નેશનલ ગેમ્સમાં ગુજરાતને સોફ્ટ ટેનિસમાં ગોલ્ડ અને સિલ્વર : સ્વિમિંગમાં વધુ બે મેડલ
- માના પટેલને ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ
- ગુજરાતના કુલ ૧૧ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ સાથે ૩૫ મેડલ
અમદાવાદ, તા.૮
ઘરઆંગણે
ચાલી રહેેલી ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે આજે એક જ દિવસમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બ્રોન્ઝ
એમ કુલ ચાર મેડલ જીતી લીધા હતા. સોફ્ટ ટેનિસમાં ગુજરાતની મેન્સ ટીમે ગોલ્ડ મેડલ
જીત્યો હતો. જ્યારે વિમેન્સ ટીમને સિલ્વર મેડલ મળ્યો હતો. સ્વિમિંગમાં માના પટેલે
૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે ૪ બાય ૧૦૦ મીટરની
મિડલે રિલેમાં ગુજરાતની મિક્સ ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
ગુજરાતમાં
સૌપ્રથમવાર યોજાઈ રહેલી નેશનલ ગેમ્સમાં યજમાન ટીમે કુલ ૧૧ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૧૪
બ્રોન્ઝ એમ કુલ મળીને ૩૫ મેડલ જીતી લીધા હતા.
સોફ્ટ
ટેનિસમાં ગુજરાતની મેન્સ અને વિમેન્સ ટીમનો શાનદાર દેખાવ
અમદાવાદમાં
શરૃ થયેલી સોફ્ટ ટેનિસની રમતમાં ગુજરાતની મેન્સ અને વિમેન્સ ટીમે શાનદાર શરૃઆત
કરતાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેળવ્યા હતા. ગુજરાતની ટીમે સેમિ ફાઈનલમાં
હરિયાણાને ૨-૦થી અને ફાઇનલમાં મધ્ય પ્રદેશને ૨-૦થી હરાવ્યું હતુ. ગુજરાતના અનિકેત
પટેલ અને મોહિત બોન્દ્રેની જોડીએ પ્રથમ ડબલ્સમાં ૫-૩થી મધ્ય પ્રદેશના
આદિત્ય-યોગેશને હરાવ્યા હતા. ત્યાર બાદ ગુજરાતના અજય સોધાતરે ૪-૨થી મધ્ય પ્રદેશના
રાજવીરને હરાવતા ગુજરાતને ગોલ્ડ અપાવ્યો હતો. વિજેતા ટીમમાં રાજવીર અમલિયાર, મિલિંદ પટેલ પણ સામેલ
હતા. ગુજરાતની મહિલા સોફ્ટ ટેનિસ ટીમે સેમિ ફાઇઈનલમાં છત્તીસગઢને ૨-૧થી હરાવ્યું
હતુ. જોકે ફાઈનલમાં ગુજરાતનો ૧-૨થી તમિલનાડુ સામે પરાજય થયો હતો. ગુજરાતની ટીમમાં
ઋત્વી ચૌધરી, હેત્વી ચૌધરી, નિષ્ઠા
ત્રિવેદી, પુનર્વા શાહ અને યેશા ઉમરાલિયાનો સમાવેશ થતો હતો.
મેન્સ ટીમના કોચ અનિલ મારુ અને વિમેન્સ ટીમના કોચ હર્ષાંગ ખોડાધરા હતા.
સ્વિમિંગમાં
સિલ્વર-બ્રોન્ઝ : ગુજરાતનું ૩ ગોલ્ડ સાથે ૧૧ મેડલ સાથે સમાપન
રાજકોટમાં
નેશનલ ગેમ્સની સ્વિમિંગની ઈવેન્ટમાં અંતિમ દિવસે ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
મળ્યા હતા. માના પટેલે મહિલાઓની ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ
મેળવ્યો હતો. તેણે ૫૯.૧૫ સેકન્ડનો સમય આપ્યો હતો. જ્યારે આસામની શિવાંગી સરમા
૫૮.૭૭ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી હતી. માના તેના કરતાં ૦.૩૮ સેકન્ડ તેના કરતાં
પાછળ રહી હતી. જ્યારે કર્ણાટકની ઋજુલાને ૫૯.૧૭ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ
મળ્યો હતો.
માના
પટેલ, આર્યન
પંચાલ, કલ્યાણી સક્સેના અને અંશુલ કોઠારીની ટીમે ૪ બાય ૧૦૦
મીટરની મિડલે રિલે ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. ગુજરાતે ૪ મિનિટ અને ૧૩.૩૧
સેકન્ડનો સમય આપ્યો હતો. જ્યારે તમિલનાડુએ ૪ મિનિટ અને ૧૧.૦૮ સેકન્ડ સાથે ગોલ્ડ
અને કર્ણાટકે ૪ મિનિટ અને ૧૨.૩૦ સેકન્ડ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. સ્વિમિંગના
કોમ્પિટીશન મેનેજર અને ગુજરાતના સિનિયર કોચ કમલેશ નાણાંવટીએ જણાવ્યું હતુ કે,
ગુજરાતે આ નેશનલ ગેમ્સ સ્વિમિંગમાં ત્રણ ગોલ્ડ સહિત કુલ મળીને ૧૧
મેડલ્સ જીત્યા હતા. ગુજરાતને અન્ય રમતો કરતાં સ્વિમિંગમાં સૌથી વધુ મેડલ મળ્યા
હતા.
બીચ
વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમ સેમિ ફાઈનલમાં
સુરતના
ડુમસ બીચ પર ચાલી રહેલી બીચ વોલીબોલની સ્પર્ધામાં ગુજરાતની નીપા બારડ અને મનીષા ઝાલાની
જોડીએ ૨૧-૧૮, ૨૧-૧૭થી સંધ્યા અને મહેકને હરાવીને ગુજરાતની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ
મેળવ્યો હતો. હવે તેઓનો મુકાબલો તેલંગણા સામે થશેે.
ગુુજરાતના
ચાર બોક્સરો ક્વાર્ટર ફાઈનલમાં
ગાંધીનગરમાં
મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સ બોક્સિંગમાં ગુજરાતના ચાર બોક્સરો
ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા હતા. રૃચિતા રાજપૂતે ૭૫ કિગ્રા વજન વર્ગમાં, આસિફ અલી અસગર અલી
સૈયદે ૭૫ કિગ્રા વજન વર્ગમાં, પરમજીત કૌરે ૬૬ કિગ્રા વજન
વર્ગમાં, મીનાક્ષી ભાનુશાલીએ ૫૭ કિગ્રા વજન વર્ગમાં અંતિમ
આઠમાં પ્રવેશ મેળવ્યો હતો.