થાનમાં આંગણવાડી વર્કરોનું બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન
- પડતર માંગણીઓનો ઉકેલ ના આવતા રોષ
- બજેટમાં આંગણવાડી વર્કરોની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે કાળા કપડાં પહેરીને ઉગ્ર રજૂઆત
સુરેન્દ્રનગર : થાન તાલુકામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા બજેટમાં તેમની માંગણીને સ્થાન ન મળવાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા કાળા કપડા પહેરી બજેટની હોળી કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સરકાર દ્વારા ફેબુ્રઆરી માસમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં આંગણવાડી વર્કરોની માંગણીની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તાજેતરમાં સરકાર દ્વારા ફેબુ્રઆરી માસમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં આંગણવાડી વર્કર બહેનોને તેમની માંગણી પુરી થવાની આશા હતી પરંતુ સરકાર દ્વારા બજેટમાં તે અંગે કોઇ જાહેરાત કરવામાં ન આવતા આંગણવાડી વર્કર બહેનોમાં રોષ ફેલાયો છે અને ઠેર ઠેર બજેટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે થાન તાલુકાના આંગણવાડી વર્કર બહેનો દ્વારા થાન ખાતે એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા કાળાકપડા પહેરી બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તેમજ બહેનોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઇ પણ કામગીરી કરવાની હોય ત્યારે પાયાના કર્મચારી તરીકે આંગણવાડી બહેનો પાસે કામગીરી કરાવવામાં આવે છે પરંતુ બજેટમાં સરકારે પગાર વધારો ન આપીને આંગણવાડી બહેનોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. જેની અસર આગામી લોકસભા ચૂંટણીમા દેખાશે તેવી ચિમકી ઉચ્ચારી છે.