Get The App

IND vs ENG: અમદાવાદ આવી ગઈ ટીમ ઈન્ડિયા, ચાહકોને વિરાટ કોહલી પાસે 14000 રન પૂરા કરવાની આશા

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
IND vs ENG: અમદાવાદ આવી ગઈ ટીમ ઈન્ડિયા, ચાહકોને વિરાટ કોહલી પાસે 14000 રન પૂરા કરવાની આશા 1 - image


IND vs ENG: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ અગાઉ બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. બંને ટીમો આવતીકાલે પ્રેક્ટિસમાં પણ જોડાશે. અમદાવાદમાં રમાનારી આ મેચ બંને ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ આખરી વન-ડે મેચ હશે. મોટી ટુર્નામેન્ટમાં રમવા ઉતરતા પહેલા આત્મવિશ્વાસ મેળવવા માટે બંને ટીમો આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારત આ જ સ્ટેડિયમમાં હાર્યું હોવાથી આ મેદાન સાથે ટીમની કેટલીક કડવી યાદો પણ જોડાયેલી છે. જે ભૂલીને ભારત અહીં નવેસરથી ઇતિહાસ લખવાનો પ્રયાસ કરશે. 

બંને ટીમ અલગ અલગ હોટલોમાં રહેશે 

ભારત અને ઈંગ્લેન્ડની ટીમના આગમનને લઈને એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર પોતાના ફેવરિટ ક્રિકેટર્સને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. બંને ટીમો પોતપોતાની હોટલ તરફ રવાના થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમને અમદાવાદની ITC નર્મદા હોટલમાં રાખવામાં આવી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હયાત હોટલમાં રહેશે. 

શ્રેણીમાં ભારતનો વિજય

આ શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં રોહિત શર્માએ કેપ્ટન ઈનીંગ રમતાં સદી ફટકારી હતી. આ મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝ પણ 2-0થી જીતી લીધી છે. આ પહેલા નાગપુર વનડે પણ ભારતીય ટીમે 4 વિકેટથી જીતી હતી.

રો-કો પાસે આશા

અમદાવાદના ક્રિકેટ ચાહકોને વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી સારા દેખાવની આશા છે. આ સિવાય હાર્દિક પંડ્યા અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા ગુજરાતી ક્રિકેટર્સ હોવાથી તેમની બંને પાસેથી ક્રિકેટ ચાહકો યાદગાર દેખાવની આશા રાખી રહ્યા છે. ભારત આ મેચ જીતે તો ટીમનો આત્મવિશ્વાસ વધશે જે આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ મદદરૂપ થશે.

વિરાટના 14000 રન પૂરા થશે?

વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં પોતાના 14000 રન પૂરા કરવાથી માત્ર 89 રન દૂર છે. બીજી મેચમાં તે માત્ર 5 રને આઉટ થયો હતો. અમદાવાદમાં કોહલી જો સદી ફટકારે તો તે સચિન તેંડુલકર અને કુમાર સંગકારા બાદ 14000 વન-ડે રન બનાવનાર ક્રિકેટ ઇતિહાસનો માત્ર ત્રીજો ખેલાડી બની જશે. તો રોહિત શર્મા પણ માત્ર 13 રન બનાવીને 11000 વન-ડે રન પૂરા કરશે. જો અમદાવાદની મેચમાં રોહિત માત્ર 13 રન બનાવે તો તે ક્રિકેટ ઇતિહાસનો 10મો ખેલાડી હશે જેણે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હોય. આમ ટીમના બંને ધુરંધરો માટે અમદાવાદની મેચ ખૂબ મહત્વની રહેશે.


Google NewsGoogle News