For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ભાજપ જેવી જ અપનાવેલી રણનીતિ કામ કરી ગઇ..' ગુજરાતમાં મતદાન બાદ ક્ષત્રિયોનો મોટો દાવો

Updated: May 8th, 2024

'ભાજપ જેવી જ અપનાવેલી રણનીતિ કામ કરી ગઇ..' ગુજરાતમાં મતદાન બાદ ક્ષત્રિયોનો મોટો દાવો

Lok Sabha Elections 2024 | નોંધપાત્ર ક્ષત્રિય મતદારો ધરાવતી અને 'ગોહિલવાડ' તરીકે પ્રખ્યાત ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય આંદોલનની સીધી અસર જોવા મળી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ કરેલી વિવાદીત ટિપ્પણી બાદ રાજ્યવ્યાપી શરૂ થયેલાં વિરોધ પ્રદર્શન, સંમેલન-રેલીમાં ભાવનગરની હાજરી નોંધપાત્ર જોવા મળી હતી. જો કે, અંદાજે ત્રણેક સપ્તાહ પૂર્વે શરૂ થયેલાં આ આંદોલનની અસર આજે મતદાનના દિવસે પણ જોવા મળી હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂધ્ધ મતદાનની કરેલી જાહેરાતનાં પગલે આજે સવારથી સંભવતઃ તમામ બૂથ પર એક જ પ્રશ્ન સાથેની ચર્ચા ચાલી રહી હતી કે બૂથમાં ક્ષત્રિય મતદારો કેટલા? મત કેટલા પડયાં?


ભાજપ વિરૂધ્ધ મતદાનની જાહેરાતના પગલે ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારોમાં આજે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી હતી. ભાવનગર શહેર કક્ષાએ કાળિયાબીડ તથા આસપાસના વિસ્તારોમાં આવેલાં બૂથમાં સવારના સુમારે કતારો જોવા મળી હતી. જોકે બપોર બાદ અહીં બુથ પર નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું. એ જ રીતે શહેરનાં મિલેટ્રી સોસાયટી, ગણેશનગર, બોરતળાવ, નિર્મળનગર વિસ્તારોમાં આવેલા બૂથમાં પણ આવાં જ સિનારિયો જોવા મળ્યો હતો. એ જ રીતે જિલ્લાના દરિયાકાંઠે આવેલાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારનાં સમયે બૂથ પર લોકોની કતાર જોવા મળ્યાના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારોમાં ક્ષત્રિય જ્ઞાાતિની સંખ્યા નોંધપાત્ર છે. 

જો કે, દિવસના અંતે એવી વિગત પણ પ્રકાશમાં આવી રહી છે કે, ભાજપ વિરૂધ્ધ મતદાનની જાહેરાતને સફળ બનાવવા માટે ક્ષત્રિય સમાજના યુવાનોએ બૂથ કક્ષાએ માઈક્રો મેનેજમેન્ટ કર્યું હતું. જેમાં મહદઅંશે સફળતા પણ મળી હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી રહી છે. જો કે, આ આખીય ઘટના પર પોલીસ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ વોચ રાખી હતી. નિર્વિઘ્ને અને કોઈ અનિચ્છનિય બનાવ વગર મતદાન પૂર્ણ થતાં તમામે રાહત અનુભવી હતી. 

Gujarat