Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશની ઓળખ: આત્મામાં એક સાથે એકસો સૂરજનું અજવાળું પાથરનાર સ્વાધ્યાય !

વિ.સં.૧૦૮૪માં આ ઘટના બની. નવ રસોથી ભરપૂર એવી ઉત્કૃષ્ટ ગદ્યકથા રચાઈ ગઈ. કવીશ્વર ધનપાલને જીવન-સાર્થક્યનો અનુભવ થયો. આવી પુત્રી મળી ન હોત તો પોતાની ગદ્યકૃતિનું શું થાત ? આથી કવીશ્વર ધનપાલે આ કૃતિનું નામ ' તિલકમંજરી' રાખ્યું. ધન્ય છે તિલકમંજરીની એ સ્મરણશક્તિને, જેણે એક મહાન ગ્રંથને  પુન:સર્જન- આકાર આપ્યો !

જૈનદર્શનના વિરાટ આકાશમાં સ્વાધ્યાય વિશેનું ચિંતન- મનન આપણા અંતર અને આત્મા બંનેને પુલકિત કરે છે. સાધુ હોય, શ્રાવક હોય કે સાધક હોય, સહુના આત્મામાં એક સાથે સો સૂરજનું અજવાળું પાથરનાર સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાયની નિર્યુકિત પર દૃષ્ટિપાત કરીએ તો એનો પહેલો અર્થ પ્રાપ્ત થાય છે તે સ્વ + અધ્યાય. ' સ્વ' એટલે આત્માને માટે હિતકારક અને 'અધ્યાય' એટલે અધ્યયન, અર્થાત્ આત્મહિતકારક શાસ્ત્રોનું અધ્યયન તે સ્વાધ્યાય.

આજે અધ્યયન શબ્દ જુદા જુદા વિષયોના ગ્રંથોના અભ્યાસ માટે પ્રયોજાય છે. પરંતુ અહીં સ્વાધ્યાય શબ્દથી ' સ્વ' એટલે કે ' પોતાના આત્માને ઉપકારક એવા ગ્રંથની વાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં સ્વાધ્યાય કરનારે લક્ષ પર દૃષ્ટિ ઠેરવીને ગ્રંથનો સ્વાધ્યાય કરવો જોઈએ એટલે કે આત્માના મૂળ સ્વરૃપની ઓળખ આપે તેવાં અને તેને હિતકારક એવા ગ્રંથોનું વાચન કરવું જોઈએ.

આજે સમાજમાં એવા ઘણા ગ્રંથો પ્રગટ થાય છે જે વ્યાવહારિક દૃષ્ટિએ આપણને ઉપયોગી બને છે. 'સ્ટ્રેસ' દૂર કરવાથી માંડીને પ્રભાવશાળી વ્યવસાયી જીવન જીવવા સુધીના આવા ગ્રંથોનું વાચન એ અધ્યયન કહેવાય, સ્વાધ્યાય સહેજે નહીં. આવા ગ્રંથો સંસાર પ્રત્યેની આસક્તિ, આત્મામાં કલેશભાવ અને જીવનમાં વ્યાકુળતા જન્માવે છે, આથી સ્વાધ્યાય કરનારે આત્મા સિવાયના અન્ય બાહ્ય પદાર્થો કે વિકારી ભાવોને ઉત્તેજનારા ગ્રંથોનો ત્યાગ કરવો જોઈએ અને એ 'હેય' ને સમજીને આત્માની સર્વવિશુદ્ધ દશા પ્રગટ કરનારા ગ્રંથોને જ ' ઉપાદેય' માનવા જોઈએ.

આમ સ્વાધ્યાય સમયે સાધકે જે ગ્રંથ છોડવા યોગ્ય છે તેનો અને જે ગ્રહણ કરવા યોગ્ય છે તેનો સર્વપ્રથમ વિચાર કરવો જોઈએ. સ્વાધ્યાય સમયે એ ધ્યેય હોવું જોઈએ કે આવા ગ્રંથોના શ્રવણ અને સ્વાધ્યાય દ્વારા મારે મારા આત્મામાં અનંત, શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે અને એ સ્વાધ્યાય પ્રગટતાં આપણા અંતરમાં આત્મભાવોનો એવો પ્રકાશ પથરાશે કે 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની એ ગાથા ચિત્તમાં ગુંજારવ કરશે.

(સ્વાધ્યાય સર્વ ભાવોને પ્રકાશિત કરે છે.)
પરંતુ સામાન્ય સાધકે તો સ્વાધ્યાયશીલ બનવા માટે જીવનમાં ત્રણ આરાધના- સોપાન પર આરોહણ કરવું પડે છે.

એનું પહેલું સોપાન છે, કે એ ગ્રંથોના સ્વાધ્યાય કાજે વ્યવહાર અને સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ મેળવીને ગ્રંથોના અધ્યયન તરફ વળવું પડશે. આજના સમયનો સૌથી મોટો વ્યાધિ એ આધુનિક માનવીની વ્યસ્તતા છે. ઘણી વ્યકિત એવી ફરિયાદ કરતી હોય છે કે,' માથે કામનો એટલો મોટો બોજો છે કે મરવાનો પણ સમય નથી' અથવા તો ઘણી વ્યકિત એમ વિચારતી હોય છે કે 'વૃદ્ધાવસ્થામાં આ બધું નિરાંતે કરીશું, બાકી હાલ તો એક ઘડીનીય ફુરસદ નથી.'

હકીકતમાં આવી વ્યસ્તતા ધરાવનારા માનવીના આત્માની વાત તો ઘણી દૂર રહી, પણ એ એના હૃદયનાં- ભીતરનાં- દ્વાર બંધ રાખીને બહિર્મુખતાથી ભૌતિક જગતમાં આંધળી દોડ દોડતો રહે છે. એની 'પર' પ્રત્યેની દોડ અને 'સ્વ'થી સર્વથા વિમુખ રાખે છે, ત્યારે 'નિજ તત્ત્વ' પર નજર ઠેરવવી એ સ્વાધ્યાયનું પહેલું સોપાન છે.

નિયમિત રીતે સદ્ગ્રંથોનું વાંચન કરવું તે બીજું સોપાન. જેમ કુશળ ગવૈયો રોજેરોજ નિયમિત રિયાજ કરતો હોય છે, તેમ સાધકને માટે નિયમિત સ્વાધ્યાય જરૃરી છે. જો ઘોડાને અશ્વશાળામાં એક જ જગાએ બાંધી રાખો, તો સમય જતાં એની ચપળતા ઘટી જાય છે. એને રોજ જુદી જુદી જગ્યાએ ફેરવવો પડે છે.

એજ રીતે પાનદાનીમાં રાખેલાં પાન વારંવાર ફેરવવાં પડે છે. આથી નિયમિત સ્વાધ્યાયની એ માટે જરૃર છે કે જેને પરિણામે આપણી શાસ્ત્રોપાસના સતત જાગ્રત અને જીવંત રહે. આ સમયે સ્વરૃપ પ્રાપ્તિના મુખ્ય હેતુને લક્ષમાં રાખીને સાધક સદ્ગ્રંથોનું વાંચન કરે છે. વીતરાગતાનું મહાત્મ્ય વર્ણવતા, આત્માર્થ આરાધનાને દૃઢ કરાવે તેવા અને વૈરાગ્ય તથા ઉપશમને પોષક એવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ.

નિયમિત સ્વાધ્યાય એ મહત્ત્વની બાબત છે. સાધુજીવનને માટે તો એમ કહેવામાં આવ્યું છે કે સાધુઓએ દિવસનો પ્રથમ પ્રહાર સ્વાધ્યાયમાં વિતાવવો. બીજો પ્રહર ધ્યાનમાં, દિવસનો ત્રીજો પ્રહર ભિક્ષામાં અને ચોથા પ્રહરે પુન: સ્વાધ્યાય કરવો. એજ રીતે રાત્રે પણ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો જોઈએ. આમ સાધુઓએ દિવસ-રાત દરમિયાન ચાર વાર સ્વાધ્યાય કરવો જોઈએ. અને જો તે ન થાય તો પ્રતિક્રમણમાં એને માટે ક્ષમાનું વિધાન છે.

સ્વાધ્યાયની સાથે ધ્યાન અને જપને જોડીને તેમજ એને ઉત્તમ પ્રકારનું તપ કહીને જૈનદર્શને એક અનેરી ગરિમા આપી છે અને 'ચંદ્રપ્રજ્ઞાપ્તિ'માં કહ્યું છે કે બહુભવે સંચિયં ખલુ,સજ્જાએણ ખળે ખડેડ ।

'અનેક ભવોનાં સંચિત કર્મોનો સ્વાધ્યાય દ્વારા ક્ષણભરમાં ક્ષય કરી શકાય છે. એમાં પણ વિશેષપણે જ્ઞાાનાવરણીય કર્મનો ક્ષય થાય છે.''

સ્વાધ્યાયની નિયમિતતા એ સ્વાધ્યાયતપનો પાયો છે અને નિયમિત તપ હોય, તો જ સ્વાધ્યાયથી એકાગ્રતાની પ્રાપ્તિ થઈ શકે છે. આવી નિયમિતતા હોય તો જ ગ્રંથના વિચારોના સળંગસૂત્ર પામી શકીએ અને એ ગ્રંથમાં રહેલું જ્ઞાાન સાધકના આત્માની લિપિ બને છે. કેટલા ગ્રંથો વાંચ્યા તે સંખ્યા મહત્વની નથી, પણ એ ગ્રંથો કેટલા જીવનમાં ઊતર્યા અને એની ભાવનાઓના આચરણનો આપણને કેવો ગાઢ રંગ લાગ્યો તે મહત્વની બાબત છે. અહીં તિલકમંજરીનું આપોઆપ સ્મરણ થશે.

ધનપાલની પુત્રી તિલકમંજરીએ પિતાની કૃતિનું આકંઠપાન કર્યું. કવિ ધનપાલે નવરસથી ભરપૂર અને બાર હજાર પ્રમાણવાળી તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ ધરાવતી ગદ્યકથા લખી હતી. આ અત્યંત લાલિત્યપૂર્ણ કૃતિ હતી. રાજા ભોજે કવિ ધનપાલને કહ્યું કે તમે આમાં ભગવાનના સ્થાને મને મુકીને મારી પ્રશસ્તિ રૃપે આ રચના પ્રગટ કરો. ત્યારે કવિરાજ ધનપાલે રાજા ભોજને કહ્યું,' આવું પરિવર્તન કરવું તે તો મારા હૃદયની ભાવધારાનો દ્રોહ કરવા સમાન ગણાય, માટે મને ક્ષમા કરજો.''

કવિના સ્પષ્ટ વચને રાજા ભોજમાં ક્રોધનો દાવાનળ જગાડયો. એ ગદ્ય- કથાનું પુસ્તક રાજાએ બાજુમાં પડેલી સગડીમાં મૂકીને સળગાવી દીધું. એ પછી કવિ અને રાજા વચ્ચે ઘણી બોલાચાલી થઈ.

ભારે હૈયે કવિ ધનપાલ ઘેર આવ્યા. એમની આંખોમાં દુ:ખ હતું. ચહેરા પર વ્યથા હતી. હૃદયમાં અજંપો હતો. એમની પુત્રી તિલકમંજરી પિતાની ગમગીની પારખી ગઈ. એણે પિતાને આવી ઉદાસીનતાનું કારણ પૂછયું.

તિલકમંજરી કવિ ધનપાલની વહાલસોયી દીકરી હતી. પિતાએ એની વિદ્યાનો એને વારસો આપ્યો હતો. નાની વયની હોવા છતાં એ વિદુષી હતી. પિતા ધર્મભક્તિના ભાવમાં ડૂબીને અને વીતરાગપ્રીતિમાં એકરૃપ બનીને જે ભક્તિથી ગદ્યકથાનું સર્જન કરતા હતા, તેનું તિલકમંજરી  રોજ વાચન કરતી હતી.

આ પ્રભુકથામાં એને એટલો બધો રસ પડયો કે એના શબ્દેશબ્દને પોતાની સ્મૃતિમાં સાચવી રાખતી હતી. કવીશ્વર ધનપાલે વેદનાભર્યો નિસાસો નાખતાં એમ કહ્યું કે વર્ષોની એમની સાહિત્યસાધનાને રાજાએ એના ગુસ્સામાં પળવારમાં રાખ કરી દીધી.

તિલકમંજરીએ કહ્યું,' પિતાજી, આપ સહેજે વ્યગ્ર થશો નહીં. રાજાએ ભલે એ ગ્રંથનાં પૃષ્ઠો સળગાવી નાખ્યાં હોય, પરંતુ એ ગ્રંથનો સાહિત્યરસ તો મારા ચિત્તમાં સુરક્ષિત છે. આખો ગ્રંથ મને મોઢે છે.'

કવિના આનંદની સીમા ન રહી. પોતાની પુત્રી માટે તેમને ગૌરવ થયું. એની સ્મૃતિશક્તિ માટે માન થયું. પોતે આપેલા સાહિત્યના સંસ્કારો કપરે સમયે કેટલા બધા લાભદાયી બન્યા એનો વિચાર કવિ ધનપાલ કરવા લાગ્યા. તિલકમંજરીના મુખેથી ગદ્યકથા વહેવા લાગી અને કવિ ધનપાલ એને લખવા લાગ્યા. કોઈક ભાગ તિલકમંજરીએ સાંભળ્યો કે વાંચ્યો નહોતો એટલો જ ભાગ કૃતિમાં અધૂરો રહી ગયો. કવિ ધનપાલે એ ભાગની રચના કરીને કથાને અખંડ સ્વરૃપ આપ્યું.

વિ.સં.૧૦૮૪માં આ ઘટના બની. નવ રસોથી ભરપૂર એવી ઉત્કૃષ્ટ ગદ્યકથા રચાઈ ગઈ. કવીશ્વર ધનપાલને જીવન-સાર્થક્યનો અનુભવ થયો. આવી પુત્રી મળી ન હોત તો પોતાની ગદ્યકૃતિનું શું થાત ? આથી કવીશ્વર ધનપાલે આ કૃતિનું નામ ' તિલકમંજરી' રાખ્યું. ધન્ય છે તિલકમંજરીની એ સ્મરણશક્તિને, જેણે એક મહાન ગ્રંથને  પુન:સર્જન- આકાર આપ્યો !
(ક્રમશ:)
- કુમારપાળ દેસાઈ

Post Comments