિકા ઉત્તર કોરિયાને ખોખરું કરવાના મૂડમાં છે. ઉત્તર કોરિયાના કેસમાં પણ અમેરિકાનું મંતવ્ય એવું છે કે તેની પાસે સામુહિક વિનાશ વેરી શકે એવા અણુશસ્ત્રો છે.

ઉત્તર કોરિયાએ જૈવીક શસ્ત્ર કરાર ઉપર હસ્તાક્ષરો કર્યા છે. રાસાયણીક શસ્ત્રોના ઉત્પાદનમાં ઉત્તર કોરિયા પાછળ નથી. તેની પાસે આજે સાત હજાર ટન કરતાં વધુ જૈવીક અને રાસાયણીક શસ્ત્રો છે. ઉત્તર કોરિયાએ પાકિસ્તાનને પણ જૈવીક અને રાસાયણિક શસ્ત્રો આપ્યા હોવાની શક્યતા વિશ્વભરમાં વ્યક્ત કરાઈ રહી છે.

ઉત્તર કોરિયાના અણુશક્તિના ઉત્પાદન પાછળના પ્રયોજનને અમેકિાએ એક શત્રુકૃત્ય માની  લઈને પોેતાના પેટ્રિયટ પ્રક્ષેપાસ્ત્રો  દક્ષિણ   કોરિયામાં ગોઠવી રાખ્યા  છે. એટલું જ નહિ પણ અત્યારે દક્ષિણ કોરિયામાં મૂકેલા પોતાના ૩૭,૦૦૦ સૈન્યોની સંખ્યામાં પણ વધારો કરવા માગે છે. ઈ. ૧૯૫૩માં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના યુદ્ધનો અંત આણતી વખતે ત્યારના અમેકિાના પ્રમુખ આઈઝનહોવરે ચીન તેમ જ ઉત્તર કોરિયા બંનેને કહેલું કે યુદ્ધનો અંત આણવા માટે પોતે અણુબોમ્બ વાપરતાં પણ નહિ અચકાય.

અત્યારે તો ડોનાલ્ડ  ટ્રમ્પની   સ્થિતિ  સાપે  છછુંદર ગળ્યા જેવી છે. અણુશક્તિના બિનપ્રસારણ અંગે પણ વિશ્વભરમાં તે એકમતી સાધી શકેલ નથી  જો ઉત્તર કોરિયા તેની અવગણના કશે તો જાપાન અને દક્ષિણ કોરિયા પણ અણુશસ્ત્રોનું ઉત્પાદન હાથ નહિ ધરે?  તેમાં યે જાપાન તો  એટલું શક્તિશાળી છે કે તેને અણુબોમ્બ બનાવતા કોેરિયા કરતાં માંડ અડધૅો સમય લાગે તેમ છે અને તેમણે જો અણુબોમ્બનું ઉત્પાદન શરૃ કર્યું   તો એશિયાનો કયો દેશ એ દોટમાં પાછળ રહેશે?

ઉત્તર કોરિયા ભલે  ગમે    તે વલણ અખત્યાર કરે. પરંતુ હાલના અમરિકી નેતૃત્વનું વલણ સ્પષ્ટ છે કે પ્રથમ કોઈ પણ દેશ સામે હળવાશપૂર્વક પગલા લેવાનું નાટક કરવું. તેમાં યુનોને પણ સાંકળવું અને પછી યુનોની અને સમગ્ર વિશ્વની પરવા કર્યા વિના સંબંધિત દેશનો પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ટીંબો કરી નાખવો. ઉત્તર કોરિયાની જરા સરખી ગુસ્તાખી એને તો ભારે પડશે જ પરંતુ પૂર્વ એશિયામાં અણુવિગ્રહનો પલીતો ચંપાશે એ વાત અકળાવનારી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments