માન્યતા છે કે જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીએ મોસાળમાં ખૂબ કેરી અને જાંબુ ખાઈ લીધા હતા.
આના કારણે ભગવાન જગન્નાથને આંખો આવી, એટલે જ તેમને આંખે પાટા બાંધી ઘરે લાવવામાં આવે છે.
ભગવાનની આંખોને થોડી ઠંડક મળે એટલે તેમને મગ ખવડાવવામાં આવે છે.
આ સિવાય એવી માન્યતા છે કે મગથી શરીરને તાકાત મળે છે, પગપાળા ચાલતા જતા ભક્તોને તાકાત મળે તે હેતુથી મગ ખવડાવાય છે.
રથ ખેંચનારા લોકો અને સાથે સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શક્તિવર્ધક માનવામાં આવે છે.
વર્ષોથી મગની સાથે સૂકા મેવાની ખીચડીનો પણ પ્રસાદ આપવામાં આવે છે, ભગવાનને બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ચઢે છે.
પછી ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે, આ સિવાય માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પણ ધરાવાય છે.
જો મગના પ્રસાદના વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો અષાઢી બીજ ચોમાસાના આરંભનો સમય છે.
આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે, જેના કારણે મગ અને જાંબુ આપવામાં આવે છે.
આયુર્વેદ પ્રમાણે મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે ખૂબ જ ગુણકારી છે.