ના, પપ્પા! સગી મા ઉપર કેસ થાય? મા જણી બહેન ઉપર કેસ થાય?
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
- અમારી ચૌલા જેવી વહુ તો કોઈને ન હોય? એ વહુ નથી, દીકરી છે દીકરી!!
'કે મ આમ ચહેરો ઊતરી ગયો છે, ચૌલા બેટી ?' 'કંઈ નહીં, પપ્પા ! ગરમીમાં તો આવું લાગ્યા કરે !'
'ના, એવું નથી લાગતું, દીકરી, બાત કુછ ઔર હૈ ! બોલ, બેટી, બોલા એની પ્રોબ્લેમ ? શી વાત છે એ કહી દે, દીકરી જો, હું તારો બાપ છું, નાનેથી મોટી કરી છે તને ! અદકેરા લાડ લડાવ્યા છે મેં ! સાંભળ દીકરી, તારા ચહેરા પરની એકાદ રેખા બદલાય, તોય મને અણસાર આવી જાય ! જે ચહેરાને હાથ ફેરવીને રમાડયો છે, એમાં થયેલા ફેરફારને હું ન પારખું દીકરી ? કહી નાખ, જે કહેવું હોય તો બોલી નાખ જે ચિંતા તને સતાવતી હોય તે !'
પુરા છ મહીના પછી પિયર આવેલી દીકરી અને બાપ વચ્ચેનો આ સંવાદ છે. દીકરીને રંગેચંગે પરણાવીને 'હા...શ' અનુભવતા બાપ એટલે કે દોલતરાય અને સાસરેથી છ મહીને પિયર આવેલી દીકરી એટલે કે ચૌલા વચ્ચેનો છે આ સંવાદ !
દીકરી આવી છે બાપના આંગણે ! મમ્મી લીલાદેવી રાજી રાજી થઈ જાય છે, તો પપ્પો દોલતરાયની હર્ષની દોલતમાં ઊછાળો આવી જાય છે. આવી ગઈ મારી દીકરી ! પિયર આવી મારી લાડલી ! બસ, બે માળના આખાય ઘરમાં જાણે શ્રાવણયો વરસાદ સાંબેલા ધારે વરસવા લાગ્યો ! 'પણ દોલતરાયના ચિત્રમાં એકાએક ઝબકારો થાય છે : 'આ શું દીકરીના ચહેરા પર ચિંતાની રેખા કેમ ચિતરાયેલી છે ? કંઈ દુ:ખ હશે એને સાસરીમાં ? જમાઈ તો ખુબ મુદુ સ્વભાવના છે, સ્મિત મુખી ચહેરાવાળા છે, ઊંચું ખાનદાન છે, નાતમાં પંકાતું ઘર છે, સાસુ છે ને એક વિધવા નણંદ છે ! તો પછી આમ કેમ ? મારોમાં માંહ્યલો કેમ જુદી ભાષા બોલે છે ? બે દિવસથી આવી છે, પણ જોઈએ એવી ખીલતી નથી... કશીક ચિંતા જરૂર છે ! શ્રસુરગૃહ મોટું, પણ તો પછી એને શાની ચિંતા હશે ? દોલતરાયે શક્યતાઓની બધી દોલત ખર્ચી નાખી, પણ ખ્યાલ નથી આવતો કે વાત શું છે ? પોતે સમાજસેવી છે. દિલના ઉદાર છે. જયાં આપવા જેવું હોય તો હાથ ટૂંકો નથી કરતા ! કરોડોની મિલ્કત છે ! બધુ ય ખરું, પણ આ વહાલસોયી દીકરીનું શું ?'
ને એ દીકરી ચૌલાને પૂછી બેઠા : 'તારો બાપ છું. ચૌલા ! જરાય છુપાવીશ નહિ, જે હોય તે કહી દે, બેટી !'
ને ચૌલાને પણ થયું કે પપ્પા દિલથી પૂછી રહ્યા છે તો મારે પણ દિલ ખોલીને જે હોય તે કહી દેવું પડે ! ને આંખમાં એક નાનકડા આંસુને લૂંછતાં એણે કહેવા માંડયું : 'આપણે કેસ કરવાનો છે..'
'કેસ ? કોના ઉપર ?'
'મારી સાસુ અને નણંદ ઉપર.'
'પણ કેમ ?'
'જુઓ તમારા જમાઈ તો બહુ સારા છે મારા સસરાની પણ કોઈ કચકચ નથી. પણ સાસુ અને નણંદ મને પજવે છે વાત વાતમાં મહેણાં માર્યા કરે... શાંતિથી ઊંઘવા પણ ન દે, માથું એમનું ચઢ્યું હોય ને માથું મારું ખાઈ જાય ! બે ચુડેલો ઘરમાં મારું જીવવું હરામ કરી દે છે ! તમારા જમાઈ તે એમનું જ ઉપરાણું લે છે... હું શું કહું ? ત્રાસી ગઈ છું, પપ્પા કેસ દાખલ કરી દેવો છે !'
'કેસ કરવો છે ને ? જરૂર કેસ કરીશું... પણ મારી એક શરત છે : આ શરત પ્રમાણે તારે ચાર મહીના સાસરીમાં રહેવાનું છે, ને એ પ્રમાણે વર્તવાનું છે. કબૂલ ?'
'કબૂલ છે, પપ્પા !'
'તો હવે હું તને ત્યાં મુકવા આવવાનો છું. ને તારી સાસુ અને નણંદ સાથે હું કહું તેમ સગી મા અને બહેન સાથે વર્તે એમ વર્તવાનું છે. વર્તીશ ?'
'હા, પપ્પા !'
ચૌલાને દોલતરાય ખુદ તેના પતિગૃહે મૂકી ગયા ! પણ આ વખતની ચૌલા અલગ જ હતી ! સાસુ અને નણંદ માટે ચા તૈયાર કરી આપતી. રાત્રે સૂતી વખતે સાસુના પગ દબાવતી. એમનું માથું દબાવતી. સમયસર દવા આપતી ! એમને જમાડયા પછી જ જમતી. સાસુ આગ્રહ કરતાં : 'તું જમીલે, ચૌલા ?' 'ના, તમે મારાં મા જ છો... તમને જમાડયા પછી જ જમીશ !'
બધુ કામ એ જ કરતી. એય હસતાં હસતાં : 'લ્યો, મા, આ ગોળનું પાણી પી જાવ.'
નણંદ નણંદ મટી ગઈ
માજણી બહેન બની ગઈ સાસું સાસુ મટી ગયા.
સગી જનેતા બની ગયા !
'વાહ, વાહ' થઈ ગઈ. ચૌલાની. ! આડોશ-પડોશમાં વહુનાં વખાણ કરવા લાગ્યા સાસુ : 'અમારી ચૌલા જેવી વહુ તો કોઈને ન હોય ! એ વહુ નથી, સગી દીકરી છે દીકરી ! સગી કરતા ય વધારે, સવાઈ સગી દીકરી છે ચૌલા !'
સસરા તો પત્નીને મોંઢે ચૌલાનાં વખાણ સાંભળીને રાજી રાજી થઈ જતા. તો એનો ઘરવાળો તો રાજીપાથી રંગાઈ જતો : 'વાહ, ચૌલાએ સોનાં દિલ જીતી લીધી ! હાશ !'
પછી એ ફરીથી પિયર આવી બરાબર ચાર મહીના પછી ! પણ આ વખતની ચૌલા, નવા જ સ્વરૂપે આવી હતી ! ચહેરા પર હાસ્ય હતું, ને ફુલની જેમ ખીલું ખીલું થઈ રહી હતી. એકલી હતી ત્યારે તેના પપ્પા દોલત રાયે કહ્યું : 'આમ આવ, બેટી !'
'આ આવી,'
'જો બેટી, આપણી શરત પ્રમાણે ચાર મહીના વીતી ગયા ! તારા સસરાનો પણ ફોન આવ્યો હતો. 'ચૌલા, તો સાવ બદલાઈ ગઈ. એણે સહુનાં દિલ જીતી લીધાં છે. એ હવે વહુ મટીને દીકરી બની ગઈ છે. વેવાઈ ! વાહ, ચૌલા, ક્યા બાત હૈ ?''
'સાચી વાત છે, પપ્પા'
'બોલ, હવે તારા સાસુ અને નણંદ પર કેસ કરવો છે ?'
'ના, પપ્પા, મા ઉપર કેસ થાય ખરો ? માજણી બહેન પર કેસ થાય ખરો ? હવે ક્યાં હું એમની વહુ રહી છું, હું તો એમની દીકરી બની ગઈ છું !!'