ચાર ચાર વૈભવી ગાડીઓવાળા શેઠ અચાનક બસમાં બેસી ગયા!!
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
- સમય ક્યાં કોઈની રાહ જુએ છે ? એ તો એની રોજિંદી રફતારમાં દોડયા જ કરે છે!!
'ઓ હો... શેઠ તમે ?'
'હા, મારી કાર બગડી છે... આટલામાં કોઈ રીપેર કરનાર પણ નથી. શું થાય ? આજ હો જાય સફર બસ કી !! મારો માણસ આવીને લઈ જશે !'
સ્ટેન્ડ પાલે ઊભેલી બસ. પણ બસ ઊભી રહેતાં જ કંડ કટરે જોયું કે : 'બસમાં ચઢનાર બીજું કોઈ નહિ, પણ આ જાહેરના મોટામાં મોટા શેઠ છે !' ટેક્ષટાઈલ માર્કેટમાં શંઠનો ડંકો વાગે છે. શહેરના કાપડ બજારના શ્રીમંત શેઠિયાઓના એસોસીએશનના એ અધ્યક્ષ છે. એમને કોણ ન ઓળખે ? કંડકટર તરત જ એમને ઓળખી ગયો...
બસ, ખીચોખીચ ભરાયેલી હતી. એક સીટ પણ ખાલી નહોતી. પણ કંડકટરે એક પેસેન્જરને ઊભો કર્યો : 'તું ઊભો થા... આ મોટામાં મોટા શેઠને બેસવા દે !'
પેલો માણસ પણ ઓળખતો હતો શેઠને ! એ તરત જ પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો : 'લો, બેસો, શેઠ !'
ને શેઠ ખાલી થયેલી સીટ પર બેસી ગયા ! બસ ઊપડી. બસ દોડવા લાગી. શેઠ વિલાસરાય આરામથી બેઠા હતા. બસ ચાલતી હતી, ને શેઠ હસતા હતા. બસમાં બેસવાની ય ઔર મજા છે ! કાયમ પોતાની વૈભવી કારમાં ફરનારા શેઠને બસની સફરનો અનુભવ નહોતો. બસમાં બેઠેલા પેસેન્જરોને જોઈને એમને દયા આવી જતી; શું કરે બાપડા ? પોતાની કાર બધાંના કિસ્મતમાં ક્યાં હોય છે ? એ તો કોઈ નસીબદારને જ મળે. એટલે બિચારા બસમાં કે રક્ષીમાં ફરે !
શેઠને થયું : સાચે જ પોતે ભારે લકી છે. ચાર ચાર વૈભવી ગાડીઓ છે પોતાના બંગલે ! રૂપિયાનો વરસાદ ધોધમાર વરસે છે ! શું કામ કંજુસાઈ કરવી ? મળ્યું છે તો માણી લો !
શેઠ માણી રહ્યા હતા !
સુખમાં ભીંજાતા હતા !
વૈભવ આપનારો ઉપરવાળો પોતાના પર મહેરબાન હતો. ને એટલે તો બબ્બે બંગલા અને ચાર ચાર ગાડીઓના માલિક હતા શેઠ વિલાસરાય ! બસ ખાસ્સું દોડીને સ્ટેન્ડ આવતાં પાછી ઊભી રહી ! કંડકટરે બારણું ખોલ્યું, ને એક નેવું વરસ જેટલી ઉંમરના દાદા અંદર આવ્યા. દાદા સરેજ વાંકા વળી ગયા હતા ! ઉંમરે ઉંમરનું કામ કર્યું હતું ! પણ બેસશે ક્યાં ?
બસ તો ખીચોખીચ ભરેલી છે.
દાદાને શ્વાસ ચઢી ગયો હતો. આંખોમાં થાક વરતાતો હતો. એમણે બસમાં નજર કરી. આખી બસ ભરેલી હતી. ક્યાંય જગ્યા નહોતી. અચાનક વિલાસરાય શેઠ ઊભા થઈ ગયા, ને પેલા વૃદ્ધ દાદા તરફ ફરીને બોલ્યા : 'દાદા, તમે મારી સીટ પર બેસી જાવ... હું તો હજી યુવાન છું... તમારાથી ઊભા નહીં રહેવાય !' ને એમણે સૌજન્ય દાખવ્યું. દાદાને ટેકો આપને પૌતાની સીટ પર બેસાડી દીધા : શહેરના ટેક્ષટાઈલ બજારના મંડળના અધ્યક્ષ શેઠ વિલાસરાય ઊભા રહ્યા. ''વાહ... ઊભા ઊભા સફળ કરવાની પણ એક આગવી મજા છે !''
હા, એમના એ વાકયમાં માનવતા મોર નાચતા હતા... જરૂરતમંદ વૃદ્ધોને માટે કશુંક કરી છુટયાની કોયલો ટહુકતી હતી !
બસ, આગળ વધી,
રસ્તા ક્યા તો હતો.
સાપણની જેમ સૂતેલી શ્યામવર્ણી સડક પણ બસના પૈડાં દોડી રહ્યાં હતાં. ઘડિયાળમાં સમયના ડંકા પડતા હતા ! ને સમય ક્યાં કોઈની રાહ જુએ છે ? એ તો એની રોજિંદા રફતારમાં આગળ દોડયા જ કરે છે !
પાછી બસ અચાનક નવું સ્ટેન્ડ આવતાં ઊભી રહી. કંડકટરે બારણું ખોલી નાખ્યું... ને તરત જ કપાયેલા પગવાળો એક ફૌજી બસમાં ચઢ્યો. દેશ માટે જાનફેસાની કરનારો ફૌજી બસમાં ચઢ્યો. દેશના દુશ્મનો સાથે લડતા લડતાં એણે પોતાનો અડધો પગ કુરબાન કરી દીધો હતો.
ઝિંદા દિલ જવાન હતો તે.
દેશ દાઝવાળો સૈનિક હતો તે.
પહેલાં દેશ.
પછી દેહ.
પછી જાન.
કશાયની પરવા કર્યા વગર દેશની સીમા પર દુશ્મનોને હટાવનારો ફૌજી હતો તે. તે પગ નથી. પગ કપાઈ ગયો છે. અડધો પગ દેશ માટે દુશ્મનો સામે લડતાં લડતાં કુરબાની થઈ ગયો છે ! રાષ્ટ્રની આન-બાન અને શાન હતો એ !
પેલા દાદાએ એને જોયો. રાષ્ટ્ર માટે કુરબાની થઈ જનારા ફૌજીને એમણે જોયો. દાદાને થયું : 'મારે તો બેય પગ સાજા છે. પણ ફૌજી ? રાષ્ટ્રના સીમાડે લડનારો આ જવાન ? રાષ્ટ્ર માટે જીવ સટોસટની લડાઈ કરનારો આ સૈનિક ? એ સીમાડે ઊભો છે. એટલે તો દેશ સલામત છે ! દેશ મજબૂત છે ! દેશના નાગરિકો ચિંતા વિના હરી-ફરી શકે છે. કામધંધા કરી શકે છે ! ને આ ફૌજીએ તો દેશના દુશ્મનો સામે લડતાં લડતાં પગ પણ ગુમાવી દીધો છે : 'હે ફૌજી, સલામ છે તને !'
ને દાદા ઊભા થઈ ગયા. બોલ્યા : 'લો ભાઈ, બેસી જા તારી સીટ પર મને ઊભાં ઊભાં મુસાફરી કરવાની મજા આવશે. !'
એ અપંગ ફૌજી દાદાની સીટ પર બેસી ગયો ! આરામથી બેસી ગયો ! એણે બગલમાં રાખેલી લાકડી બાજુ પર મુકી !
કંડકટર આ બધું જોઈ રહ્યા છે !
પેલા મોટા શેઠ પણ આ જોઈ રહ્યા છે !
બસમાં બેઠેલાં તમામ મુસાફરો આ બધું જોઈ રહ્યા છે ! કંડકટર શેઠ પાસે આવે છે... ને એમનો ચરણસ્પર્શ કરે છે ! પછી પેલા દાદા પાસે આવે છે ને, એમનો ચરણસ્પર્શ કરે છે. કહે છે : 'દાદા, આશીર્વાદ આપો મને ! જેથી હું પણ માનવતામાં કાર્યો કરવામાં કદી પાછો ન પડું !'
પછી બસ છેલ્લા સ્ડેન્ડે ઊભી રહી... તો બસમાં બેઠેલાં બધાં જ પેસેન્જરો ઊભાં થઈ ગયાં. તાળીઓ પાડવા લાગ્યાં. ને સમૂહગાન કરતાં હોય એમ બોલવા લાગ્યાં : 'ધન્ય છે રે શેઠ, ધન્ય છે ! ધન્ય છે રે, દાદા, ધન્ય છે ! ધન્ય છે રે, ફૌજી, તને ધન્ય છે !!'