Get The App

ઊભા રહો, પ્રભુ! લુખ્ખી રોટલી ન ખાશો... તમને પેટમાં ચૂંક આવશે!

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ઊભા રહો, પ્રભુ! લુખ્ખી રોટલી ન ખાશો... તમને પેટમાં ચૂંક આવશે! 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- હું તો સ્વયંપાકી છું. રોટલી જેટલા રાખું છું... વધારાના રૂપિયા મારે શું કરવા છે?

'ઊ ભા રહો, પ્રભુ! લુખ્ખી રોટલી ન ખાશો, તમને આંતરડામાં દુઃખશે પેટમાં ચૂંક આવશે..'

હા, બોલી રહ્યા છે સંત સુખ રામજી...આગળ કૂતરો છે, કૂતરાના મોંઢામાં રોટલી લબડી રહી છે... ને તેની પાછળ દોડી રહ્યા છે સંત સુખરામજી... એમના હાથમાં ઘીની વાઢી છે !

હા, સંતને વાનગીઓની કોઈ જરૂર નથી. તૈયાર વાનગી એ જમતા નથી. સ્વયં પાકી છે. જાતે જ રાંધવાનું. ઝુંપડા જેવા આશ્રમની બહાર આંગણું છે છાણથી લીંપેલું આંગણું મોટું છે. આંગણાના એક ખૂણામાં માટીનો ચુલો છે. છાણાં ને લાકડાં સળગાવવાનાં. ચુલા ઉપર તાવડી મૂકવાની... ને રોટલી શેકી નાખવાની !

અને એ જ રોટલી ને શાક ખાવાનાં!

તૈયાર ભોજન નહિ જમવાનાં.

ભિક્ષામાં કોઈ આપે તો લે જરૂર, પણ એ તો જરૂરત મંદોને આપી દેવાનું! આપે તો લેવાનું, પછી આપી દેવાનું !

પોતાની પાસે રાખવાનું જ નહિ!

પૈસાનું ય એવું ! લોકો પૈસા આપે છે... પણ જરૂર જેટલા રાખીને આપી દેવાના ! આપ્યાનો રંજ નહિ, ને દીધાનું દુઃખ નહિ!

એકવાર એવું બન્યું કે કોઈ ગુંડા જેવો માણસ એક યુવાનને મારી રહ્યો હતો. ગુંડો કહી રહ્યો હતો : 'ચાલ આપી દે બસો રૂપિયા! ક્યાંકથી લાવ્યો છે તું ? ચાલ આપી દે...' પણ પેલો યુવાન હાથ જોડીને કહેતો હતો : 'માગવા જરૂર ગયો હતો, પણ એમણે આપ્યા નથી!'

'તો શું આપ્યું છે ?'

'વાયદો!'

'અમે એ કંઈ ન જાણીએ, ચાલ, આપી દે ! નહિતર તારાં કપડાં પણ ઊતારી લઈશું! ને એ મારવા લાગી ગયો.'

સંત સુખરામજી નજીક થઈને જઈ રહ્યા હતા... એમના કાને બધા જ શબ્દો પડયા! પેલા યુવાનને માર પડતો હતો એય જોઈ લીધું. પછી કશોક વિચાર કરીને તેઓ પેલાની નજીક ગયા : 'કેમ મારે છે, ભાઈ ?'

'પૈસા નથી આપતો!'

'કેટલા લેવાના છે ?'ં

'બસો રૂપિયા!'

'તમે માગો છો ?'

'હા, પચાસ રૂપિયા લઈ ગયો  હતો દસ ટકાના માસિક વ્યાજે... આજે બસો રૂપિયા થઈ ગયા છે. છતાં આપતો નથી!'

'લો, બસો રૂપિયા ! રૂપિયાની મારે કોઈ જરૂર નથી... એક માણસનો જીવ બચતો હોય તો આટલાની શી વિવાત છે ?'

- ને સંત સુખરામજીએ ગજવામાંથી કાઢીને બસો રૂપિયા આપી દીધા! 'લો ભાઈ, રાજી થા!  મારે તો લોટ લાવવા જેટલા પચીસેક રૂપિયા હોય એટલે થયું !'

- આજે ય એ આંગણાના ચુલા પર છાણાં-લાકડાંના તાપે તાવડી મૂકીને રોટલીઓ બનાવી રહ્યા હતા ! એક રોટલી બની ગઈ, તાવડીમાં નાખી...શેકાઈ ગઈ... એટલે ઊતારીને શેકેલી રોટલીને પાછળ મૂકેલા થાળમાં નાખી- ને સંત બીજી રોટલી બનાવવા લાગ્યા. રોટલી બનાવીને એમણે તાવડીમાં નાખી,

- ને એ સમયે એક કૂતરું પાછળ આવ્યું. એય ભૂખ્યું થયું હશે.. એટલે પાછળના થાળમાંથી રોટલી ઉપાડીને ચાલવા માંડયું કૂરતું. બિચારું શું કરે ? બરાબરની ભૂખ લાગી હશે !

સંત બીજી રોટલી શેકાઈ જતાં તાવડીમાંથી ઊપાડીને પાછળ થાળમાં નાખવા ગયા.. પણ આ શું ? થાળમાં અગાઉ નાખેલી રોટલી જ ન હોતી. ક્યાં ગઈ રોટલી?

ત્યાં થોડેક દૂર એમની નજર ગઈ.. થોડેક દૂર કૂતરું ઊભું હતું. ને તેના મોંઢામાં રોટલી લબડતી હતી. ઘી ચોપડવાની વાઢી સંતના હાથમાં જ હતી. સંત વાઢી સાથે ઊભા થયા!

કૂતરાએ જોયું,

ને બચવા માટે તે દોડવા લાગ્યું આગળ કૂતરું છે !

કૂતરાના મોંઢામાં રોટલી લબડી રહી છે !

પાછળ સંત છે.

સંતના હાથમાં વાઢી છે

કૂતરું દોડવા લાગ્યું. 

સંત પણ પાછળ દોડવા લાગ્યા.

બોલતા હતા : 'ઊભા રહો, પ્રભુ! લુખ્ખી રોટલી ખાશો નહિ! તમારાં આંતરડામાં દુઃખશે... તમારા પેટમાં ચૂંક આવશે!'

પણ કૂતરું માણસની ભાષા સમજે નહિ. એના મનમાં એમકે : 'આ માણસ પણ બહુ ભૂખ્યો છે.. એ મારી રોટલી પડાવીને ખાઈ જશે!'

- એટલે એ વધારે ઝડપથી દોડવા લાગ્યો. સંત પણ ઝડપથી પાછળ પાછળ દોડવા લાગ્યા. આખરે એક સંત લીમડાના ઝાડની આસપાસનો ઓટલો આવતાં કૂતરું ઓટલા પર ચઢી ગયું! 'હવે આ માણસ મને નહિ છોડે ' એમ સમજી એણે મોંઢામાંની રોટલી ઓટલા પર નાખી દીધી. સંત ઓટલા પર ચઢી ગયા. રોટલી લીધી. ઘી ચોપડયું ને કૂતરાને ખવડાવવા લાગ્યા : 'ખાવ પ્રભુ, ખાવ... ધરાઈને ખાજો હો!'

બીજી રોટલી પણ છે ! ને એમણે રોટલી ચાવી રહેલા કૂતરા ના માથે હાથ ફેરવ્યો : 'રોજ આવજો, હોં, પ્રભુ !  હું તમને રોજ ખવડાવીશ!' પણ કૂતરું તો છલાંગ લગાવી ત્યાંથી ભાગી ગયું : સંતના મુખમાંથી નીકળી ગયું : 'હાશ... આજે હું સાચું પુણ્ય કમાયો !!'


Google NewsGoogle News