Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય 'મહારાજા' પર વિદેશી કંપનીના નિયંત્રણના એંધાણ

- ભવ્ય ભૂતકાળ ધરાવતી એર ઇન્ડિયાને ખરીદવા વિદેશી કંપનીઓ અને વિદેશી રોકાણકારો ઉત્સુક

વિશ્વભરમાં 'મહારાજા' બ્રાન્ડ અથવા તો લોગોથી ઓળખાતી અને માત્ર ને માત્ર અણઘડ વહીવટના કારણે દેવાના ડુંગર હેઠળ દટાયેલી સરકાર હસ્તકની એર ઇન્ડિયા કંપનીને વેચવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 'ધોળા હાથી' સમાન આ એરલાઇન્સ કંપનીને ખરીદવા જેટ એરવેઝ, ઇન્ડિગો સહિતની સ્થાનિક કંપનીઓ દૂર થઈ જતા હવે આ કંપની વિદેશી એરલાઇન્સ અને વિદેશી રોકાણકારોનો સમુહ હસ્તગત કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

ઉપલબ્ધ અહેવાલો મુજબ વિદેશી એરલાઇન્સ કંપનીઓ તેમજ વૈશ્વિક રોકાણકારોએ દેવામાં ડૂબેલી એરઇન્ડિયા બિલ્ડીંગમાં રસ દર્શાવ્યો છે. વિદેશી કંપનીઓ ભારતીય ભાગીદારો સાથે કોન્સોર્ટિયમ બનાવીને ૭૬ ટકા હિસ્સા માટે બીડ કરવાની યોજના હાથ ધરી હોવાના અહેવાલો સાંપડે છે.

એક સમય એવો હતો કે હવાઈ મુસાફરી માટે એર ઇન્ડિયા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એ સમયે એટલે કે ભૂતકાળમાં એર ઇન્ડિયાની જાહોજલાલી પણ ભવ્ય હતી. ૬૦ના દાયકામાં તમામ પ્રકારના વિમાનોનો કાફલો ધરાવતી એર ઇન્ડિયા એકમાત્ર કંપની હતી જેના કારણે સમગ્ર વિશ્વમાં તેના નામનો ડંકો વાગતો હતો. સમગ્ર વિશ્વ માટે એર ઇન્ડિયા એ ભારતની ઓળખ બની રહી હતી. એર ઇન્ડિયાનો મહારાજાનો લોગો (મેસ્કોટ) પણ એટલો જ જગવિખ્યાત બન્યો હતો. માત્ર મહારાજાના લોગોથી જ સમગ્ર વિશ્વના લોકો આ એરલાઇન્સ કંપનીને ઓળખતા હતા.

આજે આ જગવિખ્યાત કંપની અણઘડ વહીવટના કારણે દેવાના ડુંગર હેઠળ દટાઈ ચૂકી છે. આ તોતિંગ દેવાના કારણે જ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓએ તેનાથી મોં ફેરવી દીધું છે. સ્થાનિક કંપનીઓ આ સોદો એ સરવાળે તો ખોટનો જ વેપલો છે તેમ માનીને તેને ખરીદવાથી દૂર થઈ જતા હવે આ કંપની પર વિદેશી કંપનીઓનું નિયંત્રણ જોવા મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

એર ઇન્ડિયાના બિલ્ડીંગમાં જે વિદેશી રોકાણકારો અને વિદેશી એરલાઇન્સ કંપનીઓએ રસ દર્શવ્યો છે તેમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન  (IFC) , ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (GIC) અને અમેરિકન (PE) ફર્મ વોરબર્ગ પિંક્સનો સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું કે, એર ઇન્ડિયામાં રસ ધરાવતી વિદેશી એરલાઇન્સમાં એતિહાદ,IAG (બ્રિટિશ એરવેઝની એરલાઇન્સ), (SIA)  અને લુફથાન્સા સામેલ છે.

જો કે સબસ્ટેન્શિયલ ઓનરશિપ એન્ડ ઇફેક્ટિવ કન્ટ્રોલ (SOEC) ની જોગવાઈ મુજબ ભારતમાં રજિસ્ટર્ડ કોઈ પણ એરલાઇનને બહુમતી માલિકી અને ભારતીયો સાથે બોર્ડમાં પ્રતિનિધિત્વની મંજૂરી આપે છે. ઉલ્લેખનીય છે કે વિદેશી કંપની ભારતીય એરલાઇનમાં ૪૯ ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતી નથી. આ કારણથી વિદેશી કંપનીઓ ભારતીય ભાગીદારો સાથે કોન્સોર્ટિયમ રચવા તૈયાર થઈ છે અને આ અંગે વાટાઘાટો થઈ રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સરકારે ગયા વર્ષે એર ઇન્ડિયાનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હતો અને ગયા મહિને ઇરાદાપત્ર જારી કર્યો હતો. સરકાર એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATS નો ૫૦ ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. આમ, એર ઇન્ડિયાના નવા માલિકે ૩૩,૦૦૦ કરોડનું ઋણ લેવું પડશે જેમાં ટિકિટના એડવાન્સ બુકિંગ માટે ચૂકવાયેલા નાણાં સહિતની વિવિધ જવાબદારીઓનો સમાવેશ થાય છે.

આમ આ જંગી દેવાના કારણે જ એરઇન્ડિયાના એક્વિઝિશન સામે મોટો અવરોધ ઉભો થયો છે. તેમજ સ્થાનિક કંપનીઓ તેના બિડિંગથી દૂર થઈ જવા પામી છે.

એર ઇન્ડિયા લિસ્ટેડ કંપની ન હોવાના કારણે તેની માર્કેટ વેલ્યુ ઉપલબ્ધ હોઈ શકે નહી પણ સરકાર દ્વારા તેની વેલ્યુ ૫૦,૦૦૦ કરોડ આંકવામાં આવી હતી. દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું હબ છે.

આ ઉપરાંત દેશભરના વિવિધ શહેરોમાં તેની પ્રોપર્ટી છે. પરંતુ, દેવાના ડુંગર હેઠળ દટાયેલી આ કંપનીને પુન:ધમધમતી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન બાબત હોઈ સ્થાનિક બિડરો આ સોદાથી દૂર થઈ ગયા છે. સરકાર એર ઇન્ડિયાના વેચાણ અંગેની તમામ કાર્યવાહી ૨૦૧૮ના અંત સુધીમાં પૂરી કરી દેવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે વિદેશી એરલાઇન્સ કંપનીઓ અને વિદેશી રોકાણકારો 'મહારાજા'ને ખરીદવામાં કેટલા સફળ પુરવાર થાય છે તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.
 

Post Comments