Get The App

આપવું જ હોય તો હું માગું તે આપશો ?

Updated: May 28th, 2024


Google NewsGoogle News
આપવું જ હોય તો હું માગું તે આપશો ? 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- અબ તો મૈં હૂં બ્રહ્મર્ષિ કૃષ્ણાનંદજી ! મૈ હૂં જશોદામૈયાકા કિશન કનૈયા !!

નાનકડું શહેર છે,

માંડ પંદરેક હજારની વસ્તી છે,

રેલ્વે સ્ટેશન છે,

બગીચો છે,

શહેર વચ્ચે થઈને

પાક્કી સડક વહી જાય છે.

શહેર બહાર જતાં ટેકરો છે....આંબાનાં વૃક્ષ છે. ગાડીના પાવા વાગે છે. મુસાફરો દોડાદોડી કરે છે. સ્ટેશન પાસે પીપળાનું ઝાડ છે. ઝાડ ફરતે ઓટલો છે. થાકેલાં-પાકેલાં માટે, કંટાળેલા માટે આતો વિસામો છે. 'ચાલો, ઓટલે બેસવા' 'ચાલો મનમાં તાઝગી ભરવા ઓટલે જઈને બેસીએ!' 'ટ્રેનની તો હજી ખૂબ વાર છે... ચાલો, ઓટલાના વિસામા પર બેસીને વાટ જોઈએ!'

ઓટલો તો આ શહેરની ઓળખ છે. ને બીજી ઓળખ છે : 'ચા'! આ નાનકડા નગરની 'ચા' વખણાય છે. સ્ટેશનની કેન્ટીનની ચા પીઓ એટલે તાજા તાજા થઈ જાવ ! દેહ તાજગીથી ઊભરાવવા લાગે ! ચા તો બીજેય બનતી હશે, પણ આ નગરની ચા નો નશો જ જુદો છે ! પીએ તે પામે. તાઝગી ને પામે ! મજા ને પામે !

આ જ નાનકડા શહેરમાં પ્રવેશતાં જ એક વળાંક આવે છે. વચ્ચે નાનો મરિયલ રસ્તો છે, ને રસ્તાની બાજુમાં બે ત્રણ મહોલ્લા છે ! પણ આ રસ્તા પર એક દિવસે અજબ વાત બની ગઈ, રસ્તા પર અચાનક એક સાધુ ચાલતો જાય છે. ચાલે છે, ને પાછો પણ વળે છે, લોકોને કુતૂહલ થાય છે. 'કેમ આ સાધુ આવ-જા કરે છે? સાધુ છે કે પછી કોઈ જાસૂસ છે ? છે કોણ ?' બોલે છે :'માગું તે આપશો ? હું માગીશ, તે જ લઈશ!'

લોકો આશ્ચર્ય પામે છે. સાધુ તો ઘણાય જોયા. પાંચ પચીસ આપો એટલે રાજી રાજી ! પણ આ સાધુ તો અલગ જ છે !

શું જોઈએ છે એને ?

શું માગવું છે એને ?

ન તો પૈસાની વાત કરે છે, ન તો ભોજનની વાત કરે છે : બસ, એક જ વાત કરે છે :'માગું તે આપશો ?' 

રસ્તા પર આવ-જા કરે છે સાધુ. એકની એક વાત કર્યા કરે છે : 'તમે ઈચ્છો તે નહિ, મારી ઈચ્છા પ્રમાણે આપશો ?'

ફરતા રામ છે સાધુ,

હા, લાગે છે કોઈ મહાન સાધુ. કદાચ લાંબી તપશ્ચર્યા પછી હિમાલયથી આવ્યો હોય છે. અથવા કોઈ મઠનો મહાત્મા હોય! હોય જ, કારણ કે મહાત્માનાં તમામ લક્ષણો એનામાં છે !

ત્યાં જ એક મહોલ્લાના ખુલ્લા દરવાજામાં થઈને એની નજર અંદર એક ઘરના આંગણા તરફ જાય છે. થોડોક તે અંદર જાય છે. વિધવા વેશે ઊભેલી એક ઓરતને વળગીને ઊભેલા એક બાળકને એ જુએ છે!

ને એની નજર બાળક પર જ સ્થિર થઈ જાય છે બાળકના કપાળમાં લાલ રંગનું સ્વસ્તિક આકારનું એક લાખું છે. ગોર કપાળ ઝળહળી રહ્યું છે!

ને મનોમન વંદન કરે છે એ અંદર જાય છે

પેલી વિધવા ઓરત સામે જઈને એ ઊભો રહે છે. હાથ જોડે છે. વંદન કરે છે. 'શું જોઈએ છે મહારાજ ? પૈસા આપું ?'

'હે મૈયા, તું આપવા જ માગતી હોય, ને ના ન પાડવાની હોય તો તારા આ બાળ કાનુડાને આપી દે !'

'કેમ ?'

'એ અવતારી પુરુષ જેવો છે : 'એના લલાટ પરનું સ્વસ્તિક આકારનું લાખુ જ કહી દે છે કે એ સાધુત્વને શોભાવનાર બનશે !'

દુનિયામાં એનું નામ થશે. જગતમાં એ પૂજાશે ! 'ઓહ' ને પલી ઓરતે મનમાં જ કઠોર નિર્ણય કરીને છોકરાને પેલા સાધુ તરફ ચલાવ્યો ને સાધુ રાજીના રેડ થઈ ગયા : 'પ્રભુ, ચાલો મારી સાથે !'

 - એ વાતને વરસો વીતી ગયાં ! બાળક ઉમંગ બ્રહ્મર્ષિ કૃષ્ણાનંદ બની ગયો ! મહાધિ  પતિ બની ગયો ! ને એક દિવસે વરસો પછી આજ શહેરના મંદિર કૃષ્ણધામમાં આવેલા પેલા વૃધ્ધ બની ગયેલા સાધુ સાથે તે આવ્યો ત્યારે દર્શન કરવા આવેલી પેલી વૃધ્ધ ઓરતે એને ઓળખી લીધો ! અચાનક જ તે બોલી ઊઠી : 'બે....ટા!' 'નહીં મૈયા ! અબ સંસાર સે મેરા કોઈ રિશ્તા નહીં! હા તૂ મેરી મૈયા જરૂર હૈ, જશોદા મૈયા ! અબ તો મેં હું કિશન કનૈયા ! સબ ભૂલ જા, મૈયા ! મૈં તો હૂં બ્રહ્મર્ષિ કૃષ્ણાનંદ!!'

અચાનક મા એના પગમાં પડી ગઈ : 'મૈં હૂં જશોદા મૈયા, મેરે કિશન કનૈયા !!'


Google NewsGoogle News