Get The App

તમારી કેરીઓ છુંદાઇ ગઈ... ને હવે એની નોકરી છુંદાઈ જશે!!

Updated: May 21st, 2024


Google NewsGoogle News
તમારી કેરીઓ છુંદાઇ ગઈ... ને હવે એની નોકરી છુંદાઈ જશે!! 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- મને માફ કરી દો, સાહેબ ! હવેથી આવું નહીં કરું ! એક સીધા રસ્તે ચાલનારો માણસ બનીને રહીશ !

'એ ડોસા..' 'શું છે, સાહેબ?' 'શું હોય ? તું અહીં સડકની પાસે પાથરણું પાથરીને ફળ વેચવા બેઠો છે, તો ચાલ, બે કિલો કેરીઓ આપી દે ! કેરીઓ સારી છે ને?'

'ખૂબ સારી છે. મીઠી મધ જેવી ! લો, ચાખી લો, સાહેબ !'

પછી બોલે છે ! છે તો મીઠી ચાલ તોળી દે બે કિલો !

ફળવાળો ય જબરો છે. માથે ફાળિયું બાંધ્યું છે. ફાળિયાનો એક છેડો મોઢા પર કચકચાવીને બાંધ્યો છે. ફાટેલોને થીંગડાળો ઝભ્ભામાં છે, ને એવું જૂનું ફાટેલું ધોતિયું છે. પગમાં જોડા પણ નથી. રબરનાં તૂટેલાં સ્લીપર છે, ને એ ત્રાજવે તોળી રહ્યો છે. મધમીઠી કેરીઓ ! પછી એક પ્લાસ્ટીકની કોથળીમાં ભરીને પેલા પોલીસવાળાના હાથમાં પકડાવે છે ને પોલિસવાળો ય જબરો છે ! પોલીસવાળો કોને કહ્યો ? પોલીસવાળો એટલે પોલીસવાળો ! એ તુંડામેજાજી પણ હોય અને ઘમંડી પણ હોય ! કેરીઓથી ભરેલી થેલી લઈને એ ચાલવા લાગ્યો.

ત્યાં જ પેલો વેપારી બોલ્યો : એ સાહેબ,

'શું છે ?'

'પૈસા ?'

'કેટલા થાય ?'

'પચાસ રૂપિયા થાય !'

'મારે આપવાના છે ?'

'હાસ્તો !'

પોલીસવાળો નજીક આવ્યો : 'રોડ નજીક પાથરણું હતું. ને પાથરણામાં પાકી કેરીઓ હતી ! એ કેરીવાળાની વધુ નજીક આવ્યો : પૈસા લેવા છે ?'

'હા, સાહેબ ! ગરીબ માણસ છું. આના વેપાર પર તો મારું ઘર નભે છે ! પૈસા તો આપવા જ પડશે !'

'એમ ?'

'હા.'

'જાણે છે હું કોણ છું ?'

'પોલીસવાળા સાહેબ !'

'સાંભળ, આ વિસ્તાર મારા ચાર્જમાં છે. ને તેં રોડને અડીને પાથરણું પાથરીને ગુનો કર્યો છે. હું ધારું તો તને જેલને હવાલે કરી શકું છું ! અલ્યા, પોલીસવાળા પાસે પૈસા મંગાય ?'

'કેમ ન મંગાય ?'

'કારણકે તારા ભુક્કા કાઢી નાખું એવો છું હું. તારે હપ્તો પણ આપવો પડશે !'

'કેટલો ?'

'દર મહિને એક હજાર રૂપિયા!'

'ને ન આપું તો ?'

'અલ્યા, ડોસલા, પોલીસ સાથે દાદાગીરી કરે છે !'

'મેં ક્યાં દાદાગીરી કરી છે ?'

'કરી જ છે ને ? મને હપ્તો આપવાની ના પાડે છે. રોડને અડીને પાથરણું પાથર્યું છે ને પાછા કેરીઓના પૈસા માંગે છે ? કોણ છે તું?'

'વેપારી છું. કેરીઓની સીઝન છે. ત્યાં સુધી ધંધા કરી લઉં ને આખા વરસના રોટલા કાઢી લઉં ! પણ સાહેબ તમે પૈસા આપવાની ના કેમ પાડો છો.'

'કારણકે હું પોલીસ છું. આ વિસ્તારનો હું ઇન્ચાર્જ છું. હપ્તો પણ નહિ, ગુનો પણ કરવાનો અને પૈસા પણ માગવાના ? હરામી જો હું શું કરી શકું છું તે !'

- ને પોલીસવાળાએ પાથરણામાં રહેલી બધી જ પાકી કેરી પગના બૂટ વડે છુંદી નાખી. આખું પાથરણું પીળા ધમસ્ક રંગે રંગાઈ ગયું ! ને પછી પોલીસવાળાએ વેપારીને મારવા માટે હાથ લંબાવ્યો. ને એ સાથે જ કેરી વેચવાવાળા કાકાએ એનો હાથ પકડીને મચકોડી નાખ્યો. 'જાણું છું કે તું કોણ છે ! એક કૂત્તો છે, કૂત્તો !' ને કાકાએ ફાળીયું કાઢી નાખ્યું. મોઢા પર ઢાંકેલો છેડો પણ છોડી નાખ્યો. ફાટેલો ઝભ્ભો પણ કાઢી નાખ્યો. ને જોતાં જ આ ભો બની ગયો પેલો પોલીસવાળો !

'તમે ?'

'હું છું આ જિલ્લાનો ડી.વાય.એસ.પી.લે, જોઈલે મારું કાર્ડ !'

ને એ સાથે જ પેલા પોલીસવાળાએ પગ પછાડીને સેલ્યૂટ મારી : 'નમસ્તે સર ! માફ કરી દો મને !'

'માફ કરું ? તારા બધા જ ધંધા હું જાણું છું. આ વિસ્તારના અનેક વેપારીઓની તારી વિરૂધ્ધની અરજીઓ મને મળી છે ! ને ખાસ તો એ બધાની તપાસ માટે વેશ બદલીને કેરીનો વેપારી બની અહીં બેઠો છું. મને આજે લાગ્યું કે એ બધાની ફરિયાદો તદ્દન સાચી છે ! ને સીટી લગાવતાં જ ચાર પાંચ પી.એસ.આઈ.ઓ દોડી આવ્યા. 

સાહેબે ઓર્ડર કર્યો.' પકડી લો આ કેરીઓના ચોરને એને લીધે આપણું આખુંય ડીપાર્ટમેન્ટ વગોવાય છે !

ને પેલા કેરીચોર પોલીસવાળાને પકડી લેવામાં આવ્યો. થોડે દૂર પાટલી પર બેઠેલાં કેરી વેચનારાં માજીને ડી.વાય.એસ.પી. મિ.ઝાલા સાહેબે બોલાવ્યાં. તેમના હાથમાં પાંચસો પાંચસોની બે નોટો મૂકી બોલ્યા : 'લો, તમારી છુંદાઈ ગયેલી કેરીઓની કિંમત ! કેરીઓની જેમ જ એની નોકરી પણ છુંદાઈ જવાની ! ને બધા પોલીસવાનમાં બેસી ગયા. ત્યારે પાછળ બેઠેલો પેલો કેરી ચોર પોલીસવાળો ધૂ્રસકે ધૂ્રસકે રડતો હતો : દયા કરો, મારા સાહેબ, મને માફ કરી દે. હું તમને ન ઓળખી શક્યો. ને હવેથી હું ક્યારેય આવું નહિ કરું. સીધા રસ્તે ચાલનારો માણસ બની રહીશ !!'


Google NewsGoogle News