For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં સીએમ કેજરીવાલ નિષ્ફળ

Updated: May 8th, 2024

સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં સીએમ કેજરીવાલ નિષ્ફળ

- કેજરીવાલને વચગાળાના જામીન આપવા સુપ્રીમની વિચારણા

- સાંસદો સામે પાંચ હજારથી વધુ કેસ પેન્ડિંગ છે, પ્રચાર માટે બધા જામીન માગશે તો શું સ્થિતિ સર્જાશે : ઈડીનો સવાલ

નવી દિલ્હી : દિલ્હીમાં દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમમાં સુનાવણી પૂરી થઈ શકી નહીં. આથી કોર્ટે વચગાળાનો ચૂકાદો આપવાનું ટાળતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુપ્રીમમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં નિષ્ફળ ગયા હતા. આ કેસમાં કેજરીવાલને વચગાળાની રાહત આપતા જામન આપવામાં તેમણે મુખ્યમંત્રીપદે રહેવું કે કેમ તે મોટો સવાલ છે. આ અસાધારણ સ્થિતિ છે તેમ બેન્ચે જણાવ્યું હતું.

ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેઓ રીઢા ગુનેગાર નથી. તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમને વચગાળાના જામીન આપવા અંગે વિચારણા કરી શકાય છે. જોકે, બેન્ચે ઉમેર્યું કે, કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવે તો તેમને મુખ્યમંત્રી તરીકેની ફરજોનું પાલન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, કારણ કે તેનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. બેન્ચે કહ્યું કે, અમે ગુરુવારે ૯ મેના રોજ અથવા આગામી સપ્તાહે આ કેસમાં વધુ સુનાવણી કરીશું. 

જોકે, ઈડીએ એમ કહીને વચગાળા જામીનનો વિરોધ કર્યો હતો કે, નેતાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં. કેજરીવાલને જામીનનો પૂરજોર વિરોધ કરતા ઈડીએ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીને જામીન આપવામાં આવશે તો ખોટું ઉદાહરણ સ્થાપિત થશે. દરેક આરોપીઓ જામીન માગવા લાગશે.

સુનાવણી દરમિયાન બેન્ચે કેજરીવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને સવાલ કર્યો કે વચગાળાના જામીન આપવામાં આવે તો શું કેજરીવાલ મુખ્યમંત્રી ઓફિસમાં હાજર રહેશે? ફાઈલો પર હસ્તાક્ષર કરશે? અને અન્યોને નિર્દેશ આપશે? જવાબમાં સિંઘવીએ કહ્યું કે તેઓ વર્તમાન મુખ્યમંત્રી છે. જોકે, તેઓ દારૂ નીતિના કેસોમાં કોઈ દખલ નહીં કરે.

આ અંગે બેન્ચે કહ્યું કે આપના વડાને મુક્ત કરવા અંગે નિર્ણય કરવામાં આવે તો અમે સ્પષ્ટ છીએ કે અમે નથી ઈચ્છતા કે કેજરીવાલ મુખ્યંમત્રી તરીકેની ફરજોનું પાલન કરે, કારણ કે તેનાથી હિતોનો સંઘર્ષ થઈ શકે છે. અમે સરકારના કામમાં જરાપણ હસ્તક્ષેપ કરવા માગતા નથી. તમે મુખ્યમંત્રીપદે રહેવા માગો છો એ તમારી મરજી છે. અત્યારે સવાલ કાયદેસરતાનો નથી, ઔચિત્યનો છે. અમે માત્ર ચૂંટણીના કારણે વચગાળાના જામીન આપવા અંગે વિચાર કરી રહ્યા છીએ. અન્યથા અમે જામીન અંગે જરા પણ વિચાર કર્યો ના હતો.

બેન્ચે કહ્યું કે, તેઓ જામીન સંબંધી દલીલો સાંભળશે, કારણ કે કેજરીવાલ દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી છે અને તેમને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવાની જરૂર છે. આ એક અસાધારણ સ્થિતિ છે. ચૂંટણી પાંચ વર્ષમાં એક વખત આવે છે. આ કંઈ પાકની લણણી કરવા જેવી વાત નથી કે દર ચાર મહિને આવે.

જોકે, ઈડીએ કેજરીવાલના જામીનનો વિરોધ કરતા કહ્યું કે, શું એક નેતાને સામાન્ય માણસની સરખામણીમાં વિશેષ સુવિધા આપી શકાય? અત્યારે સમગ્ર દેશમાં મની લોન્ડરિંગના કેસોમાં સાંસદો સહિત ૫,૦૦૦થી વધુ કેસ પેન્ડિંગ છે. તેઓ બધા કહે કે તેઓ પ્રચાર કરવા માગે છે તો શું સ્થિતિ થશે? છ મહિનામાં ઈડીએ કેજરીવાલને ૯ સમન્સ પાઠવ્યા હતા. સમયની પસંદગી માટે ઈડીને દોષિત ઠેરવી શકાય નહીં.

એક્સાઈઝ કૌભાંડ : કેજરીવાલ, સિસોદિયા, કવિતાની કસ્ટડી લંબાવી

દિલ્હીમાં રદ કરી દેવાયેલી નવી દારૂ નીતિના કથિત કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના પક્ષ આમ આદમી પાર્ટીના સાથી નેતા મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી છે. સીબીઆઈ અને ઈડી બાબતોની કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કથિત કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની કસ્ટડી ૨૦ મે સુધી લંબાવી છે. 

વધુમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ન્યાયાધીશે મનીષ સિસોદિયાના જામીન ૧૫ મે સુધી લંબાવ્યા છે. દરમિયાન મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાના જામીન ૧૪ મે સુધી લંબાવ્યા છે.

Gujarat