ગુજરાતને ટેબલ ટેનિસમાં વધુ બે ગોલ્ડ : હરમીત મેન્સ સિંગલ્સમાં, કૃત્વિકા-માનુષ મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન
- નેશનલ ગેમ્સ હરમીતે ફાઈનલમાં હરિયાણાના સૌમ્યજીતને ૪-૦થી હરાવ્યો
- કૃત્વિકા-માનુષની જોડીએ ફાઇનલમાં તેલંગણાના શ્રીજા-સ્નેહિતને ૩-૦થી હરાવ્યા
અમદાવાદ, તા.૨૪
ગુજરાતના
આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સમાં અને તેની પત્ની
કૃત્વિકા સિન્હા રોયે યુવા ખેલાડી માનુષ શાહ સાથે મળીને મિક્સ ડબલ્સમાં નેશનલ
ગેમ્સ ટાઈટલ જીતી લીધું હતુ.આ સાથે નેશનલ ગેમ્સ ટેબલ ટેનિસમાં ગુજરાતે વધુ બે
ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. મેડલ ટેબલમાં ગુજરાતે ૩ ગોલ્ડ અને ૩ બ્રોન્ઝ એમ કુલ
મળીને ૬ મેડલ્સ જીતીને બીજું સ્થાન મેળવી લીધું હતુ. પશ્ચિમ બંગાળ ૪ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૩
બ્રોન્ઝ સાથે કુલ ૮ મેડલ જીતીને ટોચ પર છે.
ટેબલ
ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાલુ મહિનાના અંતમાં યોજાવાની હોવાથી નેશનલ ગેમ્સ
અંતર્ગતની ટેબલ ટેનિસની ઈવેન્ટ વહેલી પુરી થઈ ગઈ છે. જ્યારે નેશનલ ગેમ્સ તારીખ
૨૯મી સપ્ટેમ્બરથી શરૃ થશે. ટેબલ ટેનિસમાં કુલ ૭ ગોલ્ડમેડલ દાવ પર લાગ્યા હતા, જેમાંથી ચાર બંગાળ અને
ત્રણ ગુજરાત જીત્યું હતુ.
હરમીત
દેસાઈએ જબરજસ્ત દેખાવ કરતાં ટોપ સીડ ધરાવતા જી.સાથિયાનને સેમિ ફાઈનલમાં ૪-૨ના
સંઘર્ષ બાદ હરાવ્યો હતો. જ્યારે બીજી સેમિ ફાઈનલમાં હરિયાણાના સૌમ્યજીત ઘોષે ૪-૨થી
માનુષ શાહને પરાજીત કર્યો હતો. માનુષને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે
ફાઈનલમાં હરમીત દેસાઈએ પ્રભાવશાળી દેખાવ કરતાં ૪-૦થી સૌમ્યજીતને હરાવ્યો હતો.
કૃત્વિકા
સિન્હા રોય અને માનુષ શાહની જોડીએ તેલંગણાના શ્રીજા અકુલા અને એફઆર સ્નેહિતની
જોડીને ૩-૦થી પરાજીત કરી હતી. અગાઉ ગુજરાતે મેન્સ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ
જીત્યો હતો.