Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

ત્રાસવાદનો સફાયો કરવા શ્રીલંકાને 'ગુરૃ' બનાઓ

તમિળ મુક્તિ વ્યાઘ્રો અને પ્રભાકરનનો સફાયો શ્રીલંકાએ કર્યો ત્યારે તમિળનાડુમાં શોક મનાવાયો હતો

મોદી.. મોદીના નારા બંધ કરીને વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન દોરવું જરૃરી છે; ભારતના જવાનોની જીંદગી રાજકીય નામર્દાઇના કારણે જાય એ કેવું ?

મોદી.. મોદીના નારા બંધ કરીને સાચી સ્થિતિ તરફ જોવાની જરૃર છે. મોદી બધે જીત્યા હવે તેમને દેશની સળગતી સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો સમય આવી ગયો છે. પોલી સરહદો અને નબળા નેતાઓએ દેશના શાંત લોકોને પણ વધુ એગ્રેસીવ બનાવ્યા છે. કાશ્મીર સરહદે જ્યારે બે જવાનોનો શિરચ્છેદ કરાય ત્યારે જીનીવા કરારની વાતો કરતી સરકારને શું કહેવું ?

વડાપ્રધાન જવાહરલાલ નહેરૃએ શાંતિના કબુતર ઉડાવ્યા હતા પરંતુ તેમની દીકરી ઈન્દિરા ગાંધીએ તો ખાલિસ્તાનવાસીઓનો સફાયો બોલાવ્યો હતો. અલગ ખાલિસ્તાનની માગણી કરનારાઓને મારી-મારીને ભગાડી દીધા હતા.

'૫૬'ની છાતીવાળાના ઘરમાં આવીને દુશ્મનો જવાનોના શરીર છુંદી નાખે છતાં સરકાર મૌન રહે એ કેવું ? સરકાર એટલે નરેન્દ્ર મોદી એમ સમજવું !!

ત્રાસવાદ અને નકસલવાદ બંનેના હુમલા વધ્યા છે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદને સ્થાનિક લોકો ટેકો આપે છે તો નકસલવાદને ઊંડાણમાં આવેલા ગામો ટેકો આપે છે. નકસલવાદને તો જંગલો ફરતે ઘેરો ઘાલીને ભીંસમાં લઇ શકાય છે પરંતુ સરકાર સમાધાનની વાતો કરવામાંથી ઊચી નથી આવતી. ઓલા લોકો હિંસાચાર ચાલુ રાખે છે અને સરકાર તેમને સરંડર થવાના મોકા આપ્યા કરે છે.

ખરેખર તો સલામતી અને નકસલવાદની સફાઇને ગંગા સફાઇ સાથે સરખાવવી જોઇએ. ૨૦૨૦ના ભારતના સપનાં જોવાને બદલે વર્તમાન સ્થિતિની સમસ્યાનો નિકાલ કરવાની જરૃર..

કાશ્મીર હાથમાંથી ગયું છે એમ ડાબેરી વિચારધારા વાળા અને નકસલી વિચારને ટેકો આપનારા કેટલાક લલ્લુઓ કહે છે કેમ કે સૌથી વધુ હાઇલાઇટ કાશ્મીરની ઘટનાઓને મળે છે.

'૫૬'ની છાતીવાળી વાતો કરનારા વડાપ્રધાન મોદી કોની શરમ ભરે છે તે તપાસનો વિષય છે. સ્પષ્ટ બહુમતીવાળી સરકાર એક પછી એક રાજ્યો સર કરે છે પણ કાશ્મીરના લોકોના દિલ જીતી શકતી નથી. જમ્મુ-કાશ્મીરના ૨૫ જિલ્લામાંથી માત્ર પાંચ જિલ્લા હિંસક તોફાનો કરે છે. આ પાંચ જિલ્લા ફરતે  પણ ભરડો લેવાનું કોઇ વિચારતું નથી.

આપણો પાડોશી નફ્ફટ છે એવું સાંભળી - સાંભળીને ભારતના લોકોના કાન પાકી ગયા છે. આખીર કબ તક... એવું  દરેક પૂછી રહ્યા છે. આપણે સેક્યુલર - નોન સેક્યુલરના વિવાદમાંથી બહાર આવતા નથી અને હુમલો થાય ત્યારે પાકિસ્તાન મુર્દાબાદની ચીસો  પાડીને સુઇ જઇએ છીએ.

શ્રીલંકામાં તમિળ મુક્તિ વ્યાઘ્રોનો હિંસાચાર એટલો ઝનૂની હતો કે વ્યાઘ્રોના લીડર પ્રભાકરનનું નામ વિશ્વમાં ચર્ચાતું હતું. ઓસામા બીન લાદેન કે હાફીઝ સઇદ જેવું આ નામ હતું. શ્રીલંકાના તમિળ મુક્તિ વ્યાઘ્રોને સીધો અને આડકતરો ટેકો ભારતના ડીએમકે પક્ષ પાસેથી મળતો હતો. જ્યારે જ્યારે શ્રીલંકાના સત્તાવાળાઓ તમિળ વ્યાઘ્રો સામે કડક પગલાં લેતા ત્યારે તેના સોળ ડીએમકેના નેતા કરૃણાનીધીની પીઠ પર ઉપસતા હતા. કરૃણાનીધી વારંવાર કેન્દ્ર સરકારને કહેતા કે ભારત શ્રીલંકામાં દરમ્યાનગીરી કરે અને તમિળોને બચાવે !!

કહે છે કે શ્રીલંકાના તમિળ મુક્તિ વ્યાઘ્રો માટે ભંડોળ પણ તમિળનાડુના તમિળ હિતેચ્છુઓ આપતા હતા. અહીં પણ રાજકારણ હતું કેમ કે તમિળનાડુમાં શ્રીલંકાના મુક્તિ વ્યાઘ્રોના સમર્થકના વૉટ લેવા કરૃણાનીધી માગતા હતા.

જોકે શ્રીલંકાના સત્તાવાળાઓએ એવો નિર્ણય લીધો કે ભારતની શેહ-શરમમાં આવ્યા વિના જાફનાને ઘેરો ઘાલવો !! શ્રીલંકાના સૈન્યએ પ્રભાકરન સહિતના ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આજે શ્રીલંકા મુક્તિવ્યાઘ્રો ફ્રી દેશ છે.

ભારતની સરહદે આવેલું ભૂતાન પણ પોતાને ત્યાં ત્રાસવાદી છાવણીઓ પર ટેન્કો ફેરવે છે અને ચીન પણ પાકિસ્તાનથી ઘૂસતા લોકોને ઠાર મારે છે તો પછી ભારત શા માટે હાથ જોડીને બેઠું છે ?

ખાલિસ્તાની ચળવળને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની હિંમત દિવંગત ઈન્દિરા ગાંધીએ બતાવી હતી. સુવર્ણ મંદિરમાં છુપાયેલા ખાલિસ્તાની ત્રાસવાદીઓને બહાર ખેંચી લાવવા લશ્કર ઉતારાયું હતું. મંદિરમાં લશ્કર મોકલવા અંગે નિર્ણય લેતી વખતે ઈન્દિરાજીએ કોઇની પણ સાડાબારી રાખી નહોતી; લશ્કરે ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. ખાલિસ્તાન મુવમેન્ટની કમર તૂટી ગઇ હતી. જોકે અંતે તેમણે જાન ગુમાવવો પડયો હતો. તેમના પગલાંને નેશન-ફર્સ્ટ સાથે સરખાવી શકાય. તેમના બલિદાનને 'શહીદી' કહી શકાય.

ગયા રવિવારે વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'માં કહ્યું કે લાલ લાઇટને દિમાગમાંથી કાઢવાની જરૃર છે. બરાબર બીજા જ દિવસે અમદાવાદમાં દિમાગમાં લાલ લાઇટવાળા કાફલાએ લોકોને ૪૪ ડિગ્રી ગરમીમાં શેકી નાખ્યા હતા. કેમકે માનનીય મુખ્ય પ્રધાન પસાર થવાના હતા. લાલ લાઇટ કાઢવાની મોદીની શિખામણ તેમના પક્ષના મુખ્ય પ્રધાનો જ નથી પાળી શકતા તો પછી આઇએએસ, આઇપીએસ અધિકારીઓ શા માટે નિયમોનો આગ્રહ રાખે ?!

ભારતે ઉદારમતવાદનો આંચળો ફગાવીને શ્રીલંકા જેવા તેજાબી બનવાની જરૃર છે. ભારતની કૂટ નીતિ એવી હતી કે પાકિસ્તાનને વિશ્વના તખ્તા પર બદનામ કરવું પરંતુ તેના માટે ભારતના જવાનોનો ભોગ લેવાય એ કોઇ રીતે વ્યાજબી નથી.

આશ્ચર્ય એ વાતનું છે કે જમ્મુ-કાશ્મીરના ૨૨ જિલ્લાઓ પૈકી પાંચ જિલ્લા તોફાનીઓની પકડમાં છે. આ જિલ્લાના લોકોને પાકિસ્તાન સાચવે છે અને પાકિસ્તાનથી સરકીને આવતા ઘૂસણખોરોને આ લોકો સાચવે છે. ક્યાંક પૈસાનું ડીલીંગ થાય છે તો ક્યાંક રાજકીય ડીલીંગ થાય છે. ફારૃક અબ્દુલ્લા જેવા રાજકીય તત્વો વર્ષોથી દૂધ-દહીંમાં પગ રાખીને પોતાના કુટુંબનો દિવો બળતો રાખે છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપનું શાસન હોય એ વાત આજે પણ પાકિસ્તાન તરફીઓને ગળે નથી ઉતરતી !! ભાજપવાળા નગુણા છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વ્યૂહરચના વગર ભાજપ જમ્મુ-કાશ્મીરમાં ટકી શકે એમ નથી. સંઘે અનેક હાડમારીઓ સહન કરીને જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો ભગવે લહેરાવ્યો છે.

જે પાંચ જિલ્લામાં ભારતના જવાનોનું અપમાન થાય છે તેમાં શ્રીનગર, અનંતનાગ, બારામુલ્લા, કુલગામ અને પુલવામાનો સમાવેશ થાય છે. આરએસએસના શ્રીનગરના પ્રચારકો પૈકી એકે અમદાવાદમાં કહ્યું હતું કે આ પાંચેય જિલ્લાના તોફાનીઓ અન્ય જિલ્લામાં ના પ્રસરે તે માટે સંઘ કામ કરે છે. અહીં બધા તોફાનીઓ પણ નથી અને બધા સજ્જનો પણ નથી.

જમ્મુ-કાશ્મીરના બાકીના શાંતિપ્રિય ૧૭ જિલ્લા ભાગલવાદીઓને ધિક્કારે છે. વડાપ્રધાને આ ૧૭ જિલ્લાને ધ્યાનમાં રાખીને વિકાસનો નકશો દોર્ય છે.

એક પ્લાન એવો પણ છે કે આ પાંચેય તોફાની જિલ્લાઓનું એક અલગ મંત્રાલય હોય અને તેનો એક અલગ વહિવટદાર હોય. વહિવટ માટે આ પાંચેય જિલ્લાના લોકોને તેમાં સમાવવામાં આવશે. જોકે ભૂતકાળમાં ભાગલાવાદીઓએ શાંતિની સ્થિતિ ઊભી કરવામાં કોઇ સાથ નથી આપ્યો. કાશ્મીરની ખીણમાં પડયા-પાથર્યા રહેલા ભાગલાવાદી તત્વો પાકિસ્તાનના નેતાઓનું પીઠબળ ધરાવે છે.
લોકોની લાગણીઓને ઢંઢોળતો એક વૉટ્સઅપ મેસેજ અહીં આપ્યો છે..

કાલ્પનીક કેરેકટર બાહુબલીના મૃત્યુનું રહસ્ય જાણવા આખા દેશના લોકો થિયેટરની બહાર લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા.. પરંતુ હે.. ભગવાન

ત્રાસવાદ અને નકસલવાદના ખપ્પરમાં હોમાઇ રહેલા જવાનો અંગે શા માટે લોકો એક થઇને સરકારને પ્રશ્ન નથી પૂછતા..

સુરત જેવો રોડ-શૉ વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં પણ નાના પાયે કરવો જોઇએ. જે તોફાની પાંચ જિલ્લા છે તે સિવાયના જિલ્લાના લોકો સાથેનો સંપર્ક પાંચ ગણો વધુ કરવાની જરૃર છે !!

Post Comments