For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘આવો માહોલ PM મોદી અને ભાજપની નિયતના કારણે ઉભો થયો’, સોનિયા ગાંધીનો VIDEO સંદેશ

Updated: May 7th, 2024

‘આવો માહોલ PM મોદી અને ભાજપની નિયતના કારણે ઉભો થયો’, સોનિયા ગાંધીનો VIDEO સંદેશ

Sonia Gandhi Video Message : લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થઈ ગયું છે. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિસાન સાધ્યુ છે અને કોંગ્રેસને વોટ આપવા લોકોને અપીલ કરી છે.

‘તેમનું ધ્યાન માત્ર સત્તા મેળવવા તરફ’

સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘મારા વ્હાલા ભાઈઓ અને બહેનો... આજે દેશના તમામ ખૂણામાં યુવાઓ બેરોજગારીનો, મહિલાઓ અત્યાચારનો, દલિતો, આદિવાસીઓ, પછાત લોકો અને લઘુમતીઓ ગંભીર ભેદભાવનો સામનો કરી રહ્યા છે. આવું વાતાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને BJPના નીતિના કારણે સર્જાયું છે. તેમનું ધ્યાન કોઈપણ ભોગે સત્તા મેળવવા પર જ છે. તેમણે રાજકીય લાભ માટે નફરતને પ્રોત્સાહન આપ્યું છે.’

સોનિયા ગાંધીએ ન્યાય પત્રનો કર્યો ઉલ્લેખ

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ પક્ષ અને મેં હંમેશા તમામની પ્રગતિ અને વંચિતોના ન્યાય તેમજ દેશને મજબૂત કરવા માટે સંઘર્ષ કર્યો છે. અમારા ન્યાય પત્ર અને અમારી ગેરંટીનો મુખ્ય હેતુ દેશને એક કરવાનો અને ગરીબો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો અને વંચિત સમુદાયોને શક્તિ આપવાનો છે. કોંગ્રેસ અને INDIA ગઠબંધન બંધારણ અને લોકશાહીની રક્ષા કરવા માટે સમર્પિત છે. તમામના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસ (Congress)ને મત આપો અને સાથે મળીને મજબૂત અને અખંડ ભારતનું નિર્માણ કરો.’

ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ત્રીજા તબક્કામાં આજે દેશના 11 રાજ્યોની 93 બેઠકો પર થયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, મધ્યપ્રદેશની નવ, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. આજે ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેમની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારનો સમાવેશ થાય છે.

Gujarat