Weather Update: ગુજરાતના દરિયા પાસે વાદળોની જમાવટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Weather Update: ગુજરાતના દરિયા પાસે વાદળોની જમાવટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ 1 - image


- મહારાષ્ટ્રથી કેરલ ટ્રોફ, મજબૂત બની રહેલા વરસાદી પવનના પગલે 

- દ્વારકા, સોમનાથ, પોરબંદર, જુનાગઢના દરિયામાં 10-12 ફૂટ ઉંચા મોજા સાથે રાજ્યનો દરિયો રફ,૩ દિવસમાં ચોમાસુ રાજ્યમાં પ્રવેશશે 

રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલ રવિવાર તથા સોમવારે વ્યાપકપણે એટલે કે ૫૦ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે જારી કરાયું છે. જેનો અર્થ તંત્રને સર્જાનારી સ્થિતિ માટે તૈયાર રહેવાનો મેસેજ હોય છે. રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. 

અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની છે, દક્ષિણ મહારાષ્ટ્રથી ઉત્તર કેરલ વચ્ચે વરસાદ લાવી શકે તેવી સીસ્ટમ ટ્રોફ ઉપરાંત દેશના પશ્ચિમ કાંઠે નીચલા લેવલે ફૂંકાતા પવન ત્રણ દિવસમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે. ઉપરાંત ઓડીશા તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

મૌસમ વિભાગ અનુસાર ગુજરાત ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ સહિત રાજ્યોમાં પાંચ દિવસ વ્યાપક વરસાદ થશે. જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તા.૨૩,૨૪ના ભારે વરસાદની પણ ચેતવણી જારી કરાઈ છે. ગોવા,કર્ણાટક,કેરલના કેટલાક વિસ્તારોમાં તો અતિશય મુશળધાર વરસાદની શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાતના નવસારી સુધી તા.૧૧ના પ્રવેશેલું ચોમાસુ અન્ય રાજ્યોમાં બે દિવસથી આગળ વધી રહ્યું છે પરંતુ, ગુજરાત માટે ૧૧ દિવસથી સ્થિર છે અને ગુજરાત-સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોમાં પણ ત્રણ દિવસમાં ચોમાસુ બેસે તેવા સંજોગો હોવાનું મૌસમ વિભાગે જણાવ્યુ છે. 

બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાવાનું જારી રહ્યું છે, આજ સવાર સુધીના ચોવીસ કલાકમાં  આણંદમાં મહત્તમ ૬૫ કિ.મી. અને ભાવનગરમાં ૫૦ અને કંડલામાં ૪૭ કિ.મી.ની ઝડપ નોંધાઈ હતી. ઉપરાંત ભાવનગર,ભરુચ અને સુરત પાસેના દરિયામાં  સમુદ્રી મોજા પ્રતિ સેકન્ડ ૧.૧થી ૨.૦ મીટરની ગતિ રહેવાની તથા દ્વારકા, સોમનાથ, જુનાગઢ, પોરબંદરના દરિયામાં ૧૦થી ૧૨ ફૂટ ઉંચા મોજા રહેશે તેવી એડવાઈઝરી પણ જારી થઈ છે. 

એકંદરે અરબી સમુદ્રમાં કેરલથી મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદની સીસ્ટમ બની છે જ્યારે હજુ ગુજરાતના દરિયા પાસે વાદળોની જમાવટ ઓછી છે પરંતુ, થોડા દિવસોમાં હવામાન ચોમાસા માટે અનુકૂળ બને તેવા સંજોગો છે.


Google NewsGoogle News